૪૪ વર્ષ બાદ કોઈ બ્રિટિશ મહિલા સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતી છે અને તેનાથી આખા દેશમાં તેની વાહ વાહ તો થઇ જ રહી છે પરંતુ ટેનિસ ફેન્સમાં એક ઉત્સાહની લહેરકી પણ આવી ગઈ છે. યુકે જેવો રમતગમતમાં ખુબ આગળ હોય તેવો દેશ છેલ્લા ૪૪ વર્ષોથી કોઈ જ મહિલા સિંગલ ગ્રાન્ડ સ્લેમ જીત્યો નહોતો. ઈ.સ. ૧૯૭૭માં વર્જિનિયા વેડ વિમ્બલડન ચેમ્પિયનશિપ જીતી ત્યારબાદ હવે એમ્મા રાડુકનુએ યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ વિમન સિંગલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે. રાડુકનુ ૧૮ વર્ષની છે અને તેણે કેનેડાની ૧૯ વર્ષીય ખેલાડી લેઈલાહ ફર્નાન્ડીઝને ફાઇનલમાં હરાવી હતી. યુએસ ઓપન જીતવાથી રાડુકનુને $૨.૫ મિલિયન કેશ પ્રાઈઝ તો મળ્યું જ છે, ઉપરાંત હવે તે યુકેની જ નહિ વિશ્વની સૌથી પ્રખ્યાત સ્પોર્ટ્સ સ્ટારની શ્રેણીમાં શામેલ થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કોઈ જ ક્વોલિફાયર ટેનિસ પ્લેયર ગ્રાન્ડ સ્લેમ જીતવો તો દૂરની વાત છે પરંતુ ફાઇનલમાં પણ નથી પહોંચ્યા. તેવામાં રાડુકનુ ન માત્ર ફાઇનલ જીતી છે પરંતુ મારિયા શારાપોવા બાદ સૌથી યુવા ખેલાડી બની છે જેને ગ્રાન્ડ સ્લેમ જીત્યો હોય. લોકોને તો હજી વિશ્વાસ નથી આવતો કે રાડુકનુ માત્ર બે જ ટુર્નામેન્ટમાં ગ્રાન્ડ સ્લેમ જીતી લાવી. તેનો પોતાનો ટાર્ગેટ આ વર્ષે ટોપ ૧૦૦ રેન્કિંગમાં આવવાનો હતો જેથી કરીને તેને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ક્વોલિફાઇંગ મેચ વિના ડાઇરેક્ટ એન્ટ્રી મળી જાય.

ક્રિકેટની સીઝન ચાલી રહી છે અને તેમાં ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામેની ૫ મેચની વેન ડે સિરીઝ જીતી લીધી છે (તેમાં હજી એક મેચ તો બાકી છે). ઇંગ્લેન્ડની મહિલા ટીમની કેપ્ટને ચોથા વેન ડેમાં સેન્ચુરી બનાવીને ન્યૂઝીલેન્ડના ૨૪૪-૮ ની સામે ૨૪૫-૭ બનાવી લીધા હતા. ઇંગ્લેન્ડ મહિલા ટીમનો વેન ડે મેચના ઇતિહાસમાં પીછો કરતી વખતે આ સૌથો મોટો સ્કોર છે. આ જ સપ્તાહ દરમિયાન સમયે ઇંગ્લેન્ડની ટિમ પાકિસ્તાન ટી-૨૦ રમવા જવાની હતી તે ટુર સુરક્ષાના કારણો આપીને કેન્સલ કરી દીધી છે જેનાથી પાકિસ્તાની ક્રિકેટ ફેન્સમાં નિરાશા ફેલાઈ છે તે સ્વાભાવિક છે.

આ સપ્તાહ દરમિયાન યુકેએ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે નવા નિયમો જાહેર કર્યા જેમાં એસ્ટ્રાઝેનેકા, ફાઈઝર, મોડર્ના કે જોહન્સન વેક્સીન લીધી હોય તેવા ૧૪ દેશના લોકોને યુકેમાં ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ તેમાં ભારતનું નામ ન હોવાથી અને એસ્ટ્રાઝેનેકાની જ ભારતમાં બનતી રસી કોવીશીલ્ડને મંજૂરી ન મળવાથી ભારતીય મૂળના બ્રિટિશ લોકો અને કેટલાય ભારતીયોમાં નિરાશા જન્મી હતી. લોકો એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભારતમાં બનેલી રસીના જે ડોઝ યુકે આવ્યા અને લોકોએ લીધા તે યોગ્ય હોય તો પછી તે જ રસીના ડોઝ ભારતના લોકો લે તો તેને કેમ સ્વીકૃતિ નહિ? આ રીતના મેસેજ અને સમાચાર સોશ્યિલ મીડિયા અને સમાચાર પત્રોમાં ફેલાયા હતા. ત્યાં બીજા દિવસે જાહેરાત થઇ કે યુકેએ કોવીશીલ્ડને મંજૂરી આપી દીધી એટલે મુસાફરી કરવા ઇચ્છતા લોકોને ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ મળશે તેવી આશા જાગી. પરંતુ થોડીવાર બાદ ખુલાસો થયો કે હજીયે ભારતીય વેક્સીન સર્ટિફિકેટને તો મંજૂરી મળી નથી એટલે કોવીશીલ્ડની મંજુરીનો કોઈ ફાયદો નથી. હવે લોકો સર્ટિફિકેટને મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યાબાદ પણ કોવીશીલ્ડ સિવાયની કોઈ રસી લીધી હોય તેમને આ રાહત મળશે નહિ. જો કે કેટલાક સમયમાં વિશ્વભરમાં વેક્સિનની મંજૂરી અને સર્ટિફિકેટની મંજૂરીને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા કોઈ જાહેરાત કરે તેવી શક્યતા છે. જો તેવું બને અને બધા દેશ એકબીજાએ આપેલા સર્ટિફિકેટ સ્વીકારે તો આંતરરાષ્ટ્રીય મુસાફરી આસાન બને. અત્યારે તો સ્થિતિ એવી છે કે દોઢેક વર્ષ કોવીડને કારણે વેડફાઈ ગયું અને હવેનો કેટલોક સમય આ સર્ટિફિકેટની મંજૂરીને લઈને વેડફાઈ જશે. જેમ દરેક રાષ્ટ્ર એકબીજાના પાસપોર્ટ સ્વીકારે છે તેવી જ રીતે વેક્સીન સર્ટિફિકેટ સ્વીકારે તેવી ઝુંબેશ ચાલી રહી છે. આશા રાખીએ હવે કોવિડમાંથી બહાર આવી જઈશું અને તેને લગતા આવા બીજા પ્રશ્નોનો પણ જલ્દી નિકાલ લાવી દઈશું.