વિશ્વભરની જેમ યુકેમાં પણ કોરોના વાઇરસને કારણે ચિંતાનો માહોલ છવાયેલો છે. કેટલાય કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. કેટલાય કેન્સલ કરી દેવાયા છે. લોકોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી રહી છે. ટ્રાવેલ એડવાઈઝરી પણ જાહેર કરાઈ છે. કેટલીય શાળાઓ બંધ કરી દેવાયેલી અને અત્યારે સુધીમાં કોરોના પોઝિટિવ હોય તેવા કુલ ૫૧ કેસ સામે આવ્યા છે. વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને પણ કહ્યું કે સ્થિતિ સુધરે તેની પહેલા વધારે બગાડવાની શક્યતાઓ છે માટે ધ્યાન રાખવું આવશ્યક છે. ઉપરાંત કોરોના વાઇરસને કારણે બિઅરની એક પ્રખ્યાત બ્રાન્ડ કોરોના અંગે પણ જોક બનવા લાગ્યા છે અને લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા હોય તેવું લાગે છે. માસ્ક પહેરીને બહાર નીકળતા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે.

સરકારે કોરોના વાઇરસ અંગે ચિંતા જાહેર કરી છે અને એવો અંદેશો લગાવ્યો છે કે સૌથી ખરાબ પરિસ્થિતિમાં એક સાથે પાંચમા ભાગના કામદારોને બીમારીને કારણે રજા લેવી પડે તેવું બની શકે. ઉપરાંત, જો પરિસ્થિતિ વણસે તો મિલિટરી પણ કામે લાગી જાય અને પોલીસ માત્ર ખુબ ગંભીર ગુનાઓ તથા કાયદો વ્યવસ્થા જાળવવાના અગત્યના કામો પર જ ધ્યાન આપે અને બીજા નાના ગુનાઓની તપાસ પડતી મૂકે તેવું બની શકે. આ બધી અસરોને કારણે યુકેનો આર્થિક વિકાસદર ઘટે તેવી પણ શક્યતાઓ છે.

ઉપરાંત તાજેતરમાં રજુ થયેલા અહેવાલ અનુસાર ભારત યુકે અને ફ્રાન્સથી આગળ નીકળીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારત હવે નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ યુકેથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે જયારે ખરીદ શક્તિના આધારે તો ભારત દેશ પહેલા પણ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતો અને યુકે કરતા આગળ હતો. 
બીબીસી દ્વારા દિલ્હી નજીક ગુરુગ્રામમાં ચાલતા એક કોલ સેન્ટરનો વિડિઓ લીક કરવામાં આવ્યો જેમાં તે કોલ સેન્ટરના સીસીટીવી કેમેરાને હેક કરીને ત્યાં ચાલતી પ્રવૃતિઓ રેકોર્ડ કરવામાં આવેલી. આ રેકોર્ડિંગ દ્વારા જાણવા મળ્યું કે ગુરુગામનું આ કોલસેન્ટર જુઠા ફોન કરીને યુકે, યુએસએ અને ઓસ્ટ્રેલિયાના ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવી લેતું હતું. આ એક પ્રકારનો સ્કેમ હોવાની ફરિયાદ થતા ગુરુગામની પોલીસે તેના પર કાર્યવાહી કરીને તેના માલિકની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજુ કરશે. આવા સ્કેમ કેવી રીતે સરહદ પારના લોકો પાસેથી પૈસા પડાવી શકે છે અને કેવી રીતે હજારો કિલોમીટર દૂર સમુદ્ર પાર બેઠા બેઠા સીસીટીવી કેમેરાને હેક કરીને, ૭૦ હજાર કોલ રેકોર્ડ કરી લેવા શક્ય છે તે આ ઘટનાથી જણાય છે. વળી, આ વિડિઓને કારણે દેશની પોલીસ સક્રિય રીતે કામગીરી હાથ ધરીને આરોપીની ધરપકડ કરી લે તે પણ સરાહનીય છે.

આ સમયે પ્રધાન મંત્રી બોરિસ જોહન્સનની ગર્લફ્રેન્ડ મિસ કેરી સાંઈમંડસ પ્રેગ્નેન્ટ હોવાની ખબર વહેતી થઇ છે. અત્યારે પ્રધાનમંત્રી તેમની બીજી પત્ની મરિના વહીલર સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને તેનું પરિણામ આવ્યા બાદ તેઓ સાયમન્ડ્સ સાથે લગ્ન કરશે. ૩૧ વર્ષની સાયમન્ડ્સ ૫૫ વર્ષના બોરિસ જોહન્સનની ત્રીજી પત્ની બનશે. બોરિસ અને મરિનાને ૪ પુખ્ત વયના બાળકો છે. પ્રધાનમંત્રી પિતા બને ત્યારે તેમની બે સપ્તાહની પેટર્નીટી લિવ – પૈતૃક રજાઓ – લે તેવી સંભાવના છે. એવું લાગી રહ્યું છે કે બ્રેક્ઝિટની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આ બાળકનો ગર્ભધારણ થયો હોવો જોઈએ અને એટલા માટે યુકેના સોશિઅલ મીડિયામાં તેને બ્રેક્ઝિટ બેબી તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. ૨૫૦ વર્ષમાં પહેલી વાર યુકેના કોઈ પ્રધાનમંત્રી ઓફિસ દરમિયાન લગ્ન કરશે અને ઓફિસ દરમિયાન ડિવોર્સ લેનાર કોઈ પ્રધાનમંત્રી તો કોઈ આધુનિક સમયમાં રહ્યા નથી. વર્ષ ૧૭૬૮માં ઓગસ્ટ હેન્રી ફિત્ઝરોય નામના પ્રધાનમંત્રીએ ડિવોર્સ લીધેલા અને ત્યાર બાદ એક વર્ષમાં ફરીથી લગ્ન કરેલા. ત્યાર બાદ બોરિસ જોહન્સનનો વિક્રમ બનશે.

Don’t miss new articles