શેર માર્કેટમાં ‘સ્ટોપ લોસ’ કરવાની એક પદ્ધતિ હોય છે. તમે જે શેર ખરીદો, જે સોદા પાડો, તેમાં જો નુકસાન થઇ રહ્યું હોય તો તમે ‘સ્ટોપ લોસ’નો ભાવ સેટ કરીને નુકસાનની મર્યાદા બાંધી શકો છો. બસ્સો રૂપિયામાં એક શેર ખરીદો અને તેનો ભાવ ઘટીને ૧૮૦ સુધી થઇ જાય તો વિસ રૂપિયાનું નુકસાન ઉઠાવીને તે શેરને વેચી દેવા માટે સિસ્ટમ સેટ કરો તો તેને સ્ટોપ લોસ કર્યો કહેવાય. કોઈ કારણથી તે શેરનો ભાવ નીચે પડવા માંડે, તો ૧૮૦ એ વેંચીને મૂડી કાઢી લેવાથી વધારે નુકસાન થતું બચાવી શકાય છે. અલગ અલગ પ્રકારના સોદામાં અલગ અલગ પ્રમાણે લોકો સ્ટોપ લોસ રાખતા હોય છે.

જીવનમાં પણ આવો કોઈ સ્ટોપ લોસ હોઈ શકે? માનો કે કોઈ સંબંધમાં મનમોટાવ થઇ રહ્યો હોય, દિવસે દિવસે તે વધારેને વધારે ખરાબ થઇ રહ્યા હોય તો શું આપણે તેમાં સ્ટોપ લોસ કરીને નુકસાનને નિયંત્રિત કરી શકીએ? વધારે નુકસાન થતું અટકાવી શકીએ? આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ડિવોર્સ એક પ્રકારે તો સ્ટોપ લોસ જ કહેવાય. દંપતી વચ્ચે ન બનતું હોય, તેઓ એકબીજા સાથે રહી શકે તેમ ન હોય તો ડિવોર્સ લઈને સંબંધને વધારે બગાડતા અને એકબીજાને નુકસાન પહોંચતા રોકવાની આ પ્રક્રિયા લગ્નજીવનનો સ્ટોપ લોસ બની રહે છે. ઘણીવાર સંયુક્ત પરિવારમાં વહુ અને સાસુ વચ્ચે લડાઈ થતી હોય તો એવો નિર્ણય કરવામાં આવે છે કે દંપતી અલગ રહે. આ રીતે પણ સ્ટોપ લોસ મૂકીને પરિવારમાં કડવાશ વધે નહિ તેવો પ્રયત્ન કરવામાં આવે છે. શરીરના કોઈ અંગમાં રોગ લાગી જાય તો તે અંગને કાપીને જીવ બચાવી લેવાની તબીબી પ્રક્રિયાને પણ શેરમાર્કેટના સ્ટોપ લોસ સાથે સરખાવી શકાયને?

આવા સ્ટોપ લોસ – નુકસાન પર રોક લગાવવાના કન્સેપટને કારણે ઘણીવાર આપણને ફાયદો તો થાય છે પરંતુ નુકશાન પણ થઇ શકે છે. જેમ કે શેરના ભાવ તો ઉપર નીચે થયા કરે. જો સ્ટોપ લોસ દ્વારા એકવાર નુકસાન સ્વીકારી લઈએ તો ફરીથી શેરનો ભાવ ઉપર જાય ત્યારે તેનો ફાયદો મળતો નથી અથવા તો ઊંચા ભાવે ખરીદવો પડે છે. સ્ટોપ લોસ રાખવાને બદલે ધીરજ રાખીને તેના ભાવમાં આવતા વધારે ઘટાડાને માપવા કરતા લાંબો સમય તેમાં નિવેશ કરી રાખવાથી ફાયદો મળવાની શક્યતા વધી જાય છે. તેવું જ ડિવોર્સ વિષે કહી શકાય. થોડી ધીરજ રાખીને કોશિશ કરીએ તો શક્ય છે પતિ-પત્નીનો મનમેળાવ થઇ જાય અને પરિણામે ઘર તૂટતું બચી જાય. બાળકો હોય તો તેમને માતા-પિતા બંનેનો સાથ મળી રહે છે. પરિવારમાં પણ ધીરજ રાખવાથી સંબંધ સુધરી જતા હોય છે. માટે ક્યારેક ક્યારેક સ્ટોપ લોસ વાસ્તવમાં નુકસાન રોકવાને બદલે નુકસાન વધારે છે. આવી સ્થિતિમાં તમે કેટલી ધીરજ રાખી શકો છો, પરિસ્થતિ વણસતી હોય ત્યારે તમારામાં સકારાત્મકતા કેટલી બચે છે તે પણ અગત્યનું છે.

શું તમે જીવનમાં કોઈ એવી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છો જ્યાં નુકસાન થઇ રહ્યું હોય અને જો તેને રોકવામાં ન આવે તો તેમાં વધારો થવાની શક્યતા હોય? આવી સ્થિતિમાં શું તમને લાગે છે કે સ્ટોપ લોસ કરીને નુકસાનને વધતું અટકાવવું જોઈએ? કે પછી તેમાં આવી રહેલા ચડાવ ઉતાર સહી જઈને સમય સાથે પરિસ્થિતિ સુધરી જશે તેવું આશા રાખીને સ્ટોપ લોસ ન લગાવવો હિતાવહ લાગે છે? અલગ અલગ સ્થિતિમાં અલગ નિર્ણય લેવા પડતા હોય છે. ઘણીવાર નુકસાન સહી લેવું, અને વધારે નુકસાન થતું અટકાવવું ફાયદાકારક હોય છે, પરંતુ અનેક વખતે સમય આપવાથી સ્થિતિ સુધરી જતી હોય છે. તેમાં તમારી સમજશક્તિ, રિસ્ક લેવાની હિમ્મત અને સમય આપવાની ધીરજ મહત્ત્વનો ભાગ ભજવે છે કે તમે કેવો નિર્ણય કરશો.

જીવનમાં પણ સ્ટોપ લોસ લગાવીને નુકસાનને અટકાવવું કે પછી ધીરજ રાખીને, રિસ્ક લઈને બધું ફરીથી સારું થશે તેવી ઉમીદ બાંધવી તે આપનો વ્યક્તિગત નિર્ણય હોય છે અને પરિણામ કોઈપણ આવી શકે.