જીવનમાં નાની નાની વસ્તુઓની કેટલી દરકાર આપણે કરીએ છીએ? સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે ઊંઘીએ ત્યાં સુધીમાં કેટલીય નાની મોટી સાધન સામગ્રીનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ પરંતુ તેમની ઉપયોગીતા વિષે ક્યારેક જ ધ્યાન આપતા હોઈએ છીએ. તેમની ખોટ ત્યારે જ સાલે છે જયારે શોધવા છતાં સમયસર ન મળે. બ્રશ, ટૂથપેસ્ટ, ટુવાલ, રસોડામાં ટોસ્ટર, વેલણ, તાવેથો કે ચમચી. આ ઘર વપરાશની નાની નાની વસ્તુઓ હોય કે પેન્સિલ, રબર, પેપરક્લિપ, ડસ્ટબીન જેવી ઓફિસની વસ્તુઓ હોય, તેમનું કેટલું મહત્ત્વ છે આપણા સૌના જીવનમાં એ ક્યારેક વિચારવા જેવું છે. 


આ બધી જ વસ્તુઓ આપણા જીવનનો એવો હિસ્સો બની જાય છે કે તેમનું અસ્તિત્વ આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. તેનું કારણ એ છે કે તેમની ઉપલબ્ધી આસાન છે. તે હંમેશા હાથવગી હોય છે અને તેને મેળવવા માટે કોઈ સંઘર્ષ કરવો પડતો નથી. બહાર નીકળીએ અને હાથ ઊંચો કરતા રીક્ષા ઉભી રહી જતી હોવાથી આપણે રિક્ષાનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે તે ભૂલી જઈએ છીએ. જયારે મન થાય ત્યારે ફોન પર દસ આંકડા દબાવીને કોઈને પણ ફોન જોડી દેવો આસાન હોવાથી મોબાઈલ ક્નેક્શનનું મૂલ્ય આપણે ભૂલી ગયા છીએ. ઓફિસમાં સવારે અને બપોરે સમયસર ચા પહોંચી જતી હોવાથી ચા લાવનાર છોટુ આપણા માટે માત્ર એક રોજિંદી આદત બની જાય છે. 


આપણા મગજની એ જ તો કમી છે કે જેના માટે કોઈ સંઘર્ષ કે પ્રયત્ન ન કરવો પડે તેને સહજ માની લે છે. જેમ કે ચાલવા માટે એક પછી એક પગ ઉપાડવા અને મુકવાની પ્રક્રિયા એટલી સહજ હોય છે કે તેના પર ધ્યાન દેવાની જરૂર આપણને વર્તાતી જ નથી. શ્વાસ લેવાના, હૃદય ધબકવાના, આંખો પટપટાવવાના એવા તો લય અને તાલ બેસી જાય છે કે આપણે તેના અંગે ક્યારેય વિચાર કરવો પડતો નથી. પહેલા આ અભિગમ કામકાજની વસ્તુઓ પ્રત્યે અને રોજબરોજની ક્રિયાઓ પ્રત્યે વિકસાવીએ છીએ અને પછી તે આપણી માનસિકતામાં એવી રીતે બેસી જાય છે કે તેવો જ અભિગમ આસપાસના લોકો માટે પણ અપનાવીએ છીએ. જે લોકોને રોજ રોજ મળતા હોઈએ, તેમના હોવાની નોંધ લેવાની આદત છૂટી જાય છે. 


આવું બધા લોકો સાથે થાય છે. તેમાં જાણીજોઈને કોઈને અવગણવાની વાત નથી. આપણા જીવનના અભિન્ન અંગરૂપ બની ગયેલા દોસ્તો અને પરિવારજનોને આપણે આંખ મટકાવવા, શ્વાસ લેવા કે ચાલવા માટે પગ ઉપાડવા જેવા સહજ માની લઈએ તો કોઈ નવાઈની વાત નહિ. પરંતુ ક્યારેક, એકાદીવાર થોડા સજાગ થઈને આપણી આસપાસ રહેલા આવા લોકો, આવી વસ્તુઓ અને ક્રિયાઓ અંગે વિચાર કરવો જોઈએ. સવારે મમ્મી કે પત્ની ચા બનાવીને લાવે ત્યારે તેમનું આપણી જિંદગીમાં હોવું કેટલું વાસ્તવિક અને કેટલું અનિવાર્ય છે તેનો અહેસાસ કરવો જોઈએ. શાળાએ, કોલેજે કે ઓફિસે જઈએ ત્યાં પણ સફાઈ કરનાર વ્યક્તિ, મિત્રો, સહકર્મચારીઓને થોડીવાર એકીટસે જોઈ રહેવાની ચેષ્ટા કરવી જોઈએ. નાના નાના કામો માટે લોકોને થેન્ક યુ કહેવાની શિખામણ આપતા પુસ્તકો કે લેખો વાંચીને જેમણે એવી આદત કેળવી લીધી હશે તેઓ પણ સ્વીકારશે કે થેન્ક યુ પણ એવું તો યંત્રવત નીકળે છે કે ક્યારેક તેની પણ નોંધ લેવાતી નથી. 


આપણી જ વાત નથી. સારા સારા વિદ્વાનો પણ આ બાબતને નજર અંદાજ કરી દે છે. ચાના કપ પર બનેલ ફૂલ પાંદડાની આકૃતિનું વર્ણન સુદ્ધા કરનાર સારા સારા લેખકો પણ ક્યારેક આવી વાતો પર ધ્યાન દેવાનું ભૂલી જતા હોય છે. સ્વાભાવિક છે આવું બનવું કોઈ ગુનો નથી. પરંતુ તેમના વિષે થોડો વિચાર કરવો આવશ્ય રસપ્રદ બની શકે. ગોવર્ધન રામ ત્રિપાઠી જેવા લેખક કે સત્યજિત રે જેવા ફિલ્મ નિર્દેશક જે અદાથી અને બારીકાઈથી આસપાસની દુનિયાને જુએ તેવી રીતે ક્યારેક આપણી આસપાસની વસ્તુઓ, વ્યક્તિઓ, ઘટનાઓ અને પ્રક્રિયાઓને નિહાળી જોઈએ તો કેવી મજા આવે? આ કામ તો એકવાર કરવા જેવું છે અને શક્ય હોય તો જે અનુભવ થાય તેના અંગે લખવા કે મિત્ર સાથે ચર્ચા કરવા જેવું પણ છે.

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *