એક ખૂબ મજા નો પ્રશ્ન એ છે કે માણસને ખુશ રહેવા માટે સફળ હોવું જરૂરી છે કે પછી સફળ થવા માટે ખુશ હોવું જરૂરી છે? સામાન્ય રીતે આપણે હંમેશા એવું સાંભળવા મળતું હોય છે કે માણસ સફળ થઈ જાય તો ખુશી મળે. આપણે મનમાં એવું સમીકરણ બેસાડી દીધું છે કે સફળ થવાથી ખુશી મળશે અને એ સફળતા માટે મહેનત કરવી પડશે. પરંતુ વાસ્તવમાં શું આ ક્રમ યોગ્ય છે કે પછી આપણે અત્યાર સુધી મોટી ભૂલ કરતા આવ્યા છીએ? આનંદ મેળવવા માટે સફળતાની પાછળ ભાગતો માણસ સોગિયું મોઢું કરીને પરિશ્રમ કર્યા કરે પણ તેનું મન જરાયે કામમાં લાગતું ન હોય તો પરિણામ કેવું આવે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જે વ્યક્તિ આનંદિત રહેતા હશે, અંતરમનથી ખુશ હશે, તેઓ સફળ થઈ શકશે અને તેઓ જ હસી-ખુશીથી વધારે મહેનત પણ કરી શકશે તે વાત શોન એકર પોતાના પુસ્તક ‘ધ હેપીનેસ એડવાન્ટેજ’માં કહે છે.
ખુશી કે આનંદ સફળતાનું પરિણામ નહિ પરંતુ તેનું કારણ છે. એટલે કે સફળતાને કારણે આપણે ખુશ થતા નથી પરંતુ ખુશ રહેવાને કારણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. સકારાત્મક મનોવિજ્ઞાનના નિષ્ણાત શોન એકરે આ પુસ્તકમાં આનંદ અને કાર્ય વચ્ચેનો સંબંધ સમજાવતા બતાવ્યું છે કે જે વ્યક્તિ આનંદિત, પ્રફુલ્લિત હોય છે તેનું કાર્ય વધારે સારું, ચોકસાઈવાળું, ખંતપૂર્ણ અને સર્જનાત્મક હોય છે. તેની સામે દુઃખી, ઉદાસ કે નિરાશ વ્યક્તિના કાર્યમાં વધારે ભૂલો, ઓછી સર્જનાત્મકતા અને ઓછો ખંત દેખાઈ આવે છે.
વ્યક્તિ સફળતાને ધ્યેય બનાવીને ચાલે અને તેના પરિણામે જ જીવનમાં આનંદ પ્રાપ્ત થશે તેવી ધારણા રાખે ત્યારે તે આનંદની શોધમાં જાણે ઝાંઝવાને ખોળતો હોય તેવી સ્થિતિ ઉભી થાય છે. તેના કરતા જયારે માણસને એ સમજ આવી જાય કે ખુશ રહેવું એ તદ્દન સ્વતંત્ર પરિમાણ છે અને તેનો સંબંધ પોતાની સફળતા કે નિષ્ફળતા સાથે જરાયે જોડાયેલો નથી ત્યારે કદાચ તે વધારે નિશ્ચિત બનીને મહેનત કરી શકે છે. પરિણામ સાથે પ્રયત્નને ન સાંકળવામાં આવે તો પ્રયત્નની ગુણવતા સુધરે છે. પરિણામ અને પ્રયત્નને એકબીજાથી તદ્દન જુદા રાખવાની સલાહ તો ગીતામાં પણ આપવામાં આવી છે. જયારે પરિણામ સુધી પ્રયત્ન કરતા રહેવાનો નિશ્ચય હોય ત્યારે પ્રયત્ન વધારે સઘન બને છે, પરંતુ પરિણામ મળે તો પ્રયત્ન કરું તેવો વિચાર આવે ત્યારે ન તો પ્રયત્ન સારી રીતે થઇ શકે કે ન તો પરિણામ સારું મળી શકે.
પોતાના પુસ્તક ધ હેપીનેસ એડવાન્ટેજમાં લેખક શોન એકર સાત સિદ્ધાંતો આપે છે જે આ બાબતને સારી રીતે સમજાવે છે.
1. આનંદનો લાભ ઉઠાવો: આનંદ વ્યક્તિની ઉત્પાદકતા સુધારે છે. મેનેજર અને માલિકે આ સિદ્ધાંતનો ફાયદો લઈને કામદારોને આનંદિત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી તેમની પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા સુધરે.
2. સકારાત્મક અભિગમનો લાભ લો: વ્યક્તિનો અભિગમ પણ તેના કાર્ય પર સીધી અસર કરે છે, માટે સકારાત્મકતાવાળા અભિગમનો લાભ લઈને વ્યક્તિના પ્રયત્નો અને કાર્યો નિર્દેશિત થવા જોઈએ.
3. તમારા મગજને સકારાત્મકતા શોધતા શીખવાડો: જયારે તમે સકારાત્મક વિચારોની એક ભાત તૈયાર કરો છો ત્યારે તમારું મગજ એ રીતે જ તાલીમ મેળવે છે અને તેનો ફાયદો પરિણામમાં ઝળકે છે.
4. પ્રતિકૂળતામાંથી શીખો અને આગળ વધો: પ્રતિકૂળતા તો દરેકના જીવનમાં આવે જ છે, પરંતુ તમે સકારાત્મક રહીને આ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ શકો, તેમાંથી શીખી શકો તો તેનો ઉપયોગ આગળ વધવા માટે થવો જોઈએ.
5. તબક્કાવાર મળતી સિદ્ધિઓ પર અંકુશ મેળવો: જયારે પણ શક્ય હોય ત્યારે નાની નાની, સરળ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહો અને તેમના પર અંકુશ રાખીને મોટી સિદ્ધિ તરફ આગળ વધો.
6. પોઝિટિવ આદતો કેળવો: સારી અને સકારાત્મક આદતો કેળવો જે તમને જીવનમાં સફળતા તરફ લઇ જાય.
7. સામાજિક સંપર્કનો લાભ લો: સામાજિક સંપર્કથી લાભ મેળવતા શીખવું જોઈએ જેથી સફળતા અને આનંદ બંને પ્રાપ્ત થાય.
આ સાતેય સિદ્ધાંતો આખરે તો આપણને સકારાત્મકતા, પોઝિટિવિટી તરફ અંગુલી નિર્દેશ કરે છે. ત્યારબાદ આપણે ખુશ રહીને, પ્રયત્નરત રહેવાનું છે જેથી કરીને આપણી સફળતા નિશ્ચિત થાય. શંકાશીલ રહીને પ્રયત્નો કરવાથી સફળતા પણ દૂર ભાગે છે અને અને વ્યક્તિની ખુશી પણ. સકારાત્મક રહીને મહેનત કરનાર પહેલાથી જ ખુશ રહે છે જેથી તેના પ્રયત્નો વધારે સચોટ બને છે અને સફળતા નિશ્ચિત કરી આપે છે.