થોડા સમય પહેલા એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતી યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું. તેનું મુખ્ય કારણ હતું કામનો દબાવ. આ વાતે કોર્પોરેટ જગતમાં ખુબ હોબાળો તો મચાવ્યો છે પરંતુ શું તેનાથી આ કલ્ચર બદલાશે? અને કામના અતિશય દબાણની વાત શું માત્ર ખાનગી અને કોર્પોરેટ ક્ષેત્રમાં જ લાગુ પડે છે કે પછી આ બીમારી દરેક કાર્યસ્થળે ફેલાઈ રહી છે? શું આપણે કામની સાથે સાથે પોતાની સુખાકારી અને સહકર્મચારીઓના કલ્યાણ અંગે પણ સાવચેત છીએ?
આજે સૌને ટોંચ પર પહોંચવાની આંધળી ડોટ લાગી છે તેમાં કોઈ એકબીજાનો હાથ પકડીને આગળ વધવા તૈયાર નથી, કેમકે સૌ માને છે કે જો ઝડપથી દોડવું હોય તો એકલા દોડવું પડે. પરંતુ લાંબુ અંતર કાપવા માટે સૌને સાથે રાખીને ચાલવું પડે તે વાત જાણતા હોવા છતાં પણ લોકો તેને પોતાનું લક્ષ્યમાં બનાવવા તૈયાર નથી કેમકે અત્યારે લાંબી દોડ નહીં પરંતુ ઝડપી દોડનો જમાનો આવી ગયો છે. એક ૨૬ વર્ષની યુવતી કામના દબાણમાં આવીને જીવન ગુમાવી દે તે કેવી ખૂંચે તેવી વાત છે? અને આ તે કોઈ નબળી વ્યક્તિની વાત નથી. આપણે એવી યુવતીની વાત કરી રહ્યા છીએ કે જેણે હંમેશા પોતાની શાળા અને કોલેજમાં સખત મહેનત કરી છે, દરેક પ્રકારના દબાણને સહન કરીને સારું પરિણામ મેળવ્યું હતું, ચાર્ટર્ડ એકાઉન્ટની અઘરી પરીક્ષા પાસ કરી હતી. પરંતુ તે પોતાની પહેલી જ નોકરીમાં જોડાય, ત્યાં પણ સારું પરફોર્મ કરે અને ચાર જ મહિનામાં તેની જીવનલીલા સંકેલાઇ જાય, અને તેનું કથિત કારણ એ સામે આવે કે તેના પર કામનો અસહ્ય બોજ હતો તે ચિંતા કરાવે તેવી વાત છે.
કહેવાય છે કે જો જે સારું કામ કરે તેનો પુરસ્કાર વધારે કામ જ હોય છે. આ વાત કોર્પોરેટ તેમજ સરકારી તંત્રમાં ખૂબ લાગુ પડે છે. જે વ્યક્તિ પોતાનું કામ સારી રીતે કરી જાણતી હોય અને જવાબદારી નિભાવી શકતી હોય તેને વધારે ને વધારે કામ મળ્યા કરે છે. વધારે કામ મળે તેનો વાંધો નહીં પરંતુ તેની સાથે સાથે શું મૌલિક અને મોરલ સપોર્ટ પણ મળી રહે છે કે કેમ? વધારે કામ કરતા કરતા વ્યક્તિ થાકે તેવા સમયે શું તેને એવું કહેનાર કોઈ છે કે ‘વાંધો નહિ, બે દિવસ આરામ કરી લે, ફરી આવ, રજા લઈ લે અને પછી ફરીથી આપણે કામે લાગી જઈશું’. જો એવું કહેનારું કોઈ ન હોય, વ્યક્તિ માનસિક રીતે થાકી ગઈ હોય, કામના બોજથી દબાઈ ગઈ હોય, ત્યારે પણ જો તેને એવું જ કહેવામાં આવે કે ‘આટલું કામ તો તારે પૂરું કરવું જ પડશે, પછી જ તું રજાનો કે આરામનો વિચાર કરજે’ તો શું થાય? આવા ક્લચરમાં, ઉપરી અધિકારીઓના આવા વર્તનથી વ્યક્તિને એવી ફીલિંગ આવે છે કે ‘મને માત્ર મશીન જ ગણે છે, મારી અંદરની વ્યક્તિને કોઈ જોતું નથી’. આવું થતા વ્યક્તિનું મોરલ તૂટી જાય છે, તેની માનસિક શક્તિ નબળી પડે છે અને પરિણામે ક્યારેક તે આકરા કદમ પણ ઉઠાવી લે છે.
વ્યક્તિ કામના બોજને કારણે, કાર્યસ્થળની પોલિટિક્સને કારણે જીવન ગુમાવી દે – ભલે પછી તે બીમારીથી થાય કે આત્મહત્યાથી – ત્યારે સમાજે જાગવાની જરૂર છે. એ દરેક મહત્ત્વાકાંક્ષી મેનેજર કે જે અશક્ય હોય તેવા ટાર્ગેટ પોતાની ટીમ સામે મુક્ત હોય, એ દરેક ચીફ એક્ઝેક્યુટીવ કે જેના માટે માત્ર ગ્રોથ અને સેલ્સના આંકડા જ મહત્ત્વ ધરાવતા હોય તેમને એ વાત કહેવી જોઈએ કે તેના માટે કામ કરતા લોકો જીવતા જાગતા માણસ છે, મશીન નથી જેની પાસેથી કામ લઇ લઈને એક્સેલશીટમાં અને પાવરપોઇન્ટમાં સફળતાનાં રિપોર્ટ અને પ્રેઝન્ટેશન તૈયાર કરવાના લક્ષ્ય તેઓ સેવી રહ્યા છે. એ દરેક મહત્ત્વાકાંક્ષી અને જલ્દીથી પ્રગતિ કરી લેવાની દોટમાં શામેલ થતા યુવાનોએ પણ ઝડપી દોડને બદલે લાંબી દોડ વિષે વિચારવું વધારે હિતાવહ છે.