એક સેલ્સમેનને તેના ઉપરીએ સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકોનું એક લિસ્ટ આપ્યું અને કહ્યું કે આ બધાને ફોન કરીને આપણા નવા ઉત્પાદન વિષે માહિતી આપો અને વેંચવાની કોશિશ કરો. બે કલાક પછી મેનેજરે તે સેલ્સમેનને બોલાવીને પૂછ્યું કે શું પ્રોગ્રેસ થઇ. સેલ્સમેને કહ્યું કે તેણે મહેનત કરી પણ કોઈ ઘરે મળતું નથી. બધા બહાર ગયા લાગે છે. મેનેજરે તે સેલ્સમેનને બેસાડ્યો અને તેને એક પેન અને પેપર આપ્યા. ‘તમે કેટલા લોકોને ફોન કર્યો તેનું લિસ્ટ બનાવો જોઈએ.’ સેલ્સમેને પોતાના લિસ્ટમાંથી જેને જેને ફોન કર્યો હતો તેનું લિસ્ટ બનાવ્યું અને મેનેજરને આપ્યું.
‘સાત લોકોને. બરાબર. બે કલાકમાં તમે સાત લોકોને ફોન કર્યા. હવે કોને શું જવાબ આપ્યો તે લખો જરા.’ મેનેજરે કાગળ પાછો સેલ્સમેનને આપ્યો જેણે ફરીથી થોડી નોંધ કરીને કાગળ પાછો મેનેજરના હાથમાં આપ્યો.
‘ગુડ. તો આ સાત લોકો પૈકી ત્રણ લોકોએ ફોન ઉપાડ્યો અને ચાર લોકોએ જવાબ ન આપ્યો.’
‘જી સાહેબ. ઘરે નથી લગતા.’ સેલ્સમેને પાંગળો તર્ક લડાવ્યો.
‘આપણા વિસ્તારમાં ચાલીસ હાજર લોકો રહે છે. તેમાંથી ચાર લોકોએ ફોન ન ઉપાડ્યો એટલે તમે એ તારણ પર આવી ગયા કે કોઈ ઘરે નથી?’ મેનેજરે પ્રશ્ન કર્યો પણ સેલ્સમેન પાસે કોઈ જવાબ નહોતો.
આપણી સામે આપવામાં આવેલી માહિતી પાંચ લોકોની હોય તો તેના આધારે બધાને તે જ માહિતી લાગુ પડે છે તેવું માની લઈએ છીએ અને એક અનુમાન અને તરણ પર આવી જઈએ છીએ. આવી વૃત્તિને જનરલાઇઝેશન કહે છે. જનરલાઇઝેશન કરવું, સામાન્યીકરણ કરવું આપણા સ્વભાવમાં હોય છે અને પરિણામે એક-બે વાર થતા અનુભવથી આપણે વ્યાપક તારણ પર આવી જઈએ છીએ. જેમ કે એક વ્યક્તિએ જીવનમાં બે ત્રણ વાર પ્રેમમાં દગો ખાધો હોય તો તે એવું બોલશે કે બધી છોકરીઓ ઠગારી હોય છે. તેને પ્રેમમાંથી વિશ્વાસ ઉઠી જશે અને તે પોતાના બે-ત્રણ અનુભવનું સામાન્યીકરણ કરીને દરેક સ્ત્રીને દગાબાજ ગણશે. એટલું જ નહિ તે પોતાને સાંભળે તેવા બધા મિત્રોને પણ સલાહ આપશે કે સ્ત્રીનો વિશ્વાસ ન કરવો. તેવી જ રીતે કોઈ વ્યક્તિને ટેક્ષી વાળાએ બે-ત્રણ વાર છેતર્યો હોય તો તે એવું કહેશે કે દરેક ટેક્ષી વાળા ચોર હોય છે અને વધારે ભાડું લે છે. તે રીક્ષા લેશે પણ ટેક્ષીથી કતરાશે. કોઈએ સરખેજ હાઇવે પર થયેલી બે-ત્રણ લૂંટફાંટની વાત સાંભળી હોય તો કદાચ તે એવું જનરલાઇઝેશન કરી લે કે સરખેજ હાઇવે તો લુટંરાઓથી ભરેલો છે અને ત્યાંથી ન નીકળાય.
આવા જનરલાઇઝેશન એટલે કે આપણી પાસે ઉપલબ્ધ માર્યાદિત માહિતીને વ્યાપક પ્રમાણે લાગુ પાડવાની વૃત્તિ ખરેખર નુકશાનકારક છે. તેનાથી આપણે કેટલીયવાર સારા વ્યક્તિઓને પણ ખરાબ ગણી લઈએ છીએ અને સારા અનુભવો મેળવતા પહેલા જ નકારી દઈએ છીએ. આ વૃત્તિ નવી નથી. આપણે સદીઓથી આવી માનવીય મર્યાદા અને માનસિક વૃત્તિથી જીવતા આવ્યા છીએ. બધા જમાઈ જમીનથી અધ્ધર ચાલતા હોય છે તેવું કહેવાતું હોય છે પરંતુ જે લોકો જમાઈ હશે તેમને ખબર હશે કે આ વાત હંમેશા સાચી નથી. બધા વાણીયા વેપારી હોય અને બધા પટેલ ખેડૂત હોય તેવું બનતું નથી. કેટલાય વાણીયા નોકરી કરતા હોય અને પટેલ લોકો બિઝનેસ કરતા હોય તેવું બને જ છે ને?
આજની પરિસ્થિતિમાં આપણે કેટલીયવાર એવા સામાન્યીકરણ સાંભળતા હોઈએ છીએ કે પોલીસ સાથે વાત કરીશું તો કઈ નહિ વળે કે સરકારી ઓફિસમાંથી કોઈ મદદ નહિ મળે. પરંતુ આ વાતો મોટાભાગે તદ્દન ખોટી સાબિત થાય છે. જે માણસ પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને જાય જ નહિ અને બીજાના કહેવાથી એવું માની લે કે પોલીસ ફરિયાદ નહિ લખે તે ખરેખર તો પૂર્વગ્રહના આધારે નિર્ણય કરે છે અને કોઈ ચાન્સ લેતો જ નથી. તેવું જ સરકારી મદદ મેળવવા અંગે હોય છે. જ્યાં સુધી અરજી જ ન કરીએ, અને જરૂરી પ્રક્રિયા પુરી ન કરીએ ત્યાં સુધી કોઈ ઈચ્છે તો પણ મદદ ન કરી શકે. તેના માટે પહેલા તો આપણે પૂર્વગ્રહ છોડીને, માહિતીનું જનરલાઇઝેશન કરવાને બદલે, પહેલું પગલું ભરવું જરૂરી છે.
આવી સામાન્યીકરણ કરવાની આદત કેટલાક લોકોમાં વધારે પડતી હોય છે અને તેઓ પોતાના તારણો બીજા લોકો પર થોપતા હોય છે. આવા લોકોના પ્રભાવમાં આવીને કોઈ અનુમાન કરી લેવું અને કોઈના વિષે અભિપ્રાય બાંધી લેવા જેવી ભૂલ આપણા અનુભવ વિશ્વને માર્યાદિત કરી દે છે. આપણા પોતાના અનુભવોને આધારે પણ પહેલા બન્યું એટલે હંમેશા જ બનશે તેવું માની લેવું એક મોટી ભૂલ છે. દરેક પરિસ્થિતિ અને વ્યક્તિને અલગ રીતે મૂલવવા જરૂરી છે. જુના તર્કના આધારે મનમાં ઉભા થતા સંશયોને જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ પરંતુ તેની મદદથી થોડું સાવચેત બની શકાય, એકદમ પૂર્વગ્રાહી બનવું યોગ્ય નથી.