ગઈકાલથી ઈંગ્લેન્ડમાં ‘ટેસ્ટ એન્ડ ટ્રેસ’ સિસ્ટમનો અમલ શરુ થયો. નોર્ધર્ન આયર્લેન્ડમાં આવી જ સિસ્ટમ લાગુ છે. સ્કોટલેન્ડે પણ તેની પોતાની સિસ્ટમની જાહેરાત કરી છે જે ગઈકાલથી અમલમાં આવી. વેલ્સમાં આ પ્રકારની સિસ્ટમ જૂનથી અમલમાં આવશે.
ધીમે ધીમે લોકડાઉન ખોલવાની શરૂઆત કરવાની છે. ૨૩મી માર્ચથી યુકેમાં લોકડાઉન શરુ થયું અને અત્યાર સુધી મહદંશે લાગુ છે. યુકેમાં અત્યાર સુધીમાં લગભગ બે લાખ અને સીતેર હજાર કોરોનાના કેસ થયા છે અને ૩૭ હજારથી વધારે મૃત્યુ નોંધાયા છે. જયારે યુકેમાં પીક આવેલું ત્યારે રોજના પાંચ-છ હાજર કેસ નોંધાતા હતા જે હવે ઘટીને બે હજાર જેટલા થયા છે. એટલે કે યુકેમાં પીક પસાર થઇ ગયું એટલે હવે સામાજિક અને આર્થિક પ્રવૃતિઓ ધીમે ધીમે શરુ કરવા સરકારે અમુક છૂટછાટો આપવાની શરુઆત કરી છે. શાળા હજી ઓનલાઇન જ ચાલે છે અને સપ્ટેમ્બર સુધી શરુ થાય તેવું લાગતું નથી. કોલેજ પણ ઓનલાઇન એસાઇન્મેન્ટ અને પરીક્ષા લેવાની છે.
આ સ્થિતિમાં લોકડાઉનને હળવું બનાવવા વિચારી રહેલી સરકારે ગઈકાલથી ટેસ્ટ એન્ડ ટ્રેસ પદ્ધતિથી જરૂર હોય તેને જ લોકડાઉનમાં રાખવાની નીતિ અપનાવી છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક દ્વારા જાહેર કરાયું કે જે વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાય તેણે તરત જ સાત દિવસ ક્વોરેન્ટાઇનમાં જવું. તેના પરિવારના લોકો પણ ક્વોરેન્ટાઇનમાં જાય. અસરગ્રસ્ત વ્યક્તિ ઓનલાઇન કે ટેલિફોન દ્વારા ટેસ્ટ માટે અરજી કરે. તેની ટેસ્ટ થાય અને પરિણામ જો નેગેટિવ આવે તો તે અને પરિવારના બધા જ લોકો રાબેતા મુજબ તેમની પ્રવૃત્તિ ફરીથી શરુ કરે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને અને પરિવારના લોકો ઉપરાંત તેના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધીને ક્વારન્ટાઇન કરાવાય.
કોન્ટેક ટ્રેસર દ્વારા જેને કોરોના થયો હોય તેની સાથે વાતચીત કરી, ઇન્ટરવ્યૂ દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકો અંગે માહિતી મેળવવામાં આવશે. જે કોન્ટેક્ટ હાઈ રિસ્ક કેટેગરીમાં હશે તેને ૧૪ દિવસ સેલ્ફ ક્વોરેન્ટાઇન કરાવવામાં આવશે. તે દરમિયાન જો કોરોનાના લક્ષણો સામે આવે તો ટેસ્ટ કરવામાં આવશે. જો લક્ષણો ન દેખાય તો ૧૪ દિવસ પછી તેને પોતાની પ્રવૃત્તિ શરુ કરવાની છૂટછાટ મળશે. આ રીતે જે લોકો પર કોરોના હોવાની સંભાવના હોય તેમને જ ટેસ્ટ કરીને ટ્રેસ કરવામાં આવે.
સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને કોઈ પણ વ્યક્તિ ટેસ્ટ માટે અરજી કરી શકે છે તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. શરૂઆતમાં જે ટેસ્ટની મર્યાદાને કારણે તકલીફો ઉભી થયેલી તે હવે નહિ થાય તેવું લાગી રહ્યું છે. ઉપરાંત જેને આ રીતે ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમ હેઠળ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોય તેમને સરકાર દ્વારા ભથ્થું મળશે જેથી તેમને આર્થિક રીતે તકલીફ ન પડે.
હેલ્થ સેક્રેટરીએ તો પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ સિસ્ટમને અનુસરવી સૌની રાષ્ટ્રીય ફરજ છે. જો આવું નહિ કરીએ તો આખા દેશને લોકડાઉનમાં રાખવો પડશે. જેની હવે સરકારને જરૂર લગતી નથી. લોકોને પોતાના પરિવાર સાથે રોજ એકવાર કોઈ પ્રકારનો વ્યાયામ કરવા પાર્કમાં કે બહાર જવાની છૂટ તો હંમેશા હતી. હવે તેઓ ૨-૩ મિત્રો સાથે પણ સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગના નિયમોનું પાલન કરીને મળી શકે તેવી મંજૂરી અપાઈ છે. અનાજ કરિયાણા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવાની ક્યારેય મનાઈ કરી નહોતી. બસ દરેક સ્ટોરમાં વારાફરતી લોકો ખરીદી કરે અને અંતર જાળવી રાખે તેવા નિયમો હતા. જો કે લોકડાઉન હળવું થતા પણ બધી પ્રવૃતિઓ તરત જ શરુ નહિ થાય. ધીમે ધીમે તબક્કસર વિવિધ પ્રવૃત્તિઓને છૂટછાટ મળશે. પબ, જિમ, સામાજિક મેળાવડા, થીએટર વગેરે તો ઘણો સમય બંધ રહેશે તેમાં બે મત નથી.