મુસાફરીમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વચ્ચે જે પડાવો આવે તેને પાર કરવા પડતા હોય છે. એવો કોઈ વિકલ્પ મળતો નથી કે તેમને છોડીને, અવગણીને સીધા જ મંજિલ પર પહોંચી શકાય. ઉડીને જઈએ તો પણ આ અંતર તો ઓળંગવું જ પડે છે. ભણવામાં પણ આપણે A શીખ્યા પછી જ B પર જઈએ છીએ અને એકડો શીખ્યા પછી જ બગડો ઘુંટવાનું શરૂ કરીએ છીએ તેવી જ રીતે જીવનમાં પણ એક પછી એક તબક્કાઓને પાર કરવા પડે છે. આ તબક્કાવાર આગળ વધવાની પ્રથાને જ પ્રક્રિયા અથવા તો સૃષ્ટિનો નિયમ કહેવાય છે અને તે સૌને સમાન રીતે લાગુ પડે છે. જે લોકો આ પ્રક્રિયા કે નિયમનું પાલન કરવાથી કંટાળી જાય છે અને સીધા જ પોતાની મંજિલે પહોંચવા માંગે છે તેઓની ઉતાવળા બનીને ઝડપી પરિણામ મેળવવાની તાલાવેલીને કારણે ગબડી પડવાની શક્યતાઓ વધારે હોય છે. જેમ એક એક પગથિયું ચડવાને બદલે છલાંગ લગાવવાની કોશિશમાં આપણે કોઈક વખત જમીન પર પટકાઈએ છીએ તેવી જ રીતે નિર્ધારિત કરાયેલ કાર્યપદ્ધતિ કે પ્રણાલીને અવગણવાથી જીવનમાં પણ પટકાવાની સંભાવના વધી જાય છે.

ક્યારેક બિઝનેસમાં આપણને એક મિત્ર થકી કોઈ ઈમ્પોર્ટન્ટ કોન્ટેક્ટ મળ્યો હોય અને તેને બાયપાસ કરીને આપણે ડાઇરેક્ટ જ એ કોન્ટેક્ટ પાસે પહોંચી જઈએ તો શક્ય છે કે આપણે મિત્ર અને બિઝનેસ કોન્ટેક્ટ બંનેને ગુમાવી બેસીએ. પરિણામ સ્વરૂપે એવું પણ બને કે ભવિષ્યમાં આપણી સાથે બીજું કોઈ પણ બિઝનેસ કરવા તૈયાર ન થાય. કેમ કે સંબંધોમાં પણ એ આવશ્યક છે કે સીડીના એક એક પગથિયાં ચડીયે, એકેય તબક્કાને અવગણીએ નહિ, ધીરજ રાખીને અને નિયમનું પાલન કરીને જ આગળ વધીએ. કોઈની લીંટી ટૂંકી કરીને, કોઈના પગ નીચેથી ગાલીચો ખેંચીને પોતે આગળ વધવાની વૃત્તિ મોંઘી પડી શકે છે અને લાંબાગાળે નુકશાન કરી શકે છે.

મકાન ચણતી વખતે સીધા જ છાપરું બનાવવા જઇયે અને પાયો કાચો રાખી દઈએ તો તે માળખું ક્યારેય પણ ધંસી પડવાનો ભય રહે છે કેમ કે નળિયાનું અને પાયાના પથ્થરનું મહત્ત્વ એક સમાન જ છે. પરંતુ આ હકીકત અવગણીને ક્યારેક આપણે સામાન્ય જણાતી મૂળભૂત બાબતો સાથે સંકળાવામાં સંકોચ અનુભવી છીએ, આપણને એ વાતની શરમ આવે છે કે સામાન્ય ગણાતા કામ કરીશું કે ખુબ સરળ જણાય તેવા પ્રશ્નો પૂછીશું તો બીજા લોકો આપણા વિશે શું વિચારશે? ક્યારેક તો આપણે નજીવા કામ કરવાથી પોતાનો સમય વેડફાશે તેવું પણ વિચારીએ છીએ અને તેનાથી બચવા માટે ઉપાયો શોધીએ છીએ. પરંતુ આવી માન્યતાને કારણે જ ઘણીવાર આપણી સમજણ નબળી રહી જાય છે. જેમ કોઈ માલિકને પોતાની ફેક્ટરીમાં થતા બધા જ કામો વિશે જ્ઞાન ન હોય તો કામદારો તેને છેતરી શકે છે તેવી જ રીતે આપણે પણ બુનિયાદી બાબતો ન સમજીએ તો અંદરથી પોકળ રહી જઈએ તેનો અહેસાસ થવો જરૂરી છે.

આ બાબત આજના વીજળીવેગે આગળ ભાગતા સમયમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કેમ કે આજે તો દરેક બાબત માટે શોર્ટકટ ઉપલબ્ધ છે. ભોજનમાંથી પોષક તત્વો મેળવવાને બદલે મલ્ટી-વિટામિન ખાઈને તંદુરસ્તીની આશા રાખનારો આજનો આપણો સમાજ ધીમે ધીમે તબક્કાવાર આગળ વધવાની, પાયો મજબૂત બનાવવાની અને સમાજના મૂલ્યોનું જતન કરીને ધીમી પરંતુ મક્કમ પ્રગતિ સાધવાની કોશિશ કરતા શીખે તે આવશ્યક છે. જેમ પોચી જમીન પર મજબૂત કિલ્લા ન બંધાય, અડગ વિશ્વાસ વિના સંબંધ ન સચવાય અને આવડત વિના સફળતા હાંસલ ન થાય તેવી જ રીતે મજબૂત મૂલ્યોના આધાર વિના જીવનમાં પણ આગળ ન વધાય. ક્યારેક ઝડપ અને વેગના આધારે, કોઈ ગલીકૂંચીમાંથી પસાર થઈને આપણે ઓછા સમયમાં લાંબી સફર કાપી લઈએ પરંતુ તે આપણી પ્રગતિનું પ્રમાણ ન બની શકે, સમય જતા વાસ્તવિકતા સામે આવીને ઉભી જ રહે છે, આપણી નબળાઈ ક્યારેક તો ખુલ્લી પડી જ જાય છે. એટલા માટે હાથીની માફક ધીમી પરંતુ મક્કમ ચાલ ચાલનારા લોકો જે રીતે જમીન ધપધપાવી શકે છે તેવી અસર બિલ્લીપગે ભાગનારા લોકોથી ઉપજતી નથી.

Don’t miss new articles