આખરે યુકેની ચૂંટણી પુરી થઇ ગઈ. બોરિસ જોહન્સનની નેતાગીરીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ ૬૫૦ માંથી ૩૬૫ બેઠકો જીતીને બહુમતી મેળવી. કન્ઝર્વેટિવની તો ક્રિસ્મસ સુધારી ગઈ. પરંતુ રાજકારણ સિવાય બીજું કઈ ખાસ આ સપ્તાહ દરમિયાન બન્યું હોય તેવું સામે આવ્યું નહિ. ચૂંટણીનો માહોલ એવો તો જામેલો કે ભાગ્યે જ બીજી કોઈ પ્રવૃત્તિ તરફ ધ્યાન જાય.
લોકોએ ક્રિસમસના વેકેશન પર જવાનું શરુ કર્યું છે. આમ તો બહુ લાંબી રજાઓ લોકોને મળતી નથી પરંતુ વર્ષની બચેલી રજાઓ અત્યારે એકસાથે લઈને પરિવારને મળવા જવાનો કે પરિવાર સાથે બહાર ફરવા જવાનો ટ્રેન્ડ છે. બે મિત્રો સાથે સાંજે પબમાં બેઠા બેઠા તેમના વેકેશન અંગે ચર્ચા થઇ રહી હતી તો જાણવા મળ્યું કે અત્યારે જે રજા લઇ લે તે તો રાજા ખરો જ પરંતુ જે રજા ન લે અને કામ ચાલુ રાખે તે મહારાજા ગણાય. એવું કેમ? કારણ કે જેણે રજા ન લીધી હોય તેને પણ આખું યુકે રજાના મૂડમાં હોવાથી કઈ ખાસ કામ હોય નહિ. એટલે તે મરજી પડે તો ઓફિસે આવે અને આરામથી થોડું કામ કરે. અહીં તો ‘વર્ક ફ્રોમ હોમ’ એટલે કે ઘરેથી કામ કરવાની પણ છૂટ મળતી હોવાથી માણસ ઈચ્છે તો ઘરે જ રહે અને થોડું ઘણું જે કામ હોય તે પતાવી દે. બાકીનો સમય આરામથી કોફી કે બિઅર પિતા બેસી રહે તો ચાલી જાય. એટલે કે નોકરી ચાલુ હોવાનો ફાયદો પણ મળે અને રજા જેવો આનંદ પણ મળે. બસ ફરક એટલો કે તે બહાર પ્રવાસ પર ન જઈ શકે. તેમ છતાં વર્ષના અંતે રજાનો વેડફાઈ જતી હોવાથી લોકો પોતપોતાની બચેલી રજા લેવાનું પસંદ કરતા હોય છે.
ક્રિસ્મસની રજા પર જતા પહેલા લોકો મિત્રો અને સહકર્મચારીઓ સાથે મળીને પાર્ટી કરે છે. ઓફિસમાં અને મિત્રવર્તુળોમાં ક્રિસ્મસ ગિફ્ટની આપ-લે થાય છે. સિક્રેટ સાન્ટા જેવી રમતોમાં એકબીજાને છુપી રીતે ગિફ્ટ આપવામાં આવે છે. એક પદ્ધતિ એવી હોય છે કે ગ્રુપના બધા લોકોના નામની ચિઠ્ઠી એક કટોરામાં મુકવામાં આવે. દરેક વ્યક્તિ એક એક ચિઠ્ઠી ઉઠાવે અને તેમાં જેનું નામ હોય તેના માટે તે ગિફ્ટ લઈને આવે. પરંતુ જેનું નામ હોય તેને ખબર ન હોય કે તેના માટે ગિફ્ટ કોણ લાવવાનું છે. આ ગિફ્ટ છુપી રીતે ક્રિસ્મસ ટ્રી પાસે મૂકી દે. જયારે નિશ્ચિત સમય આવે ત્યારે બધાય પોતાનું નામ લખેલી ગિફ્ટ ખોલે અને તેમાંથી જે સરપ્રાઈઝ નીકળે તેને જોઈને અંદાઝ લગાવે કે તેના માટે સિક્રેટ સાન્ટા બનીને કોણ ગિફ્ટ લાવ્યું હશે. આ ગેમને સરળ રીતે પણ રમી શકાય. તેમાં કોઈના પણ નામ લખ્યા વિના બધા લોકો એક એક ગિફ્ટ લઈ આવે અને વચ્ચે મૂકી દે. જેના ભાગમાં જે ગિફ્ટ આવે તે લઇ લેવાની.
આવી રમતો અને એકબીજાને હળવા મળવાનો આ તહેવાર ખ્રિસ્તી લોકો માટે સૌથી વધારે મહત્વ ધરાવતો હોવાથી તેની અસર ખુબ સરસ રીતે જોવા મળે છે. આખા ઈંગ્લેન્ડમાં ક્રિસ્મસ સ્પેશિઅલ ફૂડ, શોપિંગ, ટ્રાવેલ, હોલીડે, મિટિંગ, પાર્ટી, પ્રોગ્રામ – એવું ઘણું બધું આયોજિત થાય છે. આવી ક્રિસ્મસની સીઝનમાં એક સરપ્રાઈઝ લંડનના લોકોને પણ મળી ગઈ. સીટી વિસ્તારની અંદર એક શેરીને ‘એમિશન ફ્રી’ એટલે કે ધુમાડામુક્ત જાહેર કરવામાં આવી. હવે તે શેરીમાં માત્ર ઇલેક્ટ્રિક કાર અને સાઇકલ જ જઈ શક્શે. કોઈ પણ પેટ્રોલ, ડીઝલ કે ગેસ જેવા બળતણ વાપરતા વાહનને તેમાં જવાની મનાઈ થઇ ગઈ. તો કરો હવે મેરી ક્રિસ્મસ.