યુકેમાં ઝડપથી લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે પરંતુ હજી ૫૦ વર્ષથી ઓછી વયના લોકોનો વારો આવ્યો નથી. આગળ જતા લોકોને ફરીથી લોકડાઉનમાં નહિ જવું પડે તેવી આશા અને આયોજન થઇ રહ્યા છે. યુકેએ કેટલાય દેશોથી ફ્લાઇટ બંધ જ કરી દીધી છે અને લગભગ ત્રીસ દેશમાંથી આવતા લોકોને ફરજીયાત ૧૦ દિવસ સુધી હોટેલમાં ક્વોરેન્ટાઇન કરવું પડે તેવો નિયમ બનાવ્યો છે. ભારત આ ત્રીસ દેશોની યાદીમાં નથી એટલે ભારતથી આવતા લોકોને ઘરમાં ક્વોરેન્ટાઇન કરવાની છૂટ છે.

લોકડાઉન તબક્કાવાર ખુલી રહ્યું છે અને તેમાં બીજો તબક્કો ૨૯મી માર્ચ હતો જ્યારથી બે પરિવાર હવે મળી શકે છે. ત્રીજો તબક્કો ૧૨મી એપ્રિલે આવશે જયારે ઘણી સેવાઓ ખુલશે જેમ કે સલૂન, જિમ વગેરે શરુ થઇ જશે. પરંતુ કમ્પ્લીટ અનલોક તો ૨૧મી જૂન પછી થશે. ત્યારબાદ ફરીથી ક્યારેય લોકડાઉન ન લગાવવું પડે તેવી આશા સરકાર સેવી રહી છે. તેનો મુખ્ય આધાર લોકોના રસીકરણ પર છે. ૨૧મી જૂન પછી પબ અને થિએટરમાં લોકોને વેક્સીન પાસપોર્ટ આપીને પ્રવેશ આપવો કે કેમ તેના અંગે કેટલીય અટકળો સેવાઈ રહી છે. વેક્સીન પાસપોર્ટ દ્વારા જેનું સંપૂર્ણ રસીકરણ થઇ ગયું હોય તેવા લોકોને આવા ભીડભાડ વળી જગ્યાએ જવાની છૂટ આપવામાં આવવી જોઈએ તેવું કેટલાય લોકોનું કહેવું છે. સરકારે શરૂઆતમાં તો વેક્સીન પાસપોર્ટ જેવા વિચારને નકારી કાઢ્યો હતો પરંતુ હવે લાગી રહ્યું છે કે તેના અંગે વિચાર થઇ રહ્યો છે.

ઈઝરાઈલમાં અડધાથી વધારે ભાગના લોકોને રસી મળી ગઈ છે ત્યારે તેમને ગ્રીન કાર્ડ આપીને રસીકરણ થયું હોય તેવા લોકો માટે છૂટછાટ આપવાની શરુ કરી છે. તેવો જ આઈડિયા અહીં યુકેમાં પણ અપનાવવામાં આવે તેના અંગે ચર્ચા છે. પરંતુ દરેક યોજનાની જેમ આ યોજના અંગે પણ લોકોના અલગ અલગ મતો સામે આવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ રીતે વેક્સીન પાસપોર્ટ દ્વારા એન્ટ્રી નિયંત્રિત કરીને સરકાર ખરેખર તો બ્રિટનને બે ભાગોમાં વહેંચી દેશે: રસીકરણ થઇ ગયેલા અને ન થયેલા લોકો. વળી પબ અને થિએટરમાં આવનારી મોટાભાગની પબ્લિક તો યંગસ્ટર જ હોય છે. અત્યારે જે રીતે રસીકરણ ચાલી રહ્યું છે તે જોતા હજુ તેમનો વારો તો જલ્દી આવે તેવું લાગતું નથી. તો પછી યંગસ્ટર્સ પાસે વેક્સીન પાસપોર્ટ નહિ હોય તો પબ અને થીએટર કેવી રીતે ચાલશે? કોઈએ તેવો વિચાર આપ્યો કે જેમ પબમાં સ્મોકર્સ માટે અલગ એરિયા હોય છે તેમ જ વેક્સીન ન મળી હોય તેવા લોકો માટે બીજો અલગ વિસ્તાર રાખવો જોઈએ જેથી વેક્સીન પાસપોર્ટ વાળા લોકો અલગ અને તેના અભાવ વાળા લોકો અલગ રહી શકે. પરંતુ બંનેને સામાન્ય જિંદગી જીવવા મળે અને આર્થિક પ્રવૃતિઓ શરુ થાય.

કન્ઝ્યુમરિઝમના આધારે જેનું અર્થતંત્ર ધીકતું હતું તેવો આ દેશ હવે દુકાનો બંધ હોવાને કારણે કેટલુંય નુકશાન ભોગવી રહ્યો છે. જે દેશમાં લોકોનો ફેવરિટ ટાઈમપાસ શોપિંગ હતો તે લોકોને હવે અહીંના નાણામંત્રી કહી રહ્યા છે કે જયારે ૧૨મી એપ્રિલે બધી શોપ ખુલે ત્યારે લોકોએ બહાર નીકળવું જોઈએ અને શોપિંગ કરવી જોઈએ. સ્વાભાવિક છે કે કેટલાય સ્ટોર્સ અને બ્રાન્ડ્સ બંધ થઇ ગયા છે. એક તરફ એમેઝોન જેવા ઓનલાઇન પ્લેટફોર્મ્સ નો પ્રોફિટ સાતમા આકાશે પહોંચ્યો છે તો બીજી તરફ બ્રાન્ડ્સના રીટેલ્સ અને હાઈ સ્ટ્રીટ પર આવેલા શો રૂમ તથા રેસ્ટોરન્ટ્સ બંધ થઇ રહ્યા છે.

એકવાત નોંધનીય છે કે યુકેની ઓક્સફર્ડ યુનિવર્સીટી અને એસ્ટ્રાઝેનેકા કંપનીએ સંશોધન કરીને જે રસી બનાવી છે તેનું ઉત્પાદન પૂનામાં આવેલી ભારત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કંપનીમાંથી બનેલી વેક્સિનના ૫૦ લાખ ડોઝ યુકેમાં ૫મી માર્ચે આવેલા અને ત્યારબાદ બીજા ૫૦ લાખ ડોઝ પણ આવવાના છે. યુકે અને ઇન્ડિયાનું આ વેક્સીન કોલોંબોરેશન બંને દેશો વચ્ચેના સંબંધોની એક મજબૂત કડી બન્યું છે. ઉપરાંત, એપ્રિલના અંતમાં યુકેના વડાપ્રધાન બોરિસ જોહન્સન ભારતની મુલાકાતે આવે તેવું આયોજન થઇ રહ્યું છે. આ સમયે વધારે કરારો અને થાય અને મંત્રી ગાઢ બને તેવા પ્રયત્નો બંને દેશના ફાયદામાં કરવામાં આવશે.

યુકેના આંકડા:
– વર્ષ ૨૦૨૦ દરમિયાન યુકેની કુલ વપરાશની ચોથા ભાગની વીજળી પવન ઉર્જાથી આવી હતી.
– બ્રિટિશ લોકો વર્ષમાં લગભગ ૩૦ મિલિયન ટન જેટલો કચરો દર વર્ષે ફેંકે છે. તેમાં દશમાંથી સાત કચરાની વસ્તુઓ ફૂડ રેપર્સ હોય છે.