જીવન ટૂંકું છે અને અનિશ્ચિત છે તે દિવસે દિવસે વધારે સ્પષ્ટ થઇ રહ્યું છે. કોરોનાનો કાળ એવો આવ્યો છે કે હવે તો વ્યક્તિગત રીતે ઓળખાતા હોય તેવા લોકોના પરિવારમાંથી પણ દુઃખદ સમાચાર મળી રહ્યા છે. આ સ્થિતિમાં જવલ્લે જ કોઈ દિવસ એવો જાય છે જયારે કોઈ કોઈ ઓળખીતાના ઘરમાં કોરોના થયાના સમાચાર ન આવ્યા હોય. દિવસે દિવસે બસ એ જ પ્રાર્થના રહે છે કે ભગવાન સૌને સારા નરવા રાખે અને આ બીમારીમાંથી માનવજાત જલ્દી છૂટી જાય.
સામાન્ય માણસ માટે રોજબરોજની જીવન જરૂરિયાતો, ઘર ચલાવવાની અને કામધંધા ન પડી ભાંગે તેની ચિંતા પણ મનમાંથી જતી નથી. બહાર નીકળીશુને આ અદ્રશ્ય વાઇરસ વળગી જશે તેનો ડર રહેવા છતાં ઘરમાં બંધ થઇને રહેવામાં લોકોને અનેક પ્રતિકૂળતાઓ પણ હોય છે. આવી સ્થિતિમાં આખરે માણસ શું નિર્ણય કરે છે તે તત્કાલીન પરિસ્થિતિ પર આધારિત છે પરંતુ ક્યારેક તો ‘જોયું જશે’ કરીને તેને બહાર નીકળવું પડે છે અને જરૂરિયાતની વસ્તુઓ અને કામધંધા માટે કોરોનાના ચેપનું રિસ્ક લેવું પડે છે. જે લોકો ફ્રન્ટ લાઈન વર્કર છે અને તેમને તો કામ કર્યા સિવાય કોઈ ઉપાય નથી. આ ચુનૌતીભરી સ્થિતિમાં તેઓ જ તો અડીખમ ઉભા રહે છે અને જરૂરિયાતમંદોને મદદ કરે છે. પરંતુ તેમાંય કેટલાય લોકોએ જાન ગુમાવ્યાનાં સમાચાર સામે આવી રહ્યા છે.
પરંતુ ધીમે ધીમે હોસ્પિટલની હાલત સુધરતી જાય છે. દેશમાંથી અને વિદેશથી જરૂરિયાતની તબીબી સામગ્રી જેમ કે ઓક્સિજન, વેન્ટિલેટર, કોનસ્નટ્રેટર, સિલિન્ડર વગેરે ઉપલબ્ધ થયા હોવાથી ધીમે ધીમે સ્થિતિ સુધરતી જાય છે. જો કે કેસોની સંખ્યા વધી રહી છે અને તજજ્ઞોનું માનવું છે કે હજી થોડો સમય વધશે પછી જ પીક એટલે કે ટોંચ પર પહોંચશે અને ત્યારબાદ ગ્રાફ ધીમે ધીમે નીચો આવવાનું શરુ થશે. આશા રાખીએ કે તે સમય જલ્દી આવે અને તેમાં ઓછામાં ઓછા લોકોને આ બીમારીનો ભોગ બનવું પડે. જે લોકોને રસી મળી ચુકી છે અથવા તો પ્રથમ વેવમાં કોરોના થઇ ગયો છે તેમના એન્ટિબોડી મદદરૂપ બનશે અને ઘણા અંશે કોરોનાની ઘાતક અસરથી બચાવી લેશે. કોઈ એવી દલીલ કરે કે રસી લીધેલા કે પહેલા કોરોના થઇ ગયો હોય તેવા લોકોમાં પણ જીવ ગયાના દાખલા છે. પરંતુ હકીકત એ છે કે તેમાં ઓછા દાખલા હશે. રસી અને એન્ટિબોડી બુલેટપ્રૂફ જેકેટ નહિ બની શકે પરંતુ સીટ બેલ્ટ જેવું કામ તો જરૂર કરશે. એટલે કે ગોળી લાગી તો કઈ નહિ થાય તેવું નથી પરંતુ એક્સીડેન્ટ થયું તો ઇજા ઓછી થશે.
કેટલાય કિસ્સામાં કાળાબજારી અને સંગ્રહખોરી પણ સામે આવી છે. દરેક જરૂરિયાતની વસ્તુઓના ભાવ અનેકગણા થઇ રહ્યા છે અને લોકો આ સમયમાં કોરોનામાં વપરાતી દવાઓ અને ઓક્સિજનના ઉપકરણોનો સંગ્રહ પણ કરતા થયા છે. કોઈને કહેવાની જરૂર હોતી નથી કે દરેક આવી દવા અને ઉપકરણ કે જે બીજા કોઈને કામમાં આવી શક્ય હોત તેમને ઘરમાં રાખીને તેમણે કોઈનો જીવ લીધો છે. તેમણે જરૂરિયાતમંદ દર્દીને આ ઉપકરણથી વંચિત રાખ્યા છે. આ બાબતમાં આપણે સ્વયંશિસ્ત જાળવવાની જરૂર છે અને જેને વધારે જરૂર હોય તેમનું વિચારીને થોડી હિમ્મત દાખવવી પડશે. કેટલાક લોકો કહે છે કે બજારમાં આવશ્યક ઉપકરણો અને દવાનો ઉપલબ્ધ હોય તો વાંધો જ નથી અને તો આવા સંગ્રહ અને કાળાબજારી પણ ન થાય પરંતુ તે માત્ર તર્ક છે અને નૈતિકતાના ધોરણોમાં આ તર્ક સાચો સાબિત થતો નથી. આવા ઉપકરણો અને દવાઓ બનાવવા માટે જે કાચો માલ જોઈએ છે તે અનેક દેશો અને કંપનીઓમાંથી આવતો હોય છે અને તે દરેક એટલા તકનીકી ધોરણો ધરાવે છે કે તેને બીજું કોઈ ન બનાવી શકે. એટલા માટે જયારે કાચામાલની જ કમી હોય ત્યારે દવા કે ઉપકરણ બનાવી શકતા નથી.
ભારતમાં ઉભી થયેલી આ સ્થિતિથી દુનિયા ચિંતિત છે. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ આવી કારમી સ્થિતિમાંથી કેવી રીતે નીકળશે અને તેમાં સૌ કેવી રીતે મદદ કરી શકે તે અંગે નિષ્ણાતો સૂચનો અને સેવાઓ આપી રહ્યા છે. આ સમયમાં ભારતને કેટલાય દેશોમાંથી મદદ મળી છે અને તે વધારેને વધારે મળતી રહેશે. એટલું યાદ રાખો કે આ સમય પણ જતો રહેશે અને આપણે ફરીથી સામાન્ય જીવન જીવતા થઇ જઈશું.