૨૩મી સપ્ટેમ્બરે યુકેમાં છ હજારથી વધારે કોરોનાના કેસ આવ્યા. રોજની બે લાખ જેટલી ટેસ્ટ થઇ રહી છે અને તેમ છતાં કેસોમાં એટલો વધારો નોંધાયો છે કે ૨૨મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને ફરીથી લોકડાઉન જેવા રિસ્ટ્રિક્શન, નિયંત્રણો લગાવ્યા છે. આમ તો યુકેમાં જે રીતે સરકારે લોકડાઉન ખોલવાના પ્રયત્નો કરેલા અને બિઝનેસને ફરીથી શરુ કરવા લોકોને ઘર બહાર આવવાની અપીલ કરેલી તે જોતા એવું લાગી રહેલું કે અર્થવ્યવસ્થાની દરકાર કરવી ખુબ જરૂરી છે. પરંતુ હવે જયારે ફરીથી માર્ચ 2020 જેટલા કેસ આવવા મંડ્યા છે ત્યારે બીજું લોકડાઉન થાય તેમાં કોઈ શંકા નથી. 


જો કે દરેક દેશોની જેમ યુકેની અર્થવ્યવસ્થા પર પણ કોરોનાની ખુબ માઠી અસર પડી છે અને તેને કારણે કેટલાય લોકોએ નોકરી ગુમાવી છે. નોકરી-ધંધા પડી ભાંગ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કેટલાય બિઝનેસ મુશ્કેલીથી ટકી રહ્યા છે. ધીમે ધીમે કેસ ઓછા થયા ત્યારે સરકારે લોકોને ઓફિસે જવાની અપીલ કરેલી. ઈટ આઉટ તું હેલ્પ આઉટ જેવી રેસ્ટોરન્ટ બિલના ૫૦% અથવા પ્રતિ વ્યક્તિ ૧૦ પાઉન્ડ બે પૈકી જે ઓછું હોય તેટલું ડિસ્કાઉન્ટ આપવાની યોજના કરેલી. આ ડિસ્કાઉન્ટના પૈસા સરકાર પોતાના ખિસ્સામાંથી આપતી. ત્યાર બાદ કિકસ્ટાર્ટ યોજના શરુ કરી જેમાં નવા કર્મચારીને નોકરીએ રાખવા માટે સરકાર કંપનીને કૈંક વળતર આપી રહી છે. આવા અનેક પ્રયત્નો દ્વારા સરકાર ઉદ્યોગ ધંધા જળવાઈ રહે તેવી કોશિશ કરી રહી હોય ત્યારે કોરોનાના વધતા કેસ નિરાશાજનક છે. 


મજબુર થઈને સરકારે એવું જાહેર કર્યું છે કે હવે પબ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા પછી ખુલા નહિ રહી શકે. ફેસ માસ્ક ન પહેરનાર પર પ્રથમ વખતે દંડ વધારીને ૨૦૦ પાઉન્ડનો, બીજી વખતે આવી ભૂલ થશે તો દંડ વધશે. છ થી વધારે લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ. તેમને પણ ૨૦૦ પાઉન્ડનો દંડ થઇ શકે. ટેક્ષી ડ્રાઈવર અને પેસેન્જરે માસ્ક પહેરી રાખવો ફરજીયાત. લગ્નપ્રસંગોમાં ૩૦ લોકોને મળવાની છૂટછાટ આપેલી તે ઓછી કરીને ૧૫ લોકોની કરાઈ છે. એવું કહ્યું છે કે આ નિયંત્રણો હવે તો આવતા છ મહિના સુધી રહેશે. આ જોતા જલ્દી પરિસ્થિતિ સુધરે તેવા આસર દેખાતા નથી. હવે રોજના છ હજાર કેસ વધારે કહેવાય કે નહિ તે અલગ પ્રશ્ન છે પરંતુ જયારે કોરોનાનો પ્રથમ વેવ આવેલો ત્યારે પણ બ્રિટનમાં છએક હજાર કેસ આવતા. ત્યારે મૃત્યુનો દર વધારે હતો અત્યારે તે ઓછો થઇ ગયો છે. પરંતુ એ વાત તો સૌ સ્વીકારે છે કે અત્યારે ફરીથી કોરોના યુવાનોમાં થઈને વૃદ્ધો સુધી ફેલાવા લાગ્યો છે જેને કારણે મૃત્યુનો અંક વધી શકે છે. 


સરકારે થોડા દિવસ પહેલા જ શાળાઓ શરુ કરાવેલી અને બાળકોને શાળાએ મોકલવા પ્રયત્નો થયેલા. બાળકો શાળાએ જાય તો માતા-પિતા કામે જઈ શકે. અહીં નિયમ એવો છે કે અમુક વર્ષથી નાના બાળકોને ઘરે એકલા છોડીને ન જઈ શકાય. પતિ-પત્ની બંને નોકરી કરતા હોય તેવા અનેક દંપતીઓ અહીં હોય છે. તેમના માટે જ્યાં સુધી બાળકોની શાળા ન ખુલે ત્યાં સુધી નોકરીએ જવું મુશ્કેલ છે. શાળા શરુ કરીને લોકોને ઓફિસે જવા પ્રોત્સાહન આપવાનો સરકારનો ઉદ્દેશ્ય હોઈ શકે. તેનાથી લોકો બહાર આવતા થાય, રેસ્ટોરન્ટ, કાફેટેરિયા, ટ્રેઈન, બસ, ટેક્ષી વગેરેના બિઝનેશ ફરીથી શરુ થાય તેવો આ પ્રયત્ન હવે સફળ થાય તેવું લાગતું નથી. 

યુકેમાં કોરોના વાઇરસને લગતી એલર્ટ સિસ્ટમના પાંચ સ્તર છે. પહેલું સ્તર જયારે ‘યુકેમાં વાઇરસ નથી પણ મોનીટરીંગ ચાલુ છે’ થી લઈને પાંચમું સ્તર જયારે ‘લોકડાઉન’ લગાવવામાં આવે. ૧૯મી જૂને એલર્ટ સિસ્ટમને ચારથી ઘટાડીને ત્રીજા સ્તરે લાવવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી એલર્ટ લેવલ ચાર જાહેર કરાયું છે. તેમાં ‘ટ્રાન્સમિશનનું હાઈ રિસ્ક અથવા જલ્દી વધતો જતો ખતરો’ હોય છે. 


યુકેમાં કોરોના (૨૩ સપ્ટેમ્બર સુધી):

કુલ મૃત્યુ: ૪૧,૮૬૨  

કુલ કેસ: ૪,૦૯,૭૨૯

છેલ્લા ૭ દિવસના સરેરાશ કેસ: ૪,૫૦૧