થોડા દિવસ પહેલા મેગન માર્કેલ અને તેના પતિ પ્રિન્સ હેરીએ અમેરિકામાં ઓપ્રાહ વિન્ફ્રેને ટીવી ઇન્ટરવ્યૂ આપ્યું તેના સમાચાર સૌએ વાંચ્યા હશે. આ ઈન્ટર્વ્યુએ દેશ-વિદેશમાં ચકચારી મચાવી છે. રાજપરિવારમાં રંગભેદની નીતિ હોઈ શકે અને પ્રિન્સને પરણેલી મહિલાને આત્મહત્યાના વિચાર કરવા પડે તે સૌને માટે આશ્ચર્યની વાત હતી પરંતુ મેગનના કહેવા અનુસાર તે જ હકીકત છે અને તેનો સામનો તેને કરવો પડ્યો છે. તેના પતિ હેરીએ પણ આ વાતોની પૃષ્ટિ કરેલી. આખરે આ ઈન્ટર્વ્યુએ ચકચાર જગાવ્યો અને રાજપરિવારમાંથી તેના કેટલાક પ્રતિભાવ પણ આવ્યા. મેગાને પોતાના ઇન્ટરવ્યૂમાં બ્રિટિશ મીડિયા પર પણ આક્ષેપ લગાવ્યા અને તેને કારણે એક સીનીઅર જર્નાલિસ્ટને રાજીનામુ પણ આપવું પડેલું.

ઉપરાંત, યુકેમાં ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં એક ભારતીય વિદ્યાર્થીની કોઈ સમિતિની પ્રેસિડેન્ટ ચૂંટાઈ આવેલી પણ તેની જૂની સોશ્યિલ મીડિયા પોસ્ટને કારણે તેને રાજીનામુ આપેલું. પછીથી તેણે એ પોસ્ટ ડીલીટ કરી દીધેલું પરંતુ ત્યાર બાદ ફરીથી ઓક્સફોર્ડના કેમ્પસમાં રેસિઝમ હોવાના આક્ષેપ થતા આ વિવાદ ફરીથી ચગેલો. ભારતમાં પણ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવેલો અને તેને કારણે આ સમાચાર ભારતમાં પણ કેટલાય સમાચારપત્રો અને ટીવીમાં ચમકેલા.

ભારત અને યુકેના સંબંધો અત્યારે ખુબ સારા ચાલી રહ્યા છે અને બંને દેશો વચ્ચે વ્યાપાર દિવસેદિવસે વધી રહ્યો છે. યુકેના વડાપ્રધાન બોરિસ જોહન્સન ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનીને આવવાના હતા પરંતુ અહીં કોરોનાની સ્થિતિ વકરતા તેમને આ વિઝીટ મુલ્તવી રાખવી પડેલી. હવે તેઓ એપ્રિલના અંતમાં ભારતમાં આવે તેવી સંભાવના છે. આ વિઝીટ દરમિયાન ભારત અને યુકે વચ્ચે કેટલાક કરારો થઇ શકે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનાવવાના પ્રયત્નો થશે.

યુકે એ ગયા વર્ષે કોવીડ સામે લડવા માટે સાત નાઇટિંગેલ હોસ્પિટલ બનાવેલી અને તેમાં આજ સુધી એક પણ દર્દીની સારવાર કરવામાં આવી નથી! હવે આ સાત પૈકી ચાર હોસ્પિટલને બંધ કરવામાં આવશે. બીજી ટ્રેનને કોઈ રીતે ઉપયોગમાં લેવાશે પણ જે ઉદેશ્યથી બનાવવામાં આવેલી તે માટે તો તેનો ઉપયોગ ક્યારેય ન થયો. નેશનલ હેલ્થ સર્વિસનું કહેવું છે કે તે હોસ્પિટલ તો એક રીતે ઇન્સ્યોરન્સની જેમ, જરૂર પડે તો કામમાં આવે, તેવા ઉદેશ્યથી જ બનાવાયેલી. જો કે આ હોસ્પિટલોમાં જેટલો ખર્ચ થયો તેનું શું એવા પ્રશ્નો પણ લોકો પૂછી રહ્યા છે.

લોકડાઉન દરમિયાન જયારે શાળાઓ ઓનલાઇન થવા લાગી ત્યારે જે બાળકો પાસે લેપટોપ ન હોય તેમને મદદ કરવાના ઉદેશ્યથી એક કંપનીએ જુના લેપટોપ મેળવીને, તેમને રીપેર કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવાનું કામ કર્યું છે. એક સ્થાનિક રાજકારણીએ ત્યાંની નાની કોમ્પ્યુટર કંપનીનો સંપર્ક લોકડાઉન દરમિયાન કરેલો અને પૂછેલું કે તેઓ કેવી રીતે બાળકોની મદદ કરી શકે તો આ કંપનીના માલિકે કહ્યું કે તેઓ સસ્તામાં લેપટોપ રીપેર કરીને બાળકોના ઉપયોગ માટે તૈયાર કરી શકે છે. આ યોજના ચાલી ગઈ. તેમણે જે લોકો પાસે વધારાના અને ઉપયોગમાં ન આવતા જુના લેપટોપ હોય તે દાનમાં આપવાની અપીલ કરી અને જે ડિવાઇસ આવ્યા તેમને રીપેર કરીને સ્થાનિક શાળાઓને આપ્યા. યુકેમાં ૮ માર્ચથી શાળાઓ ખુલી ગઈ છે અને વિદ્યાર્થીઓને જાતે કોવીડ ટેસ્ટ કરવાની તાલીમ પણ આપવામાં આવી છે. જો કોઈ બાળકને કોરોનાના કોઈ લક્ષણ જણાય તો તેને આપેલી કીટથી જાતે જ ટેસ્ટ કરી શકે છે.

કોવીડનો બ્રાઝીલ વેરિએન્ટ હવે યુકેમાં પણ પહોંચી ગયો છે. એક વ્યક્તિ બહારથી મુસાફરી કરીને યુકે આવ્યો અને તેને એરપોર્ટ પર ટેસ્ટ કરવામાં આવ્યો પરંતુ તેને ફોર્મમાં પોતાનો કોન્ટેક્ટ નહોતો લખ્યો અને બાદમાં પરિણામ આવ્યું તો તેને આ વેરિએન્ટથી પોઝિટિવ બતાવવામાં આવ્યો. જયારે તેને સંપર્ક કરવાનો કોઈ માર્ગ ન જડ્યો ત્યારે સૌ વિચલિત થઇ ગયેલા અને લોકોમાં એક રમૂજ પણ ફેલાયેલી. આખરે તે વ્યક્તિનો પતો મળી ગયો છે. જો કે બહારથી આવ્યા હોવાને કારણે, અહીં લગાવવામાં આવેલા ફરજીયાત દશ દિવસના ક્વોરેન્ટાઇનના રુલને કારણે તે બીજા કોઈને મળ્યો હોય તેવી શક્યતા ઓછી છે.

તાજેતરમાં પ્રકાશિત થયેલા આંકડા અનુસાર બ્રિટનમાં રહેતા ૫.૬ કરોડ પુખ્ત વયના લોકો પૈકી માત્ર ૩.૧ કરોડ, એટલે કે ૫૬% લોકો આવકવેરો ભરવા જેટલી આવક ધરાવે છે. બીજા આંકડા દર્શાવે છે કે યુકેમાં દરવર્ષે લગભગ ૧ કરોડ ટન જેટલો ખોરાક ફેંકી દેવામાં આવે છે અને તેમનો ૭૦% જેટલો ખોરાક લોકોના ઘરોમાંથી ફેંકવામાં આવ્યો હોય છે.

Don’t miss new articles