નવું વર્ષ સારું થઇ ગયું અને બે સપ્તાહ પણ વીતી ગયા. સામાન્ય રીતે આપણે મોટિવેશનલ કોલમમાં વર્ષની શરૂઆતના સમયે એવી અપેક્ષા રાખીએ કે ગોલ સેટિંગ અને રિઝોલ્યુશન સંબંધી કોઈ સલાહ આપવામાં આવે. પરંતુ આ વખતે જાણીજોઈને તે ટોપિક પર થોડું મોડું લખવાનું વિચારેલું. કારણ? કારણ એ કે દરવર્ષે લોકો વર્ષની શરૂઆતમાં એટલા મહત્ત્વાકાંક્ષી રિઝોલ્યુશન બનાવી લેતા હોય છે, એટલા મોટા ગોલ સેટ કરી દેતા હોય છે કે જાણે આ વર્ષમાં જ બધી સફળતાઓ હાંસલ કરી લેવી હોય. ગોલ સેટ કરવામાં, સંકલ્પ લેવામાં કઈ જ ખોટું નથી પરંતુ વર્ષની શરૂઆતનો ઉત્સાહ જ અનેરો હોય છે અને એટલા માટે લોકો વધારે મહત્ત્વાકાંક્ષી બની જાય છે. થોડા દિવસમાં એ ઉત્સાહ ઠંડો પડે અને વાસ્તવિકતાના વહેણમાં સેટ કરેલા ગોલ્સ તણાતા જોવા મળે ત્યારે તેમને થોડા વ્યવહારુ હોય તેવા સંકલ્પ લેવાની સમજ પડે છે. આશા રાખીએ કે એ જોશ હવે ઓછું થઇ ગયું હશે અને બે સપ્તાહમાં તો આપણે કેટલું કરી શકીએ છીએ તે સમજાઈ ગયું હશે. તો હવે આ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો વર્ષ દરમિયાન શું કરવું છે અને કેટલું થઇ શકે તેમ છે તેનું વ્યાજબી આયોજન કરી શકીએ તો સારું.
આમ તો દરેક વ્યક્તિને પોતાના સપના સજાવવાનો પૂરો અધિકાર છે અને એ સપનાઓ જ છે જે આપણા જીવનને પ્રવેગ આપે છે. પરંતુ કેટલા સપના સાકાર થશે તેનો પુરેપુરો દારોમદાર આપણે ક્યાં સપના પર કેટલી મહેનત કરીએ છીએ તેના પર રહેલો છે. માટે, આ વર્ષ દરમિયાન તમે ઈચ્છો એટલા સપના જોઈ શકો, તમે ઈચ્છો તેટલા અને મોટા ગોલ સેટ કરી શકો પરંતુ એકવાત યાદ રાખજો કે સર્વાંગી અને સફળ જીવન ચાર પાયા પર ટકેલું છે: આરોગ્ય, કારકિર્દી, પરિવાર અને આધ્યાત્મ. આરોગ્યમાં શારીરિક અને માનસિક આરોગ્યને સમાવી લેવું જોઈએ. પરિવારમાં મિત્રો અને સામાજિક જીવનને પણ આવરી લેવાય. કારકિર્દીમાં તમારા વેપાર-ધંધા, નોકરી, આર્થિક સદ્ધરતા વગેરે તથા આધ્યાત્મમાં આંતરિક સમૃદ્ધિ કે જેમાં મનોરંજન અને માનસિક વિકાસનો પણ સમાવેશ થાય. આ ચારેય પાયાને એકસાથે અને એક સમાન રીતે વિકસાવવા જરૂરી છે. આ ચાર સ્તંભો છે તેના પર જીવનની ઇમારત ઉભી થાય છે. એકેય સ્તંભ ઓછો વિકસિત કે કાચો હોય તો ઇમારત ડગમગી જાય.
આ ચાર સ્તંભને ધ્યાનમાં રાખીને તમારા ચાર મહત્ત્વના ગોલ આ વર્ષ માટે શું હોઈ શકે તે વિચારો. સ્પષ્ટ ગોલ રાખવાથી તેને હાંસલ કરવા આસાન રહે છે. જેમ કે ઉદાહરણ તરીકે આરોગ્ય ક્ષેત્રે તમે આ વર્ષ દરમિયાન પાંચ કિલો વજન ઉતારવા માંગો છો અને તે સંકલ્પ સિદ્ધ કરવા તમે રોજ ત્રણ કિલોમીટર ચાલવાનો નીર્ધાર કર્યો છે. તેવી જ રીતે કારકિર્દી માટે તમે આ વર્ષે ધંધામાં વૃદ્ધિ કરવા માંગો છો કે નોકરીમાં પ્રમોશન મેળવવા માંગો છો કે પછી અભ્યાસમાં કોઈ ડિગ્રી મેળવવા માંગો છો તો તેને હાંસલ કરવા માટે કેવા પગલાં લેવા છે અને તે ક્યારે લેશો. પરિવારને મદદરૂપ થવા માટે તમે આ વર્ષે અમુક પૈસા બચાવવાનો નિર્ણય કર્યો છે કે પછી કોઈ મિત્રને કોઈ રીતે મદદ કરવાનું નક્કી કર્યું છે અથવા તો પરિવાર સાથે બે વેકેશન માણવાનું આયોજન છે તો તેને કેવી રીતે સફળ બનાવશો? આધ્યાત્મિક ક્ષેત્રે, મનોરંજનના ક્ષેત્રે, આંતરિક વિકાસ માટે તમે શું કરવાના છો? યોગ અને પ્રાણાયામનો અભ્યાસ વધારે નિયમિત રીતે કરશો કે પછી કોઈ આધ્યાત્મિક પુસ્તક વાંચવાનો ઈરાદો છે? વર્ષમાં મિત્રો કે પરિવાર સાથે મહિનામાં એક ફિલ્મ જોવા ઈચ્છો છો? આ રીતે ચારેય સ્તંભોને મજબૂત બનાવે તેવા નાના નાના ગોલ્સ સેટ કરો કે જે વર્ષ દરમિયાન પુરા કરી શકાય. એક એક ગોલ દરેક ક્ષેત્રમાં સેટ થઇ જાય પછી ઈચ્છા હોય તો એક એક વધારી શકાય.
વર્ષના બે સપ્તાહ વીત્યા પછીની વાસ્તવિકતાનું સરવૈયું કાઢીને નક્કી કરજો કે કેવા ગોલ્સ સિદ્ધ થઇ શકે તેમ છે. તેનાથી થોડા વધારે અઘરા સંકલ્પો કરવાથી ફાયદો એ થશે કે તેમના પ્રત્યે મહેનત અને સમર્પણ થોડું વધારે રહેશે. વ્યવહારિકતા અને મહેનતના સમાગમથી ચાલશો તો જરૂર સફળ થશો એ વાત ધ્યાનમાં રાખીને આ વર્ષ માટે થોડા અને ફાયદાકારક હોય તેવા ગોલ હવે સેટ કરી શકો છો.