ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે કર્મ કર્યે જાઓ, ફળની ઈચ્છા ન કરો. આ વાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પરંતુ તેને એક આધ્યાત્મિક ગહન જ્ઞાન માનીને ભાગ્યે જ જીવનમાં અમલ કરીએ છીએ. વાસ્તવમાં આ વાત બહુ સામાન્ય છે અને હંમેશા સાચી ઠરે છે. મેનેજમેન્ટની બાબતમાં પણ આ બાબત અસરકારક છે.

જયારે આપણે કોઈ લક્ષ્ય પ્રત્યે પ્રયત્નો આદરીયે ત્યારે તેને પામવા માટે આપણે અધીરા હોઈએ છે. ગોલ હાંસલ કરવો કોને ન ગમે? સૌ તેને માટે તલપાપડ થતા હોય તો પછી તેનાથી ધ્યાન કેવી રીતે હટાવી શકાય? પરંતુ ગોલને હાંસલ કરવા માટે પ્રયત્નો કરવા તો આવશ્યક છે. બને છે એવું કે આપણે એક ટાર્ગેટ સેટ કરીએ છીએ. તેના માટે કોઈ એક પ્રકારે મહેનત શરુ કરીએ છીએ. પરંતુ થોડા દિવસમાં પરિણામ ન દેખાતા આપણે વિશ્વાસ ગુમાવીને કોઈ બીજો તરીકો અપનાવીએ છીએ. આવું વારે વારે કરવાથી પ્રયત્નોનું સાતત્ય રહેતું નથી. પરિણામે ગોલ પણ હાંસલ થતો નથી.

કોઈને કસરત કરીને સિક્સ પેક્સ બનાવવાનું ટાર્ગેટ હોય. તે જીમમાં જવાનું શરુ કરે. કોઈ એક પ્રકારે કસરત શરુ કરે. પંદર દિવસમાં તેનું પેટ ઓછું ન થાય એટલે બીજા પ્રકારની મહેનત શરુ કરે. કોઈ એક ટ્રેઇનરને અનુસરવાને બદલે વારે વારે પોતાનો ટ્રેઈનર બદલે. ઓનલાઇન પ્રોગ્રામ જોઈન કરે. તેને પણ આવશ્યક હોય તેટલો સમય અનુસરવાને બદલે બદલ્યા કરે. આ રીતે પ્રોસેસ બદલવાથી પરિણામ આવતું નથી.કોઈ પોતાના પૈસા એક મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરે. થોડા મહિના રાહ જુએ અને કોઈ વળતર ન આવે તો ત્યાંથી ઉઠાવીને ડાઇરેક્ટ માર્કેટમાં રોકે. જ્યાં રોકાણ કર્યું હોય તેમાં પણ થોડું નુકસાન દેખાય તો ધીરજ રાખવાને બદલે ફરી બીજે ક્યાંક પૈસા રોકે. આ રીતે વારે વારે પોતાનો રોકાણ બદલ્યા કરવાથી વળતર મળતું નથી. કારણ કે કોઈ એક જગ્યાએ લાંબો સમય નિવેશ કરી રાખવાથી જ સારો નફો થાય છે. માર્કેટમાં ઉતાર ચડાવ આવે ત્યારે અધીરા બનીને પોતાની પ્રોસેસ બદલી નાખનારા લોકો માત્ર નુકસાન જ કરે છે.

આ બંને ઉદાહરણો સાબિત કરે છે કે પ્રોસેસ પર વિશ્વાસ કરીને તેને વળગી રહેવાથી પરિણામ મળે છે, ભલે તે મોડું આવે પરંતુ આવે જરૂર છે. આ જ બાબતને ગીતાના ઉપદેશ સારે સરખાવી શકાય. આપણું કર્મ છે બચત કરીને નિવેશ કરવાનું. જો તે નિયમિત રીતે કરીએ તો પરિણામ પાંચ, દશ વર્ષમાં ધાર્યા કરતા પણ સારું આવે છે. પરંતુ જો આપણે નિયમિત પ્રયત્ન કરવાને બદલે પરિણામને જ જોયા કરીએ તો આપણો વિશ્વાસ પ્રક્રિયા પરથી ઉઠી જાય છે. તેનાથી પરિણામ પણ મળતું નથી. આ જ બાબત કસરત કરીને સિક્સ પેક્સ બનાવવા માટે પણ સાચી છે. માત્ર પ્રક્રિયા પર ભરોષો રાખીને પરિણામ માટે અધીરા બન્યા વિના જો આપણે સાતત્ય જાળવી શકીએ તો પરિણામ જરૂર મળે છે.

સામાન્ય રીતે ધાર્મિક બાબતો, દર્શનશાસ્ત્રની વાતો ટૂંકમાં કહેવાતી હોય છે. ગીતામાં તો દરેક વાત બે પંક્તિના શ્લોકમાં વર્ણવવામાં આવી છે. ત્યાં લાંબી સમજણ આપવા માટે અવકાશ નથી. માટે જયારે આપણે વાંચીએ: कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन Iमा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि II

ત્યારે આપણને લાગે છે કે આ તો માત્ર ફિલોસોફિકલ વાત છે. એ રીતે તો મહેનત કેમ કર્યા કરીએ? કૈંક પરિણામ તો દેખાવું જોઈએને? વાત સાચી છે. પરંતુ અહીં એવું નહિ કહેવાયું કે પરિણામ ક્યારેય નહિ મળે. જેમ બામ્બુના ઝાડ વાવીએ તો પહેલા 60 મહિના તો માત્ર અંકુરણ ફૂટવામાં લાગી જાય, પરંતુ પછીના 60 દિવસમાં તે પુરી ઊંચાઈ પામી લે છે તેવી જ રીતે અમુક પ્રક્રિયા લાંબી હોય છે. પરિણામ જલ્દી દેખાતું નથી. પરંતુ જયારે આવે છે ત્યારે કરેલી બધી જ મહેનતનું ફળ એક સામટું મળી જાય છે. માટે પ્રોસેસ પર, પ્રક્રિયા પર, પોતાના કર્મ પણ ભરોષો રાખીને પરિણામની ચિંતા કર્યા વિના સતત મહેનત કરવામાં જ સફળતાનો સાચો મંત્ર છુપાયેલો છે.