આજે જન્માષ્ટમી છે અને માનનારા લોકો કૃષ્ણ ભક્તિ કરવા તૈયાર હશે. ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ સૌને આકર્ષે તેવું છે – કોઈને ગમે અને કોઈ તેના અંગે દલીલો કરે – પણ બધાય તેનાથી આકર્ષાય તો ખરા જ. શ્રીકૃષ્ણનું જીવન સંઘર્ષ અને સફળતાની એક પ્રેરક કથા જેવું છે. તે ગ્રીક ટ્રેજેડી જેવું પણ છે કે જેમાં જીવનભરના સંઘર્ષના અંતે પણ નાયકના જીવનમાં વિષાદ અને વિરહ રહે છે. કૃષ્ણનો જન્મ જેલમાં થયો અને ત્યાં પણ તેના જીવની સલામતી નહોતી. તેના સાગા મામા જ તેનો જીવ લેવા તત્પર હતા. જન્મ થતા જ તેના માતા પિતાએ તેને છોડી દેવા પડ્યા અને તેનો ઉછેર અન્ય જગ્યાએ થયો. જ્યાં બાળપણથી યુવાન થયા અને લોકપ્રિયતામાં રાચતા હતા ત્યાંથી પણ તેમને છોડીને જવું પડ્યું અને તેની પ્રેમિકા સાથે જીવનભરનો વિરહ સહન કરવો પડ્યો. દ્વારકામાં રાજ્ય સ્થાપ્યું અને જયારે જીવન સ્થિત થયું હતું ત્યારે મહાભારતના યુદ્ધ નિમિતે પોતાનું રાજ્ય છોડીને તેઓ હસ્તિનાપુર ગયા. આખરે મહાભારતના યુદ્ધમાં લાખો લોકોના મૃત્યુ અને સંહાર જોયા પછી તેઓ સોમનાથના જંગલોમાં એક અજાણી વ્યક્તિના તીરથી ઘાયલ થઈને દેહ છોડે છે. જીવન દરમિયાન કેટલાય દુશ્મનો, દૈત્યો અને અસુરોના સંહાર અને કેટલાય માનવીઓના ઉદ્ધાર કર્યા છતાંય તેમના અંગે મિશ્રા પ્રતિભાવ જોવા મળે છે.

આ બધી જ ઘટનાઓ એક નહિ અનેક પ્રશ્નો આપણી સામે ઉભા કરે છે. આ પ્રશ્નો એવા નથી કે જેનો ઉકેલ તર્ક કે બુદ્ધિથી આપી શકાય. તેમને સમજવા માટે માત્ર અપ્રતિમ શ્રદ્ધા અને ભક્તિ હોવા જોઈએ. શ્રીકૃષ્ણએ સોળ હજાર યુવતીઓ સાથે લગ્ન કર્યા અને મહાભારતમાં તેમણે છળકપટ કર્યા તેવા આક્ષેપો કૃષ્ણભક્તો પણ લગાવે છે. એવું નથી કે માનવીના મંતવ્યોથી કૃષ્ણનું વ્યક્તિત્વ અંકાય છે પરંતુ વાત એ છે કે કૃષ્ણનું તાત્પર્ય જ માયા છે અને જે લોકો આ સઘળી માયાને ન સમજી શકે તે સૃષ્ટિના અસ્તિત્વને પણ ન જ સમજી શકે. આ વાતને બીજી રીતે સમજીએ. જે રીતે આપણે ઉંઘીયે ત્યારે સપનું જોતા હોઈએ ત્યારે એવું જ લાગે છે કે તે વાસ્તવિક દુનિયા છે પરંતુ જયારે ઉઠીયે ત્યારે લાગે છે કે તે તો સપનું હતું. તો શું આપણું જીવન, આ સૃષ્ટિ, સમગ્ર સંસાર પણ એક માયાવી સપનું ન હોઈ શકે? જે જીવન આપણે જીવી રહ્યા છીએ તે જીવન જ આપણું સપનું હોય અને આંખ જયારે ખુલશે ત્યારે જ વાસ્તવિકતાની ખબર પડશે તેવું કહીએ તો? વાત તો તાર્કિક રીતે સાચી છે. જે રીતે સપના દરમિયાન આપણે સપના અને વાસ્તવિકતામાં તફાવત કરી શકતા નથી તે રીતે જો આપણું જીવન પણ એક સ્વપ્ન જ હોય તો કેવી રીતે આપણે તફાવત કરી શકીએ?

આ વાત જ શ્રીકૃષ્ણના જીવનથી શીખવાની છે. કૃષ્ણએ મહાભારતના યુદ્ધની શરૂઆત પહેલા જ અર્જુનને પોતાનું માયાવી રૂપ બતાવીને સમજાવેલું કે જે યુદ્ધના પરિણામ અંગે તે ચિંતા કરી રહ્યો છે તે તો માત્ર નિમિત્ત છે, પરિણામ તો નિશ્ચિત થઇ ચૂક્યું છે. અર્જુને પોતાની નજર સામે ભવિષ્યમાં શું થવાનું છે તે જોયું ત્યારે તેને સમજાયું કે તેના હાથમાં કઈ જ નથી. બધું પૂર્વનિમિત છે. પરંતુ આ માયાવી રૂપ બતાવનાર કૃષ્ણ પોતે જ કહે છે કે તેઓ પોતે જ માયા છે અને તે માયાને સમજનાર જ આ સૃષ્ટિના રહસ્યને પામી શકે છે. જે સર્વશક્તિશાળી ભગવાન સૃષ્ટિનું નિયંત્રણ કરતા હોય તે પોતાના જીવનને આવું અટપટું અને કપરું શા માટે બનાવે? શા માટે તે પોતાના માં-બાપથી વિખુટા પડે, શા માટે પોતાની પ્રેમિકા સાથે લગ્ન ન કરી શકે? શા માટે કોઈ સ્થળ કે સમયને માણી ન શકે? આ બધી માયા રચવાનો શો અર્થ? વાસ્તવિક દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિને એટલા દુઃખ જોવા પડતા હોય છે અને જેને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હોય તે કૃષ્ણ જેવો સબળ, સકારાત્મક અને શ્રદ્ધામય જીવન જીવે તે વાત શક્ય નથી. પરંતુ તેમ છતાં પોતાના જીવનની માયા દ્વારા આપણને કૃષ્ણએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પૂર્વનિમિત આપણું જીવન ખરેખર માયા છે, સૃષ્ટિ માયા છે અને આપણે માત્ર નિમિત્ત બનીને જીવનના પડાવોને પાર કર્યે જવાના છે. તે આપણે સમજી જઈએ તો કૃષ્ણમય બની જઈએ.

શુભ જન્માષ્ટમી.

Don’t miss new articles