દુનિયામાં હજારો ભાષા બોલાય છે અને તે પૈકી મોટાભાગની એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે ઉદ્ભવી હોવાથી ભાગ્યે જ કશું સામ્ય ધરાવે છે. અમુક ભાષાઓ એક કુળમાંથી ઉતરી આવી હોય તો તેમના શબ્દો કે વ્યાકરણમાં થોડીઘણી સમાનતા જોવા મળી શકે. આવી સ્થિતિમાં તમે કોઈ વ્યક્તિને મળો અને એકબીજાની ભાષા ન સમજતા હોય તો શું થાય? બે વ્યક્તિ વચ્ચે સંવાદ થવા માટે, વાત થવા માટે તેઓ એકબીજાની ભાષા સમજે તે આવશ્યક છે. પરંતુ જો બે વ્યક્તિ એકબીજાથી અલગ અલગ ભાષા બોલતા હોય, તેમની વચ્ચે કોઈ સમય ન હોય અને તેઓ એકવીજની વાત સમજવા અસમર્થ હોય ત્યારે શું થાય? તેઓની વચ્ચે કોઈ જ સંદેશની આપ લે થઇ શકતી નથી અને તેઓ એકબીજાનું મોં તાકતા રહે છે. તેઓ જે કઈ બોલે તે સામે વાળી વ્યક્તિની ઉપરથી જાય છે.

એ વાતથી સૌ સહમત થશે કે સંવાદનું માધ્યમ માત્ર બોલાતી કે લખાતી ભાષા નથી. સાંકેતિક ભાષા પણ આપણા સંવાદમાં મોટો ભાગ ભજવે છે. શું આ સંકેતની ભાષા, ઈશારાની ભાષા દ્વારા આપણે અસરકારક સંવાદ કરી શકીએ? તેનાથી આપણી પુરી વાત સામેવાળી વ્યક્તિને સમજાવી શકાય? એવું બને કે આપણે કોઈ બાબત માટે જે ઈશારો સમજતા હોઈએ તે જ બાબત માટે અન્ય સમાજમાં બીજા કોઈ ઈશારાનો ઉપયોગ થતો હોય? જેમ કે આપણે ત્યાં હાથ જોડીને નમસ્તે કરીને એકબીજાનું અભિવાદન કરવામાં આવે છે પરંતુ જાપાનમાં માથું ઝુકાવીને, યુરોપિયન દેશોમાં હસ્તધનૂન દ્વારા અને આરબ દેશોમાં એકબીજાને ગાલ પર ગાલ અડાડીને અભિવાદન કરાય છે. આ તો આપણે જાણીએ તેવી વાતો છે પરંતુ તેવા ઘણા બીજા સંકેતો અને તૌરતરીકાઓ હોય છે જે દરેક પ્રદેશમાં અલગ પડે છે.

ઈરાનમાં હા કહેવા માટે મોઢું ડાબી કે જમણી તરફ ફેરવવામાં આવે છે અને ના કહેવા માટે તેઓ માથું ઊંચકે છે. વિચારો કે કોઈ વ્યક્તિને તમે કઈ પૂછો અને તે બે વાર માથું ઊંચકે તો તેની ઉપર નીચે થતી ડોક જોઈને આપણને લાગે ને કે તે હા કહી રહ્યો છે? તેવી જ રીતે કોઈ હા કહેવા માટે એકબાજુથી બીજીબાજુ મોઢું ફેરવે તો આપણને લાગે કે તે નકારમાં માથું ધુણાવી રહ્યો છે. આ રીતે એકબીજાના ઈશારાના અર્થ ન સમજાય અને આપણે અર્થનો અનર્થ કરીએ તેવું પણ બની શકે. આ રીતે સંકેતની ભાષા પર પણ પૂરો આધાર રાખી શકાય તેવું નથી.

આજે વિશ્વમાં ૬૫૦૦થી વધારે ભાષા બોલાય છે તેવું વર્લ્ડડેટા વેબસાઈટ જણાવે છે પરંતુ આપણે બોલીઓનો પણ સમાવેશ કરીએ તો તો આ આંકડો લાખોમાં જઈ શકે કેમ કે આપણા ભારતમાં જ હજારો બોલીઓ બોલાય છે. ભાષાઓ ધીમે ધીમે મરતી જાય છે અને એવું મનાય છે કે આજથી એક હજાર વર્ષ પહેલા ૯૦૦૦ જેટલી ભાષાઓ હતી જે હવે ઘટીને ૬૫૦૦ જેટલી ભાષા રહી ગઈ છે. આ વેબસાઈટ અનુસાર પપુઆ ન્યુ ગિનિયામાં સૌથી વધારે ૮૦૦ જેટલી ભાષા છે જયારે અમેરિકામાં ૩૦૦ જેટલી ભાષા છે. સૌથી વધારે બોલાતી ભાષા મેન્ડેરીન – ચાઈનીઝ છે જયારે બીજા નંબર પર હિન્દી આવે છે. ત્યાર પછી સ્પેનિશ અને ઈંગ્લીશ ત્રીજા અને ચોથા ક્રમે આવે છે. આ વ્યક્તિની પ્રથમ ભાષાનો આંકડો છે, બીજી ભાષા તરીકે ઈંગ્લીશ આગળ નીકળી જાય છે.

આ બધા આંકડા જોઈને અને ભાષા સમજવાની અસમર્થતા તેમજ ઈશારામાં વાતચીત કરવાથી શક્ય તેવા ગોટાળા વિચે વાંચીને કન્ફ્યુઝ થવા જેવું નથી. વધારે ચિંતાની પણ વાત નથી. ભલે કોઈને આપણે પોતાની વાત ભાષા કે ઈશારા દ્વારા સમજાવવામાં નિષ્ફળ જઈએ પરંતુ કેટલીક જીવન જરૂરિયાતની વાતો તો આપણે સંકેત દ્વારા સમજાવી જ શકીએ. જો ક્યારેય ગૂલીવર ઈન લિલીપુટ જેવી સ્થિતિ ઉભી થાય અને એક ટાપુ પર એકલા પડી જઈએ અને ત્યાં કેટલાક લોકોને મળવાનું થાય તો અમુક વ્યવહાર તો તમે ચલાવી જ શકો. જેમ કે વિશ્વભરમાં હાસ્ય અને પ્રફુલ્લીતતાને સૌ સમજે છે તથા રુદનને સૌ ઓળખે છે. ભૂખ લાગે ત્યારે મોઢા પાસે કોળીયાનો ઈશારો કરીએ તો પણ લોકો સમજી શકે છે. ઠંડીનો સંકેત પણ શક્ય છે લોકો સમજી જાય. આવી જીવન જરૂરિયાતની બાબતો જો તમે ઇશારાથી સમજાવી શકો તો અસ્તિત્વ અને જીવન જળવાઈ રહે તેટલી તો ખાતરી આપી શકાય. પછી ધીમે ધીમે સ્થાનિક સંકેત અને ભાષા શીખી શકાય!

Don’t miss new articles