આપણે સફળતા માટે મહેનત કરીએ છીએ. જીવનના વિવિધ ક્ષેત્રમાં – ખાસ કરીને કારકિર્દી અને સંપત્તિમાં – સફળતા મળે તેવું સૌ ઇચ્છતા હોય છે. મહેનતને પરિણામે સિદ્ધિ મળી જાય પછી શું? આપણને જેટલી સફળતા મળે તેટલી ખુશી, આનંદ અને શાંતિ પણ મળવા જોઈએને? ઇચ્છયું તેવું પામ્યાનો સંતોષ હોવો જોઈએને? પરંતુ શરૂઆતના તબક્કાના આનંદ અને ખુશી બાદનું શિખર તાલાવેલી, ઉત્સાહ અને ઝંખનાનું હોય છે. સફળ થયા પછી જે સમ્માન, મોભો અને પ્રસિદ્ધિ મળે તે આપણને સમાજની નજરમાં એવા સ્તરે મૂકી આપે છે કે લોકોની આપણી પાસેથી અપેક્ષા વધી જાય છે. પરિણામે આપણે જાણે એક સુપરમેન કે સુપરવુમન હોઈએ તેવી રીતે પોતાની જાતને વધારે ને વધારે કાર્યક્ષમ પુરવાર કરવા મથી પડીએ છીએ. આ મથામણ જેટલી વધે તેટલું ઈમોશનલ ડ્રેઇનઆઉટ – લાગણીનું ધોવાણ – વધે છે.
તમારો જાતઅનુભવ હશે કે જયારે કોઈ ક્ષેત્રમાં સફળતા મેળવીએ ત્યારે પરિવારજનો, મિત્રો અને સમાજના લોકોની અપેક્ષાઓ વધી જાય છે. તેને સંતોષવા અને પોતાને મળેલું સ્થાન જાળવી રાખવા ગજા બહાર અને બિનજરૂરી મહેનત કરવી પડે છે. બીજું બધું તો ઠીક પરંતુ આજે તો સોશ્યિલ મીડિયામાં ફોલોવર્સ વધારે હોય તો તેમની અપેક્ષા જાળવી રાખવાનું પણ ટેંશન લોકો લે છે. છેલ્લી પોસ્ટમાં જેટલા લાઈક કે કમેન્ટ આવ્યા હોય તેટલા ફરીથી ન મળે તો પણ ચિંતા થઇ જાય. ખાસ કરીને સેલિબ્રિટી હોય અથવા પોતાની જાતને સેલિબ્રિટી માનતા હોય તેવા લોકો માટે તો આ મોટી ચેલેન્જ છે.
ક્યારેક પરિવારના લોકોને ખુશ રાખવા, મિત્રોને ખોટું ન લાગે એટલા માટે કે પછી બીજા લોકો આપણા અંગે સારું મંતવ્ય અને અભિપ્રાય જાળવી રાખે તે માટે પણ પોતાના પર બોજ વધારીએ છીએ. આ બધા કારણોથી વ્યક્તિ માનસિક રીતે અને મનોવૈજ્ઞાનિક રીતે થાકી જાય છે. લાગણીકીય ધોવાણ અનુભવે છે. ઈમોશનલ ડ્રેઇનઆઉટ થઇ જાય છે. તે કોઈને પોતાનું દુઃખ કહી પણ ન શકે અને તેનો ઉકેલ પણ ન મેળવી શકે તેવી હાલત થાય છે.
આવી સ્થિતિમાં કેવી રીતે ટકી રહેવું? માનસિક અને લાગણીકીય મજબૂતી કેવી રીતે જાળવવી? આ પ્રશ્ન ઉઠાવ્યા પહેલા જ સફળ ગણાતી વ્યક્તિઓ હતાશામાં, ડિપ્રેશનમાં જતી રહે છે. આવી સ્થિતિ સામાન્ય માણસોના જીવનમાં પણ આવે છે. મોટા ગણાતા લોકો માટે કદાચ તેનું પ્રમાણ વધારે હોય અને સામાન્ય જીવન જીવતા લોકો માટે ઓછું. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સૌ કોઈ આવી આફતનો શિકાર વારંવાર બન્યા કરે છે. મનોવૈજ્ઞાનિકોએ આ અંગે ખુબ સંશોધન કરીને સરળતાથી અમલમાં મૂકી શકાય તેવા કેટલાક ઉપાયો બતાવ્યા છે.
૧. પોતાનામાં રહેલી મર્યાદાઓ અને સાધારણતાને સ્વીકારો: કોઈ એક ક્ષેત્રમાં સફળતા મળવાથી કે ક્યારેક લોકોની પ્રસંશા પામવાથી આપણે સર્વગુણ સંપન્ન થઇ ગયા છીએ તેવી ભાવના મનમાં આવવા દેવી નહિ. સમયે સમયે પોતાની ક્ષતિઓ, મર્યાદાઓ અને પોતે સાધારણ વ્યક્તિ હોવાનો અહેસાસ થતો રહે તે જરૂરી છે. પોતાના શરીર, માનસિકક્ષમતા, આર્થિક સ્થિતિ, સામાજિક સ્થાન, પરિવાર તથા શૈક્ષણિક સ્થિતિ અંગે વિશ્લેષણ કરતા રહેવાથી અને તેનું ખરું મૂલ્યાંકન કરવાથી એ સમજમા આવશે કે ઘણા ક્ષેત્રમાં આપણે પણ સુધારો કરવાની જરૂર છે.
૨. લોકોની અપેક્ષા માટે નહિ પરંતુ પોતાના સંતોષ માટે જીવવું: પરિવાર કે સમાજના લોકોની અપેક્ષા આપણી પાસે શું છે તેના કરતા આપણે જીવનમાં શું કરવાથી સંતોષ મળે છે તે પહેલા જોવું. ક્યારેક બીજા લોકો માટે અને તેમના અભિપ્રાય અનુસાર જીવન જીવતા જીવતા થાકી ગયા હોવાનો અહેસાસ થાય તો થોડીવાર બ્રેક લઇ લેવામાં કઈ વાંધો નથી. પોતાની ફરજ પુરી કરવામાં કચાસ ન રાખવી. પરંતુ ફરજ અને અપેક્ષા વચ્ચેનો તફાવત પણ સમજી લેવો. કોઈની જરુરીઆત માટે આપણે કઈક કરી શકીએ પરંતુ કોઈની ઈચ્છા પુરી કરવા માટે કેટલું કરવું તે વિચાર માંગી લે છે.
૩. શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિરતાનો હંમેશા ખ્યાલ રાખવો: પોતાની શારીરિક તંદુરસ્તીને હંમેશા પ્રાથમિકતા આપવી. કોઈ પણ કારણથી આરોગ્યનો ભોગ આપવો હિતાવહ નથી. તેવી જ રીતે પોતાનું મન શાંત અને સમતુલિત રહે, કોઈ કારણથી ચિંતા અને હતાશાનો શિકાર ન બને તેનું ધ્યાન રાખવું. આવા ઈમોશનલ ડ્રેઇનઆઉટનું કારણ અને પરિણામ બંને આપણા શરીર અને મનની તંદુરસ્તીને અસર કરે છે.
આ એવો પ્રશ્ન છે જે આપણા સૌના જીવનમાં થોડાઘણા અંશે વારંવાર આવતો હોય છે અને પરિણામે આપણી ઊંઘ બગડતી હોય, સ્વભાવ ચિડચિડો બનતો હોય, મનમાં ગૂંચવાટ રહેતી હોય તેવું બને છે. હવે પછી જયારે આવી સ્થિતિ સામે આવે ત્યારે તેનો શિકાર ન બનીએ તેની કાળજી રાખવી.