કોરોના, કોરોના અને કોરોના. વિશ્વમાં બધે જ માત્ર કોરોનાનો ત્રાહિમામ દેખાઈ રહ્યો છે. આ સમયે અલગ અલગ દેશોએ પોતાની વ્યવસ્થા, સમજદારી અને જરૂરિયાત પ્રમાણે પગલાં લીધા છે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોહન્સન પણ તેમના વૈજ્ઞાનિક સલાહકારોની મદદથી કોરોનાથી બચવાનો, તેના સામે લાડવાનો પ્લાન બનાવીને તેને અમલી બનાવી રહ્યા છે. ધીરે ધીરે કરીને યુકે પણ સંપૂર્ણ લોકડાઉન તરફ ધકેલાઈ રહ્યું હોય તેવું લાગે છે. યુકેમાં તો મોટાભાગના લોકોએ જાતે પણ ઘરેથી કામ કરવાનું શરુ કરી દીધેલું.  જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ સપ્તાહ દરમિયાન ૨૪મી માર્ચે સાંજે એક પ્રેસ કોન્ફ્રન્સ દ્વારા બોરિસ જોહ્ન્સને લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી. લોકોને ઘરમાંથી નીકળવા પર લગભગ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે હજી આ પ્રતિબંધ ભારતમાં લગાવેલા ૨૧ દિવસના લોકડાઉન જેવો કાયદાકીય નથી અને એક સૂચનાની જેમ લગાવવામાં આવ્યો છે. પરંતુ ભવિષ્યમાં વધારે સખ્તાઈથી તેનો અમલ કરાવવામાં આવે તેવી શક્યતા છે. અહીં લોકો બહાર નીકળી શકે તેવી છૂટ આપવામાં આવી છે.

અહીં લોકોને ઘરની બહાર નીકળવાની અને બે કરતા વધારે લોકોના જૂથમાં મળવાની મનાઈ કરવામાં આવી છે. જો કોઈ તેવું કરે તો પોલીસ તેને ૩૦ પાઉન્ડનો દંડ કરી શકે. અતિઆવશ્યક ન હોય તેવી દુકાનો, જિમ, રેસ્ટોરન્ટ વગેરે બંધ કરી દેવાયા છે. ફ્યુનરલ – અંતિમ સંસ્કારની સેવા ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.

લોકોને ચાર કારણો માટે ઘરની બહાર નીકળવાની છૂટ છે: ૧. આવશ્યક વસ્તુઓ ખરીદવા જવા માટે, તે પણ શક્ય હોય તેટલું ઓછી વખત; ૨. દિવસમાં એકવાર ઘરની બહાર વ્યાયામ કરવા જવા માટે, એકલા કે ઘરના સભ્ય સાથે; ૩. તબીબી સારવાર આપવા કે મેળવવા જવા માટે; અને ૪. જો ઘરેથી કામ કરવું શક્ય ન હોય અને તેવા કામ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હોય તો કામ પર જવા માટે. આ સિવાયના કોઈ કારણો માટે ઘરની બહાર ન નીકળવા જનતાને સૂચના આપી દીધી છે.

આ સમયે વ્યાપાર ઉદ્યોગને ખુબ મોટો ફટકો પડશે. લોકોની રોજગારી જશે. નાના ઉદ્યોગોને નુકશાન વેઠવું પડશે. ભાડે રહેતા લોકોને ભાડું આપવામાં તકલીફ પડશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે એવો નિયમ બનાવી દીધો છે કે કોઈ મકાનમાલિક ભાડુઆતને ઘરમાંથી બહાર ન કાઢી શકે. જો ભાડુઆત ભાડૂ આપવામાં નિષ્ફળ જાય તો પણ તેને ત્રણ મહિના સુધી ઘર ખાલી ન કરાવવાની સરકારની સૂચના છે. રેસ્ટોરન્ટ, પબ અને એવા નાના ઉદ્યોગોમાં કામ કરતા લોકોનો પગાર ચાલુ રહે એટલા માટે સરકાર આ ઉદ્યોગપતિઓને નાણાકીય સવલત આપશે તેવી ખાતરી આપી છે. બજેટમાં પણ કોરોના વાઇરસની સ્થિતિ સામે લાડવા માટે વિશેસ નાણાકીય જોગવાઈઓ કરવામા આવી છે.

આ સમય દરમિયાન લગભગ ૬૫,૦૦૦ જેટલા રાષ્ટ્રીય આરોગ્ય સેવા NHS ના નિવૃત કર્મચારીઓ, ડોક્ટરો અને નર્સોને ફરીથી કામ પર આવવા વિનંતી કરવામાં આવી છે. કેટલાય કર્મચારીઓએ હોંશે હોંશે આ સમયે લોકોને અને સરકારને મદદરૂપ થવા કામ પર આવવાની સહમતી દર્શાવી છે. NHS ની ક્ષમતા કરતા વધારે લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે અને કેટલાય દર્દીઓને ઘરે રહેવા અને જાતે દવા લેવાની સલાહ આપવામાં આવે છે અને જેમને અત્યંત ઇમર્જન્સી જણાય તેવા કેસોને જ દાખલ કરવામાં આવી રહ્યા છે.

એક સમાચાર આવ્યા છે કે યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સન અને આરોગ્યમંત્રી મેટ હેનકોકને પણ કોરોના થઈ ગયો છે અને એટલા માટે તેઓ હવે ઘરેથી કામ કરશે. ઉપરાંત પ્રિન્સ ચાર્લ્સને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે અને તે સારવાર હેઠળ છે. અત્યારે તેઓ સ્કોટલેન્ડમાં છે. ૭૧ વર્ષીય પ્રિન્સ ચાર્લ્સ ભારતમાં ઘણીવાર આવે છે. મુંબઈના ડબ્બાવાળા તેમને ખુબ ગમે છે. પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમ તેમના બે પુત્રો છે અને મેગન માર્કેલ તેમની પુત્રવધુ છે. કવિન એલિઝાબેથ દ્વિતીય બાદ તેઓ બ્રિટનના રાજા બનવાના છે. તે દરમિયાન બકિંગહામ પેલેસમાંથી ખબર મળી કે ૯૩ વર્ષીય કવિન એલિઝાબેથ દ્વિતીય તંદુરસ્ત છે. ૨૧મી એપ્રિલે તેઓ ૯૪ વર્ષ પુરા કરશે.

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *