આ સપ્તાહ દરમિયાન એક થિએટરમાં નાટક જોવા જવાનું થયું. બ્રિટિશ સોસાયટીમાં થિયેટરનું ખુબ ઊંચું સ્થાન છે. લંડનને તો કલાનું કેન્દ્ર આજે પણ ગણાવી શકાય. અહીં કેટલા બધા થીએટર આજે પણ સક્રિય છે. કેટલાક તો વર્ષોથી ચાલી રહ્યા છે અને તેમ છતાં હાઉસફુલ હોય છે. જેમ કે અગાથા ક્રિસ્ટી નામની પ્રખ્યાત બ્રિટિશ નવલકથાકારના સસ્પેન્સ થ્રિલર પરથી બનેલું ‘ધ માઉસ ટ્રેપ’ છેલ્લા ૬૮ વર્ષથી એક થિએટરમાં ચાલે છે. ધ લાયન કિંગ નામનું નાટક એટલું ભવ્ય છે કે તેને એકવાર જોવું લ્હાવો ગણાય.
ધ ગ્રેટ ગેટ્સબેય નામની લિઓનાર્દો ડી કેપ્રિઓ વાળી ફિલ્મ કદાચ તમે જોઈ હશે. વર્ષ ૧૯૨૫માં અમેરિકી લેખક એફ. સ્કોટ ફિત્ઝગેરાલ્ડની લખેલી એ નામની નવલકથા પરથી આ ફિલ્મ બની છે. તેના પર આધારિત, તે જ નામનું એક નાટક લંડનમાં ચાલે છે. આ નાટકનો અનુભવ અન્ય નાટકો કરતા અલગ છે કારણકે તે એક ઈમરસીવ એક્સપિરિયન્સ એટલે કે નિમજ્જન અનુભવ છે, સાંકળીને, તેમાં જાતે ભળીને માણવાનો અનુભવ છે. સામાન્યરીતે નાટક સ્ટેજ પર ભજવાતું હોય અને દર્શકોએ જોવાનું હોય છે. પરંતુ આવા ઈમરસીવ પ્રકારનું નાટક ઓડિયન્સની વચ્ચે જ ભજવાય છે.
સૂચના અનુસાર અમે લોકો નાટક શરુ થવાની ૪૫ મિનિટ પહેલા સ્થળે પહોંચી ગયા. ત્યાં બ્રિટિશ સૂટ અને હેટ પહેરેલ એક વ્યક્તિએ અમને ટિકિટ આપી અને દાદરા પર લાઈનમાં ઉભા રાખી દીધા. અમારા જેવા ચાર-પાંચ કપલ બીજા પણ હતા. ધીરે ધીરે વધારે લોકો જોડાતા ગયા. પાંચેક મિનિટ પછી દાદરા પરથી એક યુવાન આવ્યો અને અમને નિયમ સમજાવ્યા કે આ નાટક ૧૯૨૦ના સમયનું છે એટલે તમારે પણ એ સમયની જેમ જ રહેવાનું છે. એટલે કે નો મોબાઈલ ફોન, નો ફોટોગ્રાફ્સ. તેનું નામ રોઝી હતું. રોઝી અમને અંદર લઇ ગયો જ્યાં એક બાર હતો અને ત્યાંથી સૌઉને ડ્રિન્ક લઈને બેસવાની છૂટ હતી. ડ્રિંકના પૈસા અલગથી આપવાના હતા.
મોટા હોલ જેવા ઓરડાની સજાવટ પણ લાક્ષણિક બ્રિટિશ ઢબે કરાયેલી હતી. જેમ જેમ લોકો આવતા ગયા તેમ તેમ ઓરડો ભરાતો ગયો અને લોકો પોતાના સાથીઓ સાથે હાથમાં ડ્રિન્ક લઈને વાતોમાં વળગ્યા. લોકો પણ ખુબ સરસ ફેશનવાળા કપડાં પહેરીને આવેલા. કેટલાક પુરુષો ૧૯૨૦માં ચલણમાં હોય તેવા સૂટ અને લેડીઝ ત્યારના સમયના હોય તેવા ગાઉન પહેરીને આવેલી. બરાબર સમય પ્રમાણે ઓરડાની વચ્ચે લાઈટના શેરડા પડ્યા અને ત્યાં ઉભેલા લોકો પૈકી જ બે પાત્રોએ ડાઈલોગ શરુ કર્યા. ધીમે ધીમે વધારે પાત્રો ઉમેરાતા ગયા અને અમારા જેવા સૌ દર્શકોની વચ્ચે જ નાટક ભજવવાનું શરુ થયું. પાત્રો પણ આપણી પાસે આવે, આપણી સાથે વાત કરે અને ક્યારેક પ્રશ્ન પણ પૂછે. આ બધું જ જાણે નાટકનો ભાગ હોય તેવું લાગે. કોઈક કોઈક સીનમાં તો પ્રેક્ષકોમાંથી કોઈને બોલાવે અને નાટકમાં આવરી લે. જયારે સોન્ગ અને નૃત્ય આવે ત્યારે લોકોને આમંત્રિત કરીને સૌ સાથે મળીને નાચે-ગાય.
અમુક સીન માટે પાત્રોએ દર્શકો પૈકી કેટલાકને પોતાની સાથે બોલાવી લીધા અને બીજા એક ઓરડામાં લઇ ગયા જ્યાં બીજો સીન ભજવાયો. તે પાર્ટીનો સીન હતો. સાથે ગયેલા લોકો જાણે તે પાર્ટીના મહેમાન હોય. સીન પૂરો થાય અને કલાકારોની પાછળ પાછળ ઓડિયન્સને પણ મુખ્ય ઓરડામાં લઇ જવાયા. ત્યાં બીજો કોઈ સીન ચાલતો હોય. એટલે કે તમે જો ખરેખર જ બની રહેલી ઘટનાના ભાગ હોય તો બધા જ સ્થળે હાજર ન હોઈ શકો અને ત્યાં શું બન્યું તે જાણી ન શકો તેવો અનુભવ અહીં થાય. નાટક દરમિયાન તમે ચાલી ફરી શકો અને તમારી જગ્યા બદલી શકો. રૂમના અલગ અલગ ભાગમાં ઉપકરણો રાખેલા હોય જેનો ઉપયોગ જરૂર પ્રમાણે થાય. જેમ કે પિયાનો અને ખૂણામાં આવેલું સ્ટેજ જયારે પાર્ટીમાં એક મહેમાનને ગાવાનું આમંત્રણ આપવામાં આવે ત્યારે ઉપયોગમાં આવે. અલગ અલગ પ્લેટફોર્મ અને સીડીઓનો યોગ્ય ઉપયોગ થાય. મુખ્ય ઓરડામાંથી બીજા ઓરડામાં જવાનું, બારમાંથી ડ્રિન્ક લઈને ખરેખર પાર્ટી ચાલતી હોય તેવો પ્રયોગ પણ વાસ્તવિક લાગે. લગભગ સવા બે કલાકનું આ નાટક સંલગ્ન બન્યાના અનુભવ સાથે સુંદર અનુભૂતિ કરાવીને પૂરું થયું.