ઉનાળાની કાળજાળ ગરમી સૌને પરેશાન કરી રહી હશે. ‘આ વખતે તો ગરમીએ માજા મૂકી દીધી.’ એવા વાક્યો વારંવાર સાંભળવા મળતાં હશે. સમાચારપત્રો અને ટીવીમાં હવામાન આગાહી અને વિશ્લેષણ અંગેના સમાચારોમાં સાંભળવા મળતું હશે કે આ વર્ષે ગરમીએ દશ વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ વર્ષે સૌથી વધારે ગરમ દિવસે આટલું તાપમાન ગયું વગેરે વગેરે. પરંતુ જો તમે આ રેકોર્ડ અને વધી રહેલા તાપમાન અંગે વિચારતા હોય તો એક વાત સ્પષ્ટ છે કે આ વર્ષનો ઉનાળો કદાચ આપણી ઝિન્દગીનાં આવનારા ઉનાળાઓ પૈકી ઘણો ઠંડો છે. દર વર્ષે વધારે ને વધારે જ ગરમી પડવાની છે, માટે કદાચ આ ઉનાળો આપણી આવનારી ઝીંદગીનો સૌથી ઠંડો ઉનાળો પણ હોઈ શકે.

તેનું કારણ આપણે જાણીએ છીએ: કલાઇમેટ ચેન્જ, ગ્રીન હાઉસ ઈફેક્ટ વગેરે વગેરે. જે રીતે વસ્તી વધી રહી છે, પ્રદુષણ વધી રહ્યું છે, નવી નવી ટેક્નોલોજીની અને ઔદ્યોગિક વિકાસની અસરો આપણી સામે આવી રહી છે અને તેમ છતાં આપણા વર્તનમાં અને આપણી સેટ થઇ ગયેલી લાઈફસ્ટાઈલમાં કોઈ પરિવર્તન દેખાતું નથી તે જોતા એવું લાગે છે કે આપણે ઉત્તરોત્તર વધારે ને વધારે ગરમીમાં જીવવા માટે ટેવાવું પડશે. પરંતુ યાદ રાખવું કે એર કન્ડિશન ચલાવી ચલાવીને ઘર તો ઠંડા થશે પરંતુ દરેક એરકંડીશન મશીન ઘરમાં જેટલી ઠંડક ફેલાવે છે તેનાથી વધારે ગરમી તે વાતાવરણમાં ઉમેરે છે. રેફ્રિજરેટર અને એર કન્ડિશન જેવા ઉપકરણોમાં વપરાતા ગેસ – ખાસ કરીને ક્લોરો ફ્લોરો કાર્બન – વાતાવરણમાં ગ્રીન હાઉસ ઈફેક્ટમાં વધારો કરે છે.

નોંધનીય છે કે ૨૦૦૯ થી ૨૦૧૯નો દર્શકો ઔદ્યોગિક સમય પછીનો સૌથી ગરમ દશકો રહ્યો છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના સમયના તાપમાન કરતા તે ૧.૦૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું સરેરાશ વધી ગયું છે. પૃથ્વીનું સરેરાશ વાર્ષિક તાપમાન ૧૮૮૦ના દશકામાં ૧૩.૭૩ ડિગ્રી સેલ્સિયસ હતું જે ૨૦૦૦ના દશકામાં ૧૪.૫૧ ડિગ્રી સેલ્સિયસ થયું છે. દરેક દશકામાં સરેરાશ વાર્ષિક તાપમાન વધતું રહ્યું છે. જો આ રીતે જ આપણે ચાલતા રહ્યા તો વર્ષ ૨૨૦૦ સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે. વર્ષ ૨૦૧૬માં પેરિસ એગ્રીમેન્ટ હેઠળ વિશ્વના દેશોએ યુનાઇટેડ નેશન્સના સસ્ટેઈનેબલ ગોલ્સ હેઠળ નક્કી કરેલું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનનો વધારો અટકાવવો અને તેને નિયંત્રિત કરીને પૂર્વ ઔદ્યોગિક યુગના તાપમાન કરતા 2 ડિગ્રી સેઇસીએસથી વધારે વધવા દેવો નહિ અને શક્ય હોય તો ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી જ તેને અટકાવી દેવો. આ ગોલ્સને હાંસલ કરવા અનેક દેશોએ પોતપોતાની રીતે કાયદાનુસાર કેટલાય પગલાં ભર્યા છે. ભારતે પણ પોતાના ટાર્ગેટ સેટ કર્યા છે.

પરંતુ, સરકારના પગલાં ઉપરાંત વ્યક્તિગત રીતે કેળવાયેલી જાગૃતિ પણ પર્યાવરણને બચાવવામાં મોટો ભાગ ભજવશે તેમાં બે મત નથી. આપણે પણ ઉર્જાનો ઉપયોગ જરૂરિયાતથી વધારે ન કરીએ, જ્યાં જ્યાં કાર્બનડાયોક્સાઈડ, મિથેન કે એવા બીજા ગેસનું ઉત્સર્જન થતું હોય તેવી પ્રવૃતિઓ પર અંકુશ મૂકીએ. જેમ કે શક્ય હોય તો ઓછો ધુમાડો વાતાવરણમાં ઉમેરીએ. પુનઃ પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતોનો ઉપયોગ કરવો, વસ્તુઓને રિસાઈકલ કરતા પહેલા તેનો સંપૂર્ણ ઉપયોગ કરવો અને શક્ય હોય તો એવી વસ્તુઓ જ વાપરવી જેનો ઉપયોગ વારંવાર થઇ શકે, તેને ફેંકવી ન પડે. કેમ કે રિસાઈકલ કરવું પણ આસાન નથી. તેમાં પણ કેટલાય સ્ત્રોતોનો વ્યય થાય છે. જો આપણે પ્લાસ્ટિકની ચમચી એકવાર વાપરીને ફેંકી દેવાને બદલે સ્ટીલની ચમચીને ધોઈ ધોઈને વારંવાર વાપરીએ તો વધારે સારું. જો કે એ ચમચીને ધોવા માટે પાણી પણ મર્યાદામાં જ વાપરવું જોઈએ. પ્લાસ્ટિકની થેલીને બદલે કપડાંની થેલી પણ ઘણો સારો ઉપાય છે જ.

અમેરિકાના પ્રેસિડેન્ટ જોઈ બાયડને ક્લાઈમેટ ચેન્જ સમિટ બોલાવેલી અને તેમાં વિશ્વના 40 નેતાઓએ ભાગ લીધેલો. અમેરિકાએ ૨૦૩૦ સુધીમાં તેનું ઉત્સર્જન ૫૨-૫૫% સુધી ઘટાડવાનો ટાર્ગેટ નિશ્ચિત કર્યો છે. યુનાઇટેડ કિંગ્ડમે જાહેર કર્યું કે તે ૧૯૯૦ના સ્તરથી 78% ઉત્સર્જન ઘટાડશે. ભારતે પણ પોતાના ટાર્ગેટ જાહેર કરેલા અને બીજા દેશોએ પણ પોતપોતાની પ્રતિબદ્ધતા જાહેર કરેલી. સારી વાત એ છે કે પ્રેસિડેન્ટ જોઈ બાઇડેનના આવ્યા બાદ અમેરિકાએ ફરીથી પેરિસ એગ્રીમેન્ટ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ક્લાઈમેટ ચેન્જ અને પ્રદુષણ આપણા સૌથી મોટા દુશ્મન છે જેને માત્ર સામાન્ય વ્યક્તિ જ નહિ પરંતુ કેટલાય નેતાઓ પણ સમજતા નથી. તેને પરિણામે આપણાંને એટલું નુકશાન થઇ રહ્યું છે જેનો હિસાબ લગાવવો મુશ્કેલ છે. જેમ કે ગરમી વધવાને કારણે, ઓઝોન સ્તરમાં ગાબડાં પડવાને કારણે વિશ્વમાં સ્કિન કેન્સરનું પ્રમાણ ખુબ વધી ગયું છે. તેનો હિસાબ કેવી રીતે લગાવવો? પરંતુ કારણ તો આપણને ખબર છે.

Don’t miss new articles