રોજ આપણે ઘરેથી કામે જઇયે તેમાં અમુક સમય લાગે છે. કેટલાક લોકોનું ઘર કામના સ્થળની નજીક હોય તો તરત પહોંચી જાય પરંતુ જેનું ઘર દૂર હોય તેઓ બિચારા ટ્રાફિક, વાહનોના ધુમાડા અને હોર્નની પો પોથી કંટાળી જાય છે. આજે મોટા મોટા શહેરોમાં ટ્રાફિક અને અંતર એટલું વધી ગયું છે કે સામાન્ય રીતે મોટાભાગના લોકોને ૩૦ મિનિટથી ૬૦ મિનિટ જેટલો સમય ઘરેથી કામે પહોંચવામાં અને તેટલો જ સમય પાછા ફરવામાં લાગે છે. આ રીતે રોજ એક થી બે કલાક જેટલો સમય માણસને અવરજવરમાં જ લાગી જાય તો તેનું સવારે કામે જવાનું મન કરતુ નથી અને સાંજે ઘરે પાછા ફર્યા બાદ એટલો ચિડચિડો બની જાય છે કે કોઈ જ કામ કરવું ગમતું નથી.

કામેથી ઘરે આવેલા માણસને તેનું બાળક થોડો અવાજ કરે તો પણ ચીડ ચડે છે. તેની પત્ની દિવસ દરમિયાન શું બન્યું તે કહેવા ઈચ્છે તો કચકચ લાગે છે. કોઈ પ્રકારની ચર્ચા તેને કંકાસ જણાય છે. તેનો પરિવાર સાથે સંવાદ ઘટે છે. તે ઘરના લોકો સાથે પ્રેમથી વાતચીત કરી શકતો નથી. બાળકને પ્રેમ કરી શકતો નથી. પત્ની સાથે મજાક કરવામાં તેને રસ પડતો નથી. આવી રીતે તો તેના પારિવારિક જીવન પર અસર પડે છે.

સંશોધનો જણાવે છે કે લાંબો સમય મુસાફરીમાં વિતાવવો પડતો હોય તેવી વ્યક્તિઓ ઘરે આવીને વ્યાયામ કરવામાં રસ દાખવતી નથી. તેને કઈ વાંચવામાં કે નવું શીખવામાં પણ રસ પડતો નથી. તેના માટે સાંજ નકામી હોય છે અને સવારે ઉઠવાનું મન થતું નથી. ઉઠીને તેની પાસે બીજું કઈ જ કરવા માટે સમય હોતો નથી પરંતુ માત્ર તૈયાર થઈને કામે જ જવાનું હોય છે. સાંજે આવીને કપડાં બદલીને જમવાનું અને પછી સોફા પર સુતા સુતા ટીવી જોયા કર્યા સિવાય બીજું કઈ જ કરવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા લોકો માટે કામ એક બોજ બનીને રહી જાય છે. તેને પરિણામે તેમને પરિવાર પણ બોજ લાગે છે. બીજા કોઈ કર્યો પણ નકામા લાગે છે.

આ બધા પાછળ કારણ સ્પષ્ટ છે. ઘરેથી કામે જવાનો અને પરત આવવાનો લાંબો સમયગાળો. કેટલાક અભ્યાસ એવું બતાવે છે કે એક તરફની મુસાફરીનો સમય દસ પંદર મિનિટ જેટલો હોય તો માણસને તે કંટાળાજનક લાગતો નથી. તેનાથી તેના મૂડ પર અને આરોગ્ય પર વિપરીત અસર થતી નથી. પરંતુ આ સમય જયારે વધીને એક-બે કલાક સુધી પહોંચે ત્યારે તેની વિપરીત અસર માણસના આરોગ્ય પર થાય છે. તેના સ્વભાવ પર થાય છે. જેને કારણે તેનું સામાજિક અને પારિવારિક જીવન અસરગ્રસ્ત થાય છે. તેની કામમાં કાર્યક્ષમતા ઘટે છે. તેનામાં ઉમળકો જોવા મળતો નથી.

પરંતુ આજે મોટા શહેરોમાં લાંબો સમય અવરજવરમાં જાય તે સ્વાભાવિક છે અને તેનો કોઈ વિકલ્પ આપણી પાસે હોતો નથી. ઘણીવાર લોકોને વારેવારે નોકરી બદલવી પડતી હોય તો ઘર કાર્યસ્થળની નજીક લાવવું શક્ય હોતું નથી. કેટલીકવાર મકાનના ભાવ, ભાડા વગેરે પોસાય તેવા હોતા નથી. રહેવા માટે અને પરિવાર માટે સગવડનો અભાવ હોય છે. અથવા એવા બીજા કેટલાય કારણ હોય છે કે જેને કારણે લોકો પોતે કાર્યસ્થળની નજીક સ્થળાંતર કરી શકતા નથી. પરિણામે તેઓને લાંબો અપ-ડાઉન કરવા સિવાય બીજો કોઈ છૂટકો હોતો નથી.

આ સ્થિતિમાં મુસાફરીના સમયનો સારો ઉપયોગ થાય, તે સમય દરમિયાન મૂડ ખરાબ થવાને બદલે કઈંક લાભદાયક પ્રવૃત્તિ થાય, મન પ્રફુલ્લિત અને પ્રસન્ન થાય તેવું કઈંક કરવું જોઈએ. કેટલાક લોકો રેડીઓ સાંભળે છે. પરંતુ રોજ રોજ એ પણ મદદરૂપ થાય તેવી પ્રવૃત્તિ નથી. હવે લોકો પાસે બીજા પણ ઘણા વિકલ્પ છે. કેટલાક લોકો ઓડીઓ બુક અને પોડકાસ્ટ સાંભળતા થયા છે. પોતાને ગમતા વિષય પર પોડકાસ્ટ ડાઉનલોડ કરીને તેને મુસાફરીના સમયમાં સાંભળવાથી નવું શીખવા મળે છે, મનોરંજન થાય છે. માનસિક ઉમળકો વધે છે, પ્રેરણા મળે છે અને ઉદાસીનતા દૂર થાય છે. ઓડીઓ બુક પણ મનપસંદ વિષય કે વાર્તાની હોય તો વ્યક્તિ રસ લઈને સાંભળે છે. ઘરે પહોંચતા સુધીમાં શક્ય છે કે આ પોડકાસ્ટ કે ઓડીઓ બુક દ્વારા તેનું મન મલકાઈ ઉઠ્યું હોય. ઘણીવાર તેને પોતે જે સાંભળ્યું હોય તે પરિવાર સાથે ચર્ચા કરવાની પણ ઈચ્છા થાય છે અને તેને સંવાદ કરવા માટે મુદ્દો મળે છે. પરિવારને પણ તાદાત્મ્ય અનુભવાય છે. આ રીતે મુસાફરીના સમયનો સદુપયોગ પણ થઇ જાય અને લાંબા સમય સુધી વાહનમાં રહેવાની નકારાત્મક અસરો પણ ઘટાડી શકાય.