આપણને શરીરમાં પાંચ સંવેદનાઓ મળી છે. આ પાંચ સંવેદનાઓમાં દૃષ્ટિ, સ્વાદ, ગંધ, શ્રવણ અને સ્પર્શનો સમાવેશ થાય છે અને આ પાંચેય સંવેદના અનુભવવા માટે અલગ અલગ સંવેદન અંગો પણ પ્રાપ્ત થયા છે. સૌ જાણે છે કે જીભનો ઉપયોગ સ્વાદ માટે, કાનનો ઉપયોગ શ્રવણ માટે, ત્વચાનો ઉપયોગ સ્પર્શ માટે, આંખનો ઉપયોગ દ્રષ્ટિ માટે અને નાકનો ઉપયોગ ગંધ પારખવા માટે થાય છે. આ પાંચેય સંવેદન ગ્રંથિઓ આપણા જીવનમાં અતિશય મહત્વની હોવા છતાં તે એટલી તો સામાન્ય બની જાય છે કે આપણે ક્યારેય તેની કદર કરી શકતા નથી. ‘નાક છે તો સુંઘે અને આંખ છે તો જુવે તેમાં નવાઈ શું?’ તેવો અભિગમ ધીમે ધીમે આપણા મગજમાં ઘૂસી જાય છે. તેને પરિણામે આપણી આંખ માત્ર કામ પૂરતું જ જુએ છે અને કાન સુંદર સંગીતના સ્વરોને અવગણી દે છે. જમવામાં સ્વાદ માત્ર મીઠું ઓછું હોય કે ચટણી વધારે હોય તો જ અનુભવાય છે.

ધીમે ધીમે આપણે રોજિંદા જીવનમાં એટલા તો વ્યસ્ત થતા જઈએ છીએ કે આટલી અમૂલ્ય પાંચ સંવેદન ગ્રંથિઓનો લાભ લેવાનું ચૂકી જઈએ છીએ. કેટલાય સ્વાદિષ્ટ ભોજન આપણે માત્ર ઓગાળી જતા હોઈએ છીએ. પંખીઓના કલરવને સાંભળ્યા વિના આપણે વાહનોની ભીડમાં દોડ્યા કરીએ છીએ. એટલું બધું લક્ષહિન જીવન બની જાય છે કે આપણે સુવાળા સ્પર્શ પણ અનુભવતા નથી. આવી યાંત્રિકતાને કારણે સૂક્ષ્મ સંવેદનોનો લાભ લેવાનું આપણે ચૂકી રહ્યા છીએ. પરંતુ માત્ર કલ્પના કરી જુઓ કે આ પાંચ પૈકી એક પણ સંવેદનનેન્દ્રિય જો કામ કરતી બંધ થઈ જાય તો આપણી શું હાલત થાય? માનો કે આંખ જોવાનું બંધ કરી દે કે કાન સાંભળવાનું બંધ કરી દે તો? ત્વચા સ્પર્શ ન સમજી શકે તો કદાચ આગથી દાઝી જઈએ તેમ છતાં પણ આપણે પોતાની જાતને બચાવી ન શકીએ. જેની કમી હોય તેનું મહત્વ જરૂર સમજાય છે પરંતુ શું તેમની હાજરીની ઉપેક્ષા કરવી આવશ્યક છે?

આપણે આવી સુંદર ભેંટ – પાંચ સંવેદનેન્દ્રિયોને અવગણીને માનવ જીવનને એટલું તો છીછરું કરી નાખ્યું છે કે તેમાં કઈ માણવા જેવું બચ્યું જ નથી. આપણે હવે પહેલો વરસાદ આવતા ભીની માટીની ફોરમ સુંધીને રસબતર થતા નથી. કાંટા વાગે તો દુઃખ તો થાય છે પરંતુ પુષ્પપાંખડીના સ્પર્શે તેટલો હર્ષ થાય છે ખરો? આટલા સમૃદ્ધ અનુભવોથી વંચિત થઇ રહેલા આપણે હવે સંવેદનાના ઉંડાણો ગુમાવી બેઠા છીએ. અશરફ ડબાવાલા લખે છે કે ”ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં? એક વેંત ઉતરોને ત્યાં તો તળિયા આવે.” ખરેખર જ આપણી સંવેદનાના પણ તળિયા આવી ગયા છે. આપણા પાણી ઉતરી ગયા છે. પરંતુ આવી ગરીબીમાં જીવવા કરતા ફરીથી ઉપલબ્ધ ઉપચાર કરીને સંવેદના સમૃદ્ધ બનીએ તો શું ખોટું?

એક સજાગ અને સક્રિય પ્રયોગ હાથ ધરીએ. આપણી પાંચેય સંવેદન ઇન્દ્રિયોનો સુલભ અનુભવ થાય તેવું કંઈક કરીએ. આંખને એવી તાલીમ આપીએ કે તે સુંદર દ્રશ્યોને માણી શકે અને તેનાથી મગજ પ્રફુલ્લિત બને. ન કે માત્ર ક્યારેક રમણીય સ્થળે પ્રવાસે જઈએ ત્યારે જ કુદરતી સૌંદર્યનું નયનપાન કરીએ પરંતુ રોજિંદા જીવનમાં પણ આપણી આસપાસ ઉપસ્થિત મનોહર ચીજ વસ્તુઓ, પશુપક્ષીઓ, વનરાજી અને વસાહતોને જોઈને પણ આનંદ પામીએ તેટલી સક્રિય રીતે આપણા ચક્ષુઓને તાલીમબદ્ધ કરી દઈએ. જ્યાં જઈએ ત્યાની સુગંધ અને દુર્ગંધના અસ્તિત્વને અથવા તો તેની ગેરહાજરીને પારખવાનું અચૂકપણે શીખીએ. ફૂલોની, માટીની કે કાગળ પર લખતી વખતે કલમની શાહીની ખુશ્બુ પણ કેટલી માદક હોઈ શકે તે તો સક્રિય રીતે ઘ્રાણેન્દ્રિયને કામે લગાવીને જ જાણી શકાય. ત્વચાથી મુલાયમ પુષ્પ કે રેશમી વસ્ત્રનાં સ્પર્શનો અહેસાસ થોડી વધારે વખત કરીને તેનો પણ આનંદ ઉઠાવી શકાય. જ્યાં હાથ લગાડીને કામ પતે તેવો હટાવી લેતા હોઈએ ત્યાં બે ક્ષણ માટે વધારે સ્પર્શનો અનુભવ કરવાથી કેવી મનોચેતના ઊભી થાય છે તે પ્રયોગ પણ કરવા જેવો છે.

આપણા પાંચેય સંવેદન અંગો ફરીથી સતેજ બને અને તેમના અનુભવોથી આપણું જીવન વાસ્તવમાં રંગમય, સ્પર્શમય, સંગીતમય, સુગંધમય અને સ્વાદમય બને તેવા પ્રયત્નો આદરવા જેવા છે. ઘરમાં બે-ચાર રંગીન વસ્તુઓ અલગથી ગોઠવો અને તેમને ધ્યાનથી જોવાની જહેમત ઉઠાવો. એક ખૂણામાં ફુલદાની તો સામેની દીવાલ પર તૈલચિત્ર. જમીન પર ગાલીચો ને છત પર રંગબેરંગી બતીઓવાળું ઝુમ્મર. આ બધા રંગોને સવાર-સાંજ થોડીવાર વધારે, સચેત મનથી જોવાનો અભ્યાસ કરો. સ્વાદમાં જાણીજોઈને રોજ ખાતા હોય તેનાથી થોડો ફેરફાર કરો. ચામાં આદુ નાખીને પીતાં હોય તો એકાદવાર તેજપત્તા નાખી જુઓ. દુધવાળી ચાને બદલે ગ્રીન ટી પી જુઓ. કોઈક વખત સવારે ઉઠીને કોફી પીતી વખતે તેની સુગંધને બે ક્ષણ વધારે માણો. તમારા અત્તરને બદલી જુઓ. એકાદ દિવસ ફૂલને મસળીને તેને સૂંઘો. આંગળીઓના ટેરવાંઓને દરવાજો ખોલતી વખતે હેન્ડલનો સ્પર્શ અનુભવવા દો. લેપટોપના કી બોર્ડ પર ટપ ટપ કરી રહેલી આંગળીઓને થોડીવાર માટે થોભાવીને તેનો સ્પર્શ અનુભવવા દો. શ્રાવણ શક્તિને તેજ કરવા માટે કોઈ ગીત સાંભળતી વખતે તેના શબ્દો નહિ પરંતુ તેમાં વાગી રહેલા સૌથી ઓછા અવાજવાળા વાજિંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી જુઓ. મંદિરના ઘંટનો રણકાર જ્યાં સુધી હવામાં રહે ત્યાં સુધી તેને સાંભળવા કાનને જાગ્રત રાખો. મિત્ર સાથે વાત કરતી વખતે તેના શબ્દો અને અવાજનો લય એકબીજા સાથે સમન્વય ધરાવે છે કે નહિ તેની ખાતરી કરી જુઓ.

આવા પ્રયોગો કરીને, થોડો સક્રિય પ્રયાસ કરીને, આપણી પાંચેય સંવેદનેન્દ્રિયોનો મોંઘો ખજાનો પાછો મેળવવાની ઝુંબેશ ઉઠાવી લઈએ. સંવેદનાનું મહત્ત્વ તો એટલું છે કે તર્કને સર્વોચ્ચ ગણાવતા જર્મન દર્શનશાસ્ત્રી ઈમેન્યુઅલ કાન્તે લખ્યું છે, ”આપણું બધું જ જ્ઞાન સંવેદનાઓથી શરુ થાય છે, ત્યારબાદ સમજણ આવે છે અને અંતે તર્ક.” તો આપણા જીવનમાંથી આવી અમૂલ્ય સંવેદનાઓને જવા કેમ દેવાય?

Don’t miss new articles