‘મામલા લીગલ હૈ’ નામની એક લિમિટેડ સિરીઝ આવી છે નેટફ્લિક્સ પર જેમાં વકીલોની જિંદગી તેમજ અદાલતમાં બનતી ઘટનાઓ અંગે હાસ્યપ્રદ કિસ્સાઓ રજુ કરવામાં આવ્યા છે. આ સિરીઝમાં એક પાત્ર છે મુન્સી જી. તેઓ એક પ્રસંગે તાલીમ મેળવી રહેલા યુવાન વકીલોને ‘દરવાજા ખોલકે દેખો’ એવી એક સરસ વાત કહે છે જે આ પ્રમાણે છે.

એક ખુબ સફળ વકીલ પોતાની ફર્મ – પેઢી ચલાવતો હતો. તેના બે પુત્રો હતા અને બંને વકીલ હતા પરંતુ નાનો પુત્ર વધારે લાયક વકીલ છે તેવું પિતાનું માનવું હતું. આ બાબતથી હંમેશા મોટા પુત્રને એવું લાગ્યા કરે કે પિતાને નાના પર લાગણીભાવ વધારે છે. જયારે વકીલ વૃદ્ધ થયો અને પોતાની પેઢીનું સંચાલન ક્યાં પુત્રને સોંપવું તેનો નિર્ણય કરવાનો વારો આવ્યો ત્યારે તેણે બંને પુત્રોને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું કે ‘હું બહાર જઈને દરવાજો બંધ કરી દઈશ. તમારા બે પૈકી જે રૂમની બહાર પહેલા નીકળી આવશે તેને હું આ પેઢીનું સંચાલન સોંપીશ.’ એવું કહીને તે ઓફિસની બહાર જતો રહ્યો. હવે અંદર રહેલા બંને પુત્રો બહાર કેવી રીતે આવવું તેનો વિચાર કરવા લાગ્યા. મોટા પુત્રએ ચકાસ્યું કે બીજો કોઈ ખાનગી દરવાજો હોય કે બારીમાંથી બહાર આવવાની શક્યતા હોય તો તે જલ્દી નીકળી જાય. પરંતુ તેવો કોઈ જ ઉપાય હાથ ન લાગ્યો. નાના પુત્રએ પણ અવલોકન કર્યું અને પછી તે મુખ્ય દરવાજા તરફ ચાલ્યો જેને તેના પિતાએ બહારથી બંધ કર્યો હોવાનું કહ્યું હતું. નાનાએ જેવો દરવાજાને ધક્કો માર્યો કે તે સરળતાથી ખુલી ગયો અને તે ઓરડાની બહાર ચાલ્યો ગયો. પાછળ પાછળ મોટો પણ નીકળ્યો.

‘નાનો મારી ઓફિસની બહાર પહેલા આવ્યો છે એટલે આ પેઢીનો વહીવટ હું તેના હાથમાં સોંપીશ.’ પિતાએ કહ્યું પરંતુ મોટાની દલીલ એ હતી કે ‘તમે તો કહેલું કે દરવાજો બહારથી બંધ હશે તો પછી તે કેવી રીતે બહાર નીકળી શકે.’ પિતાએ કહ્યું કે ‘દરવાજો બહારથી હું બંધ કરીશ એવું મેં કહ્યું હતું પરંતુ વાસ્તવમાં મેં એવું કર્યું છે કે નહિ તે તો તમારે ચકાસવું જોઈતું હતુંને. જયારે કોઈ ઉપાય ન મળ્યો ત્યારે નાનાએ પ્રયત્ન કર્યો અને તે સફળ થયો. તે હાર માની લીધી. હંમેશા કોઈ કહેકે દરવાજો બંધ છે તો જરૂરી નથી કે વાસ્તવમાં જ દરવાજો બંધ હોય. તે ખુલશે કે કેમ તે જોવાની ફરજ તો આપણી જ છે. જ્યાં સુધી તમે પરિસ્થિતિને બીજાના કહ્યા પ્રમાણે સ્વીકારતા થશો ત્યાં સુધી તમે કેવી રીતે સમસ્યાનો હલ શોધી શકશો? પરિસ્થિતિને બધી રીતે ચકાસવાની જવાબદારી તો તમારી પોતાની જ હોય છે.’

સિરીઝમાં આવતી આ વાત આપણા જીવનમાં પણ કેટલી સાચી પડે છે. ઘણીવાર આપણને પણ કહેવામાં આવે છે કે ‘આ દરવાજો તો બંધ છે અને તે આપણે ન ખોલી શકીએ.’ કોઈએ કહેલી એ વાત માનીને આપણે બેસી જતા હોઈએ છીએ અને પછી ક્યારેય તે બારણું ઉઘાડવાની કોશિશ જ કરતા નથી. કોઈએ કહ્યું કે ગુજરાતી મીડીયમમાં ભણીને સારી ડિગ્રી ન મેળવી શકાય. આપણે માની લીધું. કોઈએ કહ્યું કે આપણા જીન્સ એથ્લેટીક્સ માટે લાયક નથી અને આપણે ક્યારેય પ્રયત્ન જ ન કર્યો. કોઈ કહે કે તમે આ ધંધામાં સફળ ન થઇ શકો કે તમને આ પોસ્ટ ન મળી શકે. તમારાથી આવું ન થાય અને તેવું ન થયા. આવા તો કેટલાય મર્યાદાસુચક વિધાનો આપણે જીવનમાં સાંભળતા હોઈએ છીએ અને તેને ‘દરવાજો બંધ છે’ એવા સંદર્ભમાં માની પણ લેતા હોઈએ છીએ. પરિણામે આપણે તે દિશામાં પ્રયત્ન કરવાનું શરુ જ નથી કરતા.

પરંતુ જો ક્યારેક આવા બંધ દરવાજા અંગેના કોઈએ કહેલા વિધાન છતાંય એકવાર આપણે ધક્કો મારીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરીએ તો કદાચ સફળ થઈએ. આવી સફળતા મેળવવા, મર્યાદાઓ અંગેના ભાષણો સાંભળ્યા પછી પણ એકવખત પ્રયત્ન કરવા વાળા લોકોને એવી એવી સફળતા મળી જતી હોય છે કે કોઈને વિશ્વાસ જ ન બેસે. જે માણસ દરવાજાને ધક્કો મારીને ચકાસી જુએ તેના માટે એ બારણું ખુલવાના ચાન્સ હોય છે એ વાત સમજવી આવશ્યક છે. કોઈએ આપેલા પરિસ્થિતિના ચિતાર અને મર્યાદાઓના વિવરણ પર આંધળો ભરોસો મુકવા કરતા એકવાર દરવાજાને ધક્કો મારી જોજો, કદાચ તમારા જીવનમાં પણ કોઈ મોટો બદલાવ આવી શકે.

Don’t miss new articles