આપણી ક્ષમતા અને સફળતા વચ્ચે કોઈ સંબંધ છે? કેટલાક લોકો જીવનમાં અનેક ઊંચાઇઓને આસાનીથી આંબી લેતા જણાય છે. તેમના દરેક કામ સરળતાથી પાર પડે છે. જ્યારે બીજા કેટલાક લોકો હંમેશા ફરિયાદ કરતા રહે છે કે તેમની મહેનત રંગ લાવતી નથી. તેવું શા માટે? એવી કઈ ક્ષમતા હોય છે તેમનામાં કે તેઓ હંમેશા સફળતાની સીડીઓ ચડ્યા કરે છે? આવા સફળ લોકોના જીવન અંગે વાંચીએ અને તેમનું વિશ્લેષણ કરીએ તો ત્રણ સામાન્ય લક્ષણો જોવા મળે છે અને આ ત્રણ આવડત, સ્કિલ કે ખાસિયત છે: Learn, Act and Implement – લર્ન, એક્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટ એટલે કે શીખો, કામ કરો અને અમલ કરો.

લર્નિંગ એટલે કે શીખવું કોઈના પણ ગ્રોથ અને સક્સેસ માટે જરૂરી છે. અમેરિકન પ્રમુખ જ્હોન કેનેડીએ કહ્યું હતું કે લર્નિંગ અને લીડરશીપ એકબીજા માટે અનિવાર્ય લાક્ષણિકતાઓ છે. તેઓ બંને એકબીજા સાથે રહીને વિકસે છે અને એકબીજાને પોષે છે. જે લોકો શીખતાં નથી તે લોકો લીડર બની શકતા નથી અને જે લોકો લીડર બને છે તે લોકો માટે શીખતાં રહેવું જરૂરી છે. પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે આ શિક્ષણ, લર્નિંગ માત્ર શાળા કે કોલેજમાં જ નહિ પરંતુ જીવનના અનુભવો અને મહેનતથી પણ આવે છે. સારા પુસ્તકો વાંચવાથી અને તેમાંથી મળતાં જ્ઞાનનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરવાથી વ્યક્તિ આગળ વધે છે, નવું શીખે છે અને પોતાની સ્કીલ વિકસાવે છે.

એક્શન લેવાથી, કામ કરવાથી જ આપણે શીખેલી આવડતનું ફળ મળે છે. આ બધી સફળ વ્યક્તિઓ જેટલું શીખે છે તેના પર અમલ પણ કરે છે. જે સ્કિલ શીખે છે તેને કામમાં પણ લાવે છે અને તેના પરિણામ સ્વરૂપે એક પછી એક સફળતા પ્રાપ્ત કર્યા કરે છે. જે લોકો માત્ર ભણીને, વાંચીને કે પછી ક્યાંકથી શીખીને જ્ઞાન ભેગું કરે પણ તેના પર અમલ ન કરે તો ક્યારેય પરિણામ હાંસલ ન થાય. સફળ લોકો કામ કરે અને કાર્યરત રહે છે જેનાથી તેઓ પોતાના ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરે છે, મહારથ હાંસલ કરે છે. આળશ કે વિલંબને કારણે જે લોકો એક્શન લઈ શકતા નથી તેઓ મોટી તકો ગુમાવી દે છે. કહેવાય છે કે કુદરત બધાને એકસરખી જ ઓપોર્ચ્યુનીટી આપે છે. એ વ્યક્તિ પર આધાર રાખે છે કે તે પોતાને મળેલ તકનો કેવી રીતે ઉપયોગ કરે, તેના પર કેવી રીતે એક્શન લે.

ઈમપ્લેમેન્ટ કરવું, શીખેલી સ્કીલનો અમલ કરવો એ ત્રીજી મહત્ત્વની આવડત છે કોઇની પણ આગળ વધવા માટેની. દુનિયામાં ટોંચ પર પહોંચતા લોકો પોતાની પાસે જે જ્ઞાન હોય છે, આવડત હોય છે તેના પર એક્શન લે છે, આયોજન બનાવે છે અને તેને ઈમ્પ્લીમેન્ટ કરે છે. રિસ્ક લેવાની ક્ષમતાનો તફાવત, આયોજન કરવાની આવડત અને તેને અમલમાં મૂકી જાણવાની કળા જ એક વ્યક્તિને રાજા અને બીજાને પ્રજા બનાવે છે. બે વ્યક્તિ પાસે સમાન સ્કિલ હોય અને સરખા જ રીસોર્સીસ હોય ત્યારે તે બંનેમાંથી જેનામાં રિસ્ક લેવાની ક્ષમતા હોય તે બહુ આગળ વધી જાય છે જયારે પાણીને પણ ફૂંકી ફૂંકીને પીનાર વ્યક્તિ ઝાઝું ચડી શકતો નથી. આખરે તો સૂતા સિંહના મુખમાં પણ કંઈ મૃગ જાતે આવીને પેશતું નથી. સિંહે શિકાર કરવાની આવડતનો ઉપયોગ અમલ કરવો જ પડે છે તેને કાર્યરત થવું જ પડે છે તો જ તે વનમાં જીવી શકે રાજ કરી શકે.

જ્યારે આપણ પણ બીજા વ્યક્તિઓની સફળતા અંગે વિચારીએ અને તેમનામાંથી શીખવાની કોશિશ કરીએ ત્યારે આ ત્રણ ખાસિયતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. જે લોકોમાં ભય હોય, એક્શન લેવામાં આળશ હોય કે પછી બનાવેલ આયોજનનો અમલ કરવામાં ઢીલાશ થતી હોય તેમને આ ‘Learn, Act, Implement’ ની શરૂઆત કરી દેવી જોઈને આ મંત્ર આપના જીવનને અનેકગણા ઊંચા સ્તરે લઈ જવામાં મદદ કરશે.