ગયા સપ્તાહના લેખને આગળ વધારીએ અને અણધાર્યા આવી પડેલા કામને સફળ રીતે પાર પાડવાના તરીકાઓ પર વધારે ચિંતન કરીએ તો એ પણ જણાશે કે જેમ એ વાત આવશ્યક છે કે તરત જ કામ હાથમાં લઇ લેવું જરૂરી છે તેવી જ રીતે ઠંડા અને શાંત મને વિચાર કરીને આયોજન કરી શકીએ તો ઘણો ફાયદો થઇ શકે. આયોજન વિના તો આમેય કોઈ જ કામ ન થાય. ધારો કે તમે કોઈ ફેક્ટરીના મેનેજર હોય અને તેમાં એવી અણધારી સ્થિતિ આવી પડે જે ક્યારેય પહેલા ન આવી હોય તો તમારી નવો ઉકેલ શોધવો જ પડે. અત્યાર સુધી અમલમાં ન મુકાયા હોય તેવા તરીકાઓ અખત્યાર કરવા પડે. તેવા ઉપાયોને કામે લગાડવા જ પડે. પરંતુ આવું આયોજન કરવા મન શુદ્ધ હોય તે અનિવાર્ય છે. જ્યાં સુધી માણસ પોતાના મન પર, ચિંતા પર કાબુ ન મેળવી લે ત્યાં સુધી તો તે કોઈ જ આયોજન કરી શકતો નથી. ચિંતામાં કરેલું આયોજન અસરકારક નીવડતું નથી તેમાં બે મત નથી.

જે માણસ અંદર ઉઠતા વમળોને ધીમા કરી શકે તે વધારે અસરકારક રીતે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. જે ચિંતાથી અસ્થિર થઇ જાય, જે સ્ટ્રેસને કારણે અધીરો બની જાય તેનું મગજ બહેર મારી જાય છે અને તેની વિચારવાની ક્ષમતા ઘટી જાય છે. આપણે પણ અણધારી કે અચાનક આવી પડતી મુશ્કેલીની સ્થિતિમાં મુકાઈએ ત્યારે જરૂર આપણા પર સ્ટ્રેસ આવવાનો, જરૂર માનસિક તણાવ પેદા થવાનો પરંતુ બે ક્ષણ માટે જો આપણે એ સમસ્યાથી થોડા દૂર થઇ જઈએ, પોતાની જાતને મેનેજરના રોલથી મુક્ત કરી દઈએ અને પછી એ વિચારીએ કે સમસ્યાનું સમાધાન કરવા માટે શું કરવું જરૂરી છે તો કદાચ આપણે વિચારક્ષમ બની શકીએ. જેમ આગમાં હાથ લાગી જાય, કે ધગધગતી વસ્તુને અડાઈ જાય તો તરત જ આપણે ભુસ્કો મારીને દૂર જતા રહીએ છીએ તેમ સમસ્યા આવતા જ આપણી સ્થિરતા ભુસ્કો મારીને ભાગી જાય છે. પરંતુ આગ બુઝાવવા માટે આપણે જે રીતે તરકીબો લગાવીએ છીએ, તેવી જ રીતે સમસ્યાના સમાધાન માટે પણ તરકીબો લગાવવી જરૂરી છે.

ક્રિકેટની રમતમાં ઓછા બોલમાં વધારે રન કરવાનો લક્ષ્યાંક સામે હોય ત્યારે બેટ્સમેન જેમ તેમ આડેધડ બેટ ફેરવવા માંડે તો તે રન તો ન જ બનાવી શકે પરંતુ આઉટ જરૂર થઇ જાય. તેવી જ રીતે અણધારી આવી પડેલી સ્થિતિનો સામનો કરવામાં પણ આડેધડ બેટ ફેરવનાર કોઈ ઉકેલ લાવી શકતો નથી. સારો ઉકેલ તો ત્યારે જ આવે છે જયારે બેટ્સમેન દરેક બોલને પારખે, તેની ગતિ જુએ, તેની દિશા જુએ, મેદાનમાં ઉભેલા ફિલ્ડરર્સને જુએ અને પછી નક્કી કરે કે બેટ કેવી રીતે ઘુમાવવું, શોટ ક્યાં મારવો અને કેટલો મારવો. દરેક બોલમાં છક્કો ન લાગે, દરેક દડે ચાર રન ન મળે એ વાત ન સમજાય તો ખેલાડી ટી-૨૦માં પણ ન રમી શકે. કોઈ કોઈ બોલને તો ખાલી જવા જ દેવા પડે છે. એટલી ધીરજ તો માણસે કેળવવી જ રહી. એવું કહી શકાય કે ધીરજનો સંપૂર્ણ અભાવ એટલે અવિચારી કામો અને પતનકારી પરિણામોનો કાચો માલ.

દોડવીર જયારે સ્પર્ધામાં દોડવાનું શરુ કરે તે પહેલા પોઝિશન લે છે, સ્થિર થાય છે અને પછી જ દોડે છે. કૂદકો મારવા માટે પણ એક ક્ષણ થોભવું પડે છે અને પછી જ લાંબી છલાંગ લાગે છે. ક્યારેક તો લમ્બો કૂદકો મારવા માટે થોડા પાછળ પણ જવું પડે. આ જ નિયમ કામની બાબતમાં પણ લાગુ પડે છે. જયારે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો એકાદ ક્ષણ થોભીને, શાંત થઈને આયોજન કરી લેવું અને પછી તરત જ કામમાં લાગી જવું. સતત મહેનત અને તેની પાછળનું આયોજન સફળતા જરૂર અપાવે છે, કોઈપણ સમસ્યાનો ઉકેલ જરુર લાવે છે.

Don’t miss new articles