એક ખેડૂત ગામથી દૂર તેની વાડીમાં પરિવાર સાથે રહે. આખી જિંદગી મહેનત કરીને, અનાજ-શાકભાજી ઉગાડીને તેણે મજાનું જીવન જીવ્યું. તેના બાળકો તો મોટા થઈને ભણી-ગણીને શહેરમાં કામ-ધંધો કરવા જતા રહ્યા પરંતુ પોતાની વૃદ્ધ પત્ની સાથે તે હજુ વાડીમાં જ રહેતો. તેના નાના ઘરની બહાર સરસ મજાનો જૂનો વડલો હતો જેની સાથે આ ખેડૂતની અને તેના પરિવારની ઘણી યાદો જોડાયેલ હતી. એક કૂતરો હતો જે વાડીની રક્ષા કરતો અને આ વૃદ્ધ યુગલને સથવારો આપતો. દરેક વ્યક્તિના જીવનનું એક જમાપાસું હોય છે અને આ વૃદ્ધ ખેડૂતનું જમાપાસું એ હતું કે તે રોજ ધીમે ધીમે મહેનત કર્યા કરતો અને સાંજે સાદું ભોજન લઈને મીઠી ઊંઘ લેતો. આખા દિવસનો થાક અને મીઠી ઊંઘ તેની મૂડી કહી શકાય અને તેનાથી તે પોતાની જાતને ધન્ય માનતો. સ્વભાવે મૃદુ અને ક્યારેય કોઈનું ખરાબ ન કરે. પંખી અનાજ ચણવા આવે તો તેમને પણ તરત ન ઉડાડે. એકાદ ઘડી થોડું ખાઈ લે પછી જ તેમને ઉડાડવા અવાજ કરે કે ગોફણ છોડે. જીવનમાં ક્યારેય કોઈના વિષે ખરાબ વિચાર નહિ કરેલા, કોઈને નડતર નહિ બનેલા આ ખેડૂતનું જીવન એક આદર્શરૂપ કહી શકાય તેવું વીતી રહ્યું હતું.

આ સંતોષી અને મહેનતુ ખેડૂતના જીવનના આવા સ્તરે એકવાર ભગવાન પ્રસન્ન થયા અને તેમણે ખેડૂત સામે યક્ષરૂપે પ્રગટ થઈને કહ્યં કે તારા માટે મેં વાડીમાં ખજાનો રાખ્યો છે. હીરા, ઝવેરાત, સોનુ વગેરે બધું જ છે અને તે તારા માટે છે. તું જઈને તે લઇ શકે છે અને તારું બાકીનું જીવન આરામથી વિતાવી શકે છે. ખરેખર તો એટલું ધન છે કે તારી આવનારી સાત પેઢીઓ સુધી ન ખૂટે. પરંતુ એકવાત યાદ રાખજે કે ત્યાં બહાર એક સફરજન પણ મૂક્યું છે જે તારા માટે નથી. શરત એ છે કે તું જયારે એ ખજાનો લેવા જાય ત્યારે એ સફરજન અંગે વિચાર તારા મનમાં ન આવવો જોઈએ. જો એક ક્ષણ માટે પણ તારા મનમાં એ સફરજનનો વિચાર આવશે તો ખજાનો ગાયબ થઇ જશે.

શું હવે એ ખેડૂત માટે એ શક્ય છે કે તે સફરજનનો વિચાર કર્યા વિના તે ખજાનો લાવી શકે? શું તમે હોય તો એવું કરી શકો? ના. જયારે કોઈ વાત આપણા મગજમાં ભરાવી દેવામાં આવે કે તેના વિષે આપણે વિચારવાનું નથી ત્યારે તો આપણું મન જરુર તેનો વિચાર કરે જ છે. પછી ભલે તે આપણા જેવા સામાન્ય, રોજની દોડધામના શિકાર લોકો હોય કે પછી કોઈ મહેનતુ અને સંતોષી ખેડૂત. દરેક વ્યક્તિ પોતાના મગજમાંથી એક સફરજન ન કાઢી શકે અને પરિણામે મળતો ખજાનો ગુમાવી દે. આવી રીતે આપણે પણ કેટલાય ખજાના કોઈ સફરજનને કારણે ગુમાવ્યા હોઈ શકે. રૂપકનું એ સફરજન આપણા જીવનને, મનને સતત વળગી રહે છે. આવા સફરજનને કારણે આપણે જીવનની કેટલીય અગત્યની બાબતોથી ધ્યાન વિચલિત થઇ જઈએ છીએ અને મોંઘા ખજાનાથી વંચિત રહીએ છીએ.

આ સફરજન એટલે કોઈ પ્રકારની ચિંતા, કોઈની ઈર્ષ્યા કે પછી કોઈ વળગણ જે આપણને કોઈ જ રીતે ફાયદાકારક હોતું નથી પરંતુ તેનાથી પીછો છોડાવવો મુશ્કેલ બને છે. તે જાણ્યે અજાણ્યે આપણી બધી જ પ્રવૃતિઓ, વર્તન અને વહેવારને પ્રભાવિત કર્યા કરે છે. શું તમારા જીવનમાં પણ એવું કોઈ સફરજન છે જે તમને જીવનનો ખજાનો મેળવવાથી વંચિત રાખતું હોય? આ ખજાનો એટલે તમારી મનની શાંતિ, તમારી ખુશી, પરિવાર સાથે રહેવાની તક, જીવનમાં સંતોષ મેળવવાની ચાવી. આવા ખજાનાથી વંચિત રહી જઈએ તો આપણે કેટલુંય કમાઈ લઈએ, કેટલા પણ સમૃદ્ધ બની જઈએ તો પણ કંગાળ જ રહીએ છીએ. આવી કંગાળતા દૂર કરવા માટે એ સફરજનને, અડચણને, વિઘ્નને મનમાંથી બહાર કાઢવું આવશ્યક છે. ખજાનો શોધવા નીકળતા પહેલા, તેણે પામવાની મહેનત કરતા પહેલા જો આપણે આ સફરજનથી પીછો છોડાવી લઈએ તો કદાચ વગર ખજાનાએ જ જીવન ઘણું અર્થપૂર્ણ બની જાય.

Don’t miss new articles