યુકેના એક અતિ ધનવાન હોટેલિયર સર રિચાર્ડ સટોનની તેના ઘરમાં ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી છે. ૮૩ વર્ષીય સર રિચાર્ડ સાથે તેમની પત્ની પણ હતી અને ધાડપાડુએ તેને પણ છરીના ઘા માર્યા છે પરંતુ હવાઈ એમ્બ્યુલન્સ દ્વારા તેને ઇસ્પિતાલમાં ખસેડવામાં આવી હતી અને તે અત્યારે પણ જોખમી સ્થિતિમાં છે. સર રિચર્ડનું તો થોડીવારમાં જ ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ૩૪ વર્ષીય યુવાનની આ હત્યાના સંદર્ભમાં ધરપકડ કરી છે.

યુકેમાં રસીનો પૂરતો જથ્થો છે તેવું અહીંના આરોગ્ય સચિવે કહ્યું છે અને તેમના કહેવા અનુસાર ૩૦ વર્ષના વયજૂથ માટે પણ રસીકરણ મળી રહે તેવી વ્યવસ્થા છે. યુકેમાં ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા ઉપરાંત મોડર્ના રસી પણ મળવી શરુ થઇ છે. વેલ્સમાં તેનો ઉપયોગ શરુ થઇ ગયો છે. મોડર્ના ઉપરાંત નૉવાવેક્સ પણ યુકેમાં રોલઆઉટ થઇ ગઈ છે. હવે ૪૦-૪૪ની વાય જૂથના લોકો માટે રસીનું નામાંકન શરુ થયું છે અને ધીમે ધીમે અન્ય વયજુથનો પણ વારો આવી જશે તેવી સરકારે ખાતરી આપી છે. યુકેમાં જુલાઈના અંત સુધીમાં બધા લોકોને રસીનો પ્રથમ ડોઝ તો મળી જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક વાંચકોને ખ્યાલ હશે કે એસ્ટ્રાઝેનેકાની રસી ભારતમાં પૂનામાં આવેલી ભારત સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બને છે અને ત્યાંથી યુકેમાં પ્રથમ ૫ મિલિયન ડોઝની સપ્લાઈ આવી હતી પરંતુ ત્યાર પછીનો બીજો ૫ મિલિઅનનો જથ્થો આવવામાં થોડું મોડું થઇ રહ્યું છે. ભારત સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે એસ્ટ્રાઝેનેકાએ રસીનું ઉત્પાદન કરવાનો કોન્ટ્રાકટ કર્યો છે. આ રસી કોવીશીલ્ડના બ્રાન્ડ નામથી વેંચાઈ રહી છે. માર્ચના અંત સુધીમાં યુકેમાં ૩ કરોડથી વધુ લોકોને કોરોનાવાયરસ (COVID-19) ની રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. બીજા ડોઝવાળા લોકોને રસી આપવા માટે ઝડપથી શરૂઆત થઇ ગઈ હોવાથી કુલ ૩.૩ કરોડ ડોઝ અત્યાર સુધીમાં અપાઈ ગયા છે. ઇંગ્લેંડમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૯૫% થી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. ૫૦ વર્ષથી વધુ ઉંમરના અથવા ક્લિનિકલ નબળાઈ ધરાવતા લોકોને વહેલી તકે રસી માટે આગળ આવવા સરકાર વિનંતી કરી રહી છે.

નોર્ધર્ન આયર્લેન્ડમાં બ્રેક્ઝિટ અને અન્ય કારણોને લઈને તોફાનો થયા છે. છેલ્લા સાત દિવસથી આ તોફાન-વિરોધો ચાલુ છે અને તે હિંસક પણ બન્યા છે. આજે તો કેટલાક લોકોએ એક બસને હાઇજેક કરીને સળગાવી દીધી હતી. પથ્થરમારા અને પેટ્રોલ બોમ્બના કેસ પણ બન્યા છે. યુકેના પ્રધાનમંત્રીએ વિરોધ કરનારાઓને શાંત રહેવાની અને વાટાઘાટોથી મામલાનો હલ કરવાની અપીલ કરી છે. યુકે સરકારમાંથી નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી ત્યાં હાલત સુધારવાના પ્રયત્નો હાથ ધરવાના ઉદેશ્યથી બેલફાસ્ટ રવાના થયા હતા. યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ ચાર પ્રદેશોનું બનેલું છે: ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ. નોર્ધર્ન આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટ છે. ત્યાં અલગ સ્થાનિક સરકાર પણ હોય છે અને તે પણ ચૂંટણીથી આવે છે.

હોંગકોંગમાં મહિનાઓ સુધી ચાલેલા પ્રોટેસ્ટ બાદ ચીને લગાવેલા સેક્યુરીટીના નિયમો બાદ બ્રિટને હોંગકોંગમાંથી લોકોને આવનારા પંચવર્ષ સુધીમાં બ્રિટનમાં આવીને વસવાની છૂટ આપી છે. વિઝા એપ્લિકેશન માટે કેટલાક ખાસ નિયમો હોંગકોંગ માટે બનાવાયા છે અને તેના હેઠળ લગભગ ત્રણ લાખ હોંગકોંગ વાસીઓ આવતા પાંચ વર્ષ દરમિયાન યુકેમાં સ્થળાંતર કરશે તેવો અંદાજ યુકે લગાવી રહ્યું છે.

Oxfam ચેરિટીના સ્ટાફ વિરુદ્ધ લૈંગિક શોષણ અને ગુંડાગીરીના નવા આક્ષેપો થયા બાદ યુકેએ ફરીથી તેને માટે સહાય ભંડોળ આપવાનું સ્થગિત કરી દીધું છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઓક્સફામના બે કામદારોને છેલ્લાં અઠવાડિયામાં આવા આક્ષેપ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮માં હૈતીમાં સ્ટાફ દ્વારા જાતીય શોષણના પુરાવા પ્રકાશમાં આવ્યા પછી ઓક્સફામને સહાય આપવા પર યુકેની સરકારે ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ આ વર્ષે માર્ચમાં જ ચેરિટીને સહાય ભંડોળ માટે ફરીથી અરજી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી તેને સ્થગિત કરી દેવામાં આવી છે.

આ સમયે એક બીજો અભ્યાસ સામે આવ્યો છે જેમાં યુનિવર્સીટી કોલેજ ઓફ લંડનના તૈયાર કરાયેલા મોડેલ અનુસાર યુકેમાં આ સોમવારથી હર્ડ ઇમ્યુનીટી (સામુહિક પ્રતીકારકતા) આવી જશે. ૧૨મી એપ્રિલ સુધીમાં કોરોના વાઇરસ સામે રક્ષણ ધરાવતા લોકોની સંખ્યા ૭૪% જેટલી થઇ જશે. આ રક્ષણ તેમને કોવિદ થઇ ગયો હોય એટલે અથવા તો રસીકરણથી અથવા તો તેમની ખુદની પ્રતિકારક્તાને કારણે હોઈ શકે. સરકારે કરેલા ટેસ્ટના આંકડા દર્શાવે છે કે મીડ-માર્ચ સુધીમાં ૫૪% લોકોના શરીરમાં એન્ટિબોડી હાજર જોવા મળ્યા હતા.