૧૪મી જૂને યુકેએ કોવિડની સ્થિતિની સમીક્ષા કરી અને અનલોકનો આખરી તબક્કો ૨૧મી જૂને અમલમાં મુકવો કે કેમ તેના અંગે નિર્ણય લીધો. ૨૧મી જૂનથી યુકેમાં બધી જ છૂટછાટ આપવાની હતી. મોટા પ્રસંગો યોજવા, માસ્ક અને સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગને લગતા નિયમો વગેરે બધામાં છૂટછાટ મળવાની હતું તેવું તબક્કાવાર અનલોકની યોજના જાહેર કરી તેમાં જણાવાયું હતું. પરંતુ અત્યારે અહીં ફરીથી કોવીડના કેસોની સંખ્યા વધી રહી હોવાથી આખરે પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને નિર્ણય કર્યો કે ચાર સપ્તાહ સુધી એટલે કે ૧૯મી જુલાઈ સુધી અનલોકને મુલ્તવી રાખવામાં આવશે. ફરીથી ચાર સપ્તાહ બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને જો સ્થિતિ નિયંત્રણમાં જણાશે તો જ અનલોકનો છેલ્લો તબક્કો અમલમાં મુકાશે. અત્યારે યુકેમાં કેસોની સંખ્યા રોજ વધી રહી છે પરંતુ હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુનો દર ઓછો છે.



૧૧-૧૩ જૂન દરમિયાન યુકેએ કોર્નવોલ નામની સમુદ્ર કિનારે આવેલી સુંદર જગ્યાએ G7 ની શિખર મંત્રણા યોજી. અત્યારે યુકે ગ્રુપ ઓફ સેવન જૂથનું પ્રમુખ છે એટલે આ ૪૭મી શિખર મંત્રણા યુકેમાં યોજાઈ હતી. તેમાં ભારતના પ્રધાનમંત્રીને પણ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવેલું પરંતુ ભારતમાં વધેલા કોવીડના કેસોને કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલું કે તેઓ વર્ચ્યુઅલી જ શિખર મંત્રણા એટલે કે સમિટમાં જોડાશે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ કોરિયાને પણ મહેમાન સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવેલા. (આ પહેલા G7 ફોરેઈન મિનિસ્ટર્સની મિટિંગમાં ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકર લંડન આવેલા. પરંતુ ત્યારબાદ કોઈ મંત્રીસ્તરની રૂબરૂ મુલાકાત યોજાઈ નથી.) G7 માં યુનાઇટેડ કિંગડમ ઉપરાંત યુએસએ, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને જાપાનનો સમાવેશ થાય છે. આ સાત દેશોનું જૂથ છે જેની સ્થાપના ૧૯૭૩માં થયેલી. તેમાં યુરોપીઅન યુનિયનના કમિશ્નરને પણ નિમંત્રણ આપવામાં આવે છે. ૧૯૯૭થી ૨૦૧૪ સુધી રશિયા પણ તેમાં આમંત્રિત થતું હોવાથી તેને G8 ગ્રુપ તરીકે ઓળખાતું હતું પરંતુ ૨૦૧૪ પછીથી રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને એટલે તેને અત્યારે ફરીથી G7 તરીકે જ ઓળખવામાં આવે છે.



યુકે અને ઓસ્ટ્રેલીયાના વ્યાપારી કરાર પણ 15મી જૂનના રોજ જાહેર થયા છે. G7 દરમિયાન લંડનમાં ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને મુક્ત વેપાર કરાર અંગેની જાહેરાત કરી હતી. હવે ટેરિફ મુક્ત કરારમાં બ્રિટિશ કાર, સ્કોચ વ્હિસ્કી અને કન્ફેક્શનરી વેચવા માટે સસ્તા થશે અને તેનાથી યુકેમાં ૩૫ લાખ લોકોને રોજગારી મળે તેવી શક્યતા છે. આ ડીલ યુકેના યુવાનોને ઓસ્ટ્રેલિયામાં રહેવાની અને કામ કરવાની સરળતા કરી આપે છે અને તેનાથી વ્યવસાય ક્ષેત્રના અવરોધો દૂર થશે. ગયા વર્ષે યુકે અને ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો ૧૩.૯ બિલિયન ડોલરના હતા અને હવે આ ભાગીદારી થતા તેમાં ઘણો વધારો થાય તેવી શક્યતા છે અને તેનાથી યુકેના વ્યવસાયો અને ઉત્પાદકો માટે નવી તકો ઉભી થશે જેનો લાભ સરકારને થશે. એ વાત સ્પષ્ટ છે કે ઓસ્ટ્રેલિયા સાથેનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માત્ર બે દેશો વચ્ચેના સંબંધોની બાબતમાં જ નહિ પરંતુ યુકે માટે ઝડપથી વિકસતા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રનું પ્રવેશદ્વાર બની રહેશે. તેનાથી વિશ્વના સૌથી મોટા મુક્ત વેપાર ક્ષેત્રમાંના એક CPTPP માં જોડાવા માટે યુકેને મદદ મળશે. આ ક્ષેત્રમાં કુલ જીડીપી ૯ ટ્રિલિયન ડોલર છે અને તે ઓસ્ટ્રેલિયાથી મેક્સિકો સુધીના ૧૧ પેસિફિકના દેશોને આવરે છે.



બ્રેક્ઝિટ થયા બાદ યુકેએ અનેક દેશો સાથે વ્યાપાર સમજૂતીઓ અંગે વાટાઘાટો શરુ કરી હતી. જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વગેરે યુકે માટે પ્રાથમિકતા ધરાવતા દેશો હતા. જાપાન સાથે થોડા સમય પહેલા જ વ્યાપારી સમજૂતી થઇ હતી અને હવે ઓસ્ટ્રેલિયા સાથે પણ સમજૂતી થઇ ગઈ છે. ભારત સાથે યુકેના ઉન્નત વ્યાપાર સંબંધ – ઈન્હેન્સડ ટ્રેડ પાર્ટનરશીપ અંગેના કરાર થયા છે જે આગળ જતા મુક્ત્ત વ્યાપાર કરારમાં પરિણમશે તેવી યોજના છે. ભારત અને યુકેના વ્યાપારી સંબંધો તો લગભગ ૨૫ બિલિયન પાઉન્ડના છે અને તેમાં સેવા અને વસ્તુઓનો લગભગ સમાન હિસ્સો છે. ભારત સાથેના મુક્ત વ્યાપાર કરારમાં સમય લાગે તેમ છે પરંતુ ઓસ્ટ્રેલિયા સાથે યુકેને ઘણી રીતે વ્યાપારિક સામ્ય હોવાથી તેમની વચ્ચે વ્યાપારી કરાર જલ્દી શક્ય બન્યો.