વારેવારે આપણે બે પ્રકારની દલીલો સાંભળીએ છીએ. એક તો આપણને વધારે કામ કરવા પ્રેરે છે અને બીજી જીવન અને કાર્ય વચ્ચે સંતુલન બનાવવા સલાહ આપે છે. રોજના આપણે કેટલા કલાક કામ કરીએ છીએ અને કેટલા કલાક આરામ કરીએ છીએ તેનો આધાર આપણા નોકરી-ધંધા અને પોતાના સ્વભાવ પર હોય છે પરંતુ આજે ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી મળશે જે વ્યસ્ત ન હોય. લોકો જમતા જમતા પણ ઇમેઇલ કે ફોનના ઉત્તર આપતા હોય છે કે વોટ્સએપ પર કામને લગતી વાત કરતા હોય છે. આ હવે આપણા નિત્યક્રમમાં શામેલ થઇ ગયું છે અને તે બીજા કોઈને તો શું પરંતુ આપણને પોતાને પણ અજુગતું નથી લાગતું. પરંતુ પ્રશ્ન એ છે કે આપણે કેટલું કામ કરવું જોઈએ?કામ કરવાનો ઇતિહાસ આમ તો આપણા અસ્તિત્વ જેટલો જ જૂનો છે. દરેક જીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કામ તો કરવું જ પડે છે, પછી તે કોઈપણ પ્રકારે કેમ ન હોય. જંગલનો રાજા સિંહ પણ પેટ ભરવા માટે શિકાર કરે છે – સુપ્તાસ્યા સિંહસ્ય મુખે પ્રવિશન્તિ ન મૃગઃ – સાંભળ્યું છે ને? પરંતુ શું તે પેટ ભરાઈ જાય પછી પણ કામ કર્યા કરે છે? તીતીઘોડો વરસાદમાં કુદ્યા કરે છે, હરિયાળા ઘાંસની મજા લે છે, પરંતુ તેની સામે કીડી તો સંગ્રહ કરવા માટે પણ કામ કરે છે. માણસ પણ પ્રાચીન કાળમાં તો શિકાર કરીને જીવન ગુજારાતો અને ભટકતું જીવન જીવતો. ધીમે ધીમે તેણે સ્થાયી થવાનું શરુ કર્યું, ખેતી શરુ કરી અને એટલા માટે જ્યાં સુધી ખેતી જ મુખ્ય વ્યવસાય રહ્યો ત્યાર સુધી તે મોસમ અનુસાર પોતાનું અનાજ પકાવવા વગેરે માટે કામ કરતો. પછી આવ્યો ઔદ્યોગિક કાળ – યુરોપ અને અમેરિકામાં. આ સમયે કારખાનામાં કારીગરો માટે કામના કલાકો વધવા માંડ્યા. કારખાનાને ચોવીસેય કલાક ચાલુ રાખવા, ઉત્પાદન વધારવા બે-ત્રણ શિફ્ટમાં કામ શરુ થયું અને આ પરંપરા ક્યારેય થોભી જ નથી.

આજે આપણે કામ કરવામાં તો ગૌરવ લઈએ છીએ. અમીર બનવાનું સપનું, સફળતા મેળવવાનું સપનું સાકાર કરવા માટે આપણે દિવસ-રાત પ્રયત્નરત રહીએ છીએ. ધીમે ધીમે ટેક્નોલોજી વિકસી અને આપણા કામ સરળ બન્યા પરંતુ તેમ છતાંય આપણા કામ ઓછા થયા નથી, બલ્કે વધ્યે જ જાય છે. નવી ટેક્નોલોજીના વિકાસથી પણ કામના કલાકો કોઈના ઓછા થયા હોય તેવું જાણ્યું નથી. આજે પણ આપણે સતત કાર્યરત રહીએ છીએ અને વ્યસ્ત રહીએ છીએ. આવું કરવા માટે આપણને પ્રેરણા આપવામાં આવે છે – ઓફિસમાંથી, ઘરમાંથી, મિત્રો તરફથી. કેમ કે કામ કરીને આપણે ઘણું હાંસલ કરીએ છીએ.

હવે વાત ત્યાં આવીને ઉભી રહી છે કે દરેક વ્યક્તિ હંમેશા જ વ્યસ્ત છે. ક્યારેય તેનું કામ ખૂટતું નથી પરંતુ આપણું શરીર અને મગજ આટલા વ્યસ્ત રહેવા માટે, નિરંતર કામ કરવા માટે સર્જાયું નથી તે સમજવામાં આપણને ઘણું મોડું થઇ ગયું છે. શરીર અને મનને આરામની પણ જરૂર છે તે વાત હવે સમજવી રહી. વાત આળસની નથી. વાત નિષ્ક્રિય થઇ જવાની નથી પરંતુ વાત છે શરીર અને મનને પુનઃસર્જન માટે, સર્જનાત્મક વિકાસ માટે સમય આપવાની. જો મન ક્યારેય નિયમિત ચાલતા કાર્યમાંથી મુક્ત નહિ થાય તો ક્યારેય નવું વિચારી નહિ શકે. શરીર પણ કોઈ નવા કામ માટે સજ્જ નહિ થઇ શકે. એટલા માટે આપણે પોતાના નિત્યક્રમમાં એક સમયગાળો એવો રાખવો જરૂરી છે જેમાં આપણે શરીરને અને મનને શાંતિ આપીએ, ખુલ્લા છોડી દઈએ અને તે ઈચ્છે તે રીતે તેમને રિલેક્સ થવા દઈએ. આવું કરવાથી આપણે તેમને સમારકામનો સમય તો આપીશું પણ સાથે સાથે સર્જનની તકો પણ ઉભી થશે. આવા સકારાત્મક વલણ સાથે ખાલીપાને પણ તમારા શિડ્યુલમાં, નિત્યક્રમમાં ઉમેરી દો. નવરા બેસવામાં, આરામ કરવામાં જે શરમ આવતી હોય તેણે થોડો સમય ત્યજી દો અને પોતાના માટે આવો સમય કાઢતા શીખી જાઓ. કેમ કે કામ તો ક્યારેય પૂરું થવાનું જ નથી.

ઓફિસ હોય કે પરિવાર, સૌની પોતાની ડિમાન્ડ હોય છે, જે આપણને વ્યસ્ત રાખે છે અને પોતાના માટે સમય ફાળવતા રોકે છે પરંતુ આ બધી માંગણીઓને પુરી કરતા કરતા, તેમની સૌની ઈચ્છાઓને સંતોષતા સંતોષતા તમારી પોતાની ઇચ્છાશક્તિ જ મરી પરવારે તેવું ન થવા દેશો. પોતામાં માટે કામમાંથી સમય કાઢવાને પણ એક કામ જ ગણજો અને જરૂર કરજો.

Don’t miss new articles