‘અમે જીવનભર કમાઈને, બચાવી બચાવીને, આટલું ભેગું કરીને છોડી જઈએ છીએ.’ પોતાના બાળકોને આવું કહેતા માતા-પિતાને સાંભળ્યા હશે. વ્યક્તિગત રીતે કોઈ પોતાના બાળકો માટે જે કઈ પણ કરે, વારસો આપે, તેનાથી આવનારી પેઢીની જિંદગી સરળ બને છે. તેમને આર્થિક રીતે સવલત મળી જાય છે. પરંતુ જો પ્રશ્ન વ્યક્તિ વિશેષ અંગે ન હોય અને પેઢી – જનરેશન વિષે હોય તો એ બાબત સમજવી જરૂરી છે કે શું આપણે આવનારી પેઢીને કઈ આપીને જઈ રહ્યા છીએ કે તેના ભાગનું છે તેમાંથી કૈંક લઈને જઈએ છીએ?
ભાવિ પેઢી પ્રત્યે આપણી જે ફરજ બને છે તે માત્ર પૈસા ભેગા કરીને આપવાની નથી. વાસ્તવમાં તો પૈસા એ માનવીએ બનાવેલી એક મૂલ્યહીન વસ્તુ છે. તેનું વાસ્તવિક મૂલ્ય કઈ જ નથી. જો તેના પરથી રિઝર્વ બેન્કની ગેરંટી હટી જાય તો તે માત્ર કાગળના ટુકડા બનીને રહી જાય. જે વાસ્તવમાં મૂલ્યવાન છે તે છે જમીન, હવા, પાણી, પર્યાવરણ, પશુ-પક્ષીઓ અને જગલો જેવી કુદરતી સંપત્તિ. આ એવી સંપત્તિ છે જે આપણે બનાવતા નથી. તે કુદરતે બનાવી છે અને તેના નિયતક્રમ પ્રમાણે ચાલ્યા કરે છે. આપણે તેમનો ઉપયોગ કરીને ખરેખર તો ભાવિ પેઢીના હકનું લઇ રહ્યા છીએ. તેમાંથી જો થોડાક સિક્કા અને નોટો બનાવી લઈએ તો શું તે ખરેખર આપણે ઉપયોગમાં લીધેલા કુદરતી સ્ત્રોતોના મૂલ્યની ભરપાઈ કરી શકે?
આપણે ભાવિ પેઢી માટે પ્રદુષિત હવા છોડી જઈએ છીએ. પાણીની તંગી, પીવા લાયક ન હોય તેવું પાણી, ક્લાઈમેટ ચેન્જનો માથે મંડરાતો ખતરો, કેટલીય લુપ્ત થયેલી પ્રજાતિઓ અને વૃક્ષ વિહોણી થઇ રહેલી પૃથ્વી. આ બધું આપણે આવનારી પેઢી માટે છોડી જઈએ છીએ. જમીનના પેટાળમાંથી ખનીજો ખોદી લઈને, સમુદ્રના તળિયેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ ખેંચી લઈને આપણે જે પૈસા ઉભા કર્યા છે તેનાથી આ કુદરતી સંસાધનો તો ખરીદી નહિ જ શકાય. આ વિચાર આપણા મનમાં ત્યારે આવતો નથી જયારે આપણે એવું માનીએ છીએ કે આવનારી પેઢીને આપણે કઈક આપીને જઈ રહ્યા છીએ.
વાસ્તવમાં તો આપણે આવનારી પેઢીના હકનું છીનવી લીધું છે. આપણે તેમના માટે સંપત્તિ છોડીને નથી જઈ રહ્યા પરંતુ તેમને માથે દેવું મૂકી રહ્યા છીએ. આ એવું દેવું છે, એવી ખાદ્ય છે જે તેઓ આપણે છોડેલા પૈસાથી ક્યારેય નહિ ભરી શકે. આપણે જે રીતે પર્યાવરણને પ્રદુષિત કર્યું છે, હવા અને પાણીમાં પ્રદૂષકો ઉમેર્યા છે તેને દૂર કરવા લગભગ અશક્ય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર તો સમુદ્રના પાણીમાં એટલું પ્લાસ્ટિક અને પ્રદુષણ ઠલવાયું છે કે તેને દૂર કરવું મુશ્કેલ છે. આ બોજ, દેવું આપણે ભાવિ પેઢીના માથે થોડી દીધું છે.
એવી દલીલ કરવાની કોઈ હિમ્મત ન કરે કે આ તો હંમેશા ચાલતું આવ્યું છે. પહેલાની પેઢીએ આપણેને જે આપ્યું તે જ અપને આગળની પેઢીને આપી રહ્યા છીએ. એ વાત સાચી નથી. વાસ્તવિકતા એ છે કે દરેક દશકે જેટલું પ્રદુષણ વધી રહ્યું છે તેટલું પહેલા નહોતું. ઔદ્યોગિક યુગની શરૂઆત અઢારમી – ઓગણીશમી સદીમાં થઇ અને ત્યાર પછી આપણે જેટલું પ્રદુષણ અને કુદરતી સ્ત્રોતોનું શોષણ કરતા રહ્યા છીએ તેમાં ઉત્તરોત્તર વધારો જ થયો છે. પૃથ્વીની વસ્તીમાં દર બાર વર્ષે લગભગ ૧ બિલિયન લોકો ઉમેરાય છે. તો તે વધારાનો ૧ બિલિયન લોકોનો વપરાશ અને ખપત જે રીતે આપણા માર્યાદિત સ્ત્રોતો પર પ્રેશર વધારે છે તેના માટે આપણી પેઢી જ જવાબદાર છે ને?
માટે, જો ભાવિ પેઢી માટે કઈ મૂકીને જવું હોય તો હજીયે સમય છે કે આપણે પર્યાવરણની રક્ષા કરીએ. વૃક્ષ વાવીએ. જીવનશૈલી સુધારીએ અને શક્ય હોય તેટલું ઓછું નુકશાન ધરતીમાતાને થાય તેવું જીવન અપનાવીએ. આ એક વ્યક્તિનું કામ નથી તેવું કહેનારા લોકોએ એટલું તો યાદ રાખવું જોઈએ કે તેમની પોતાની જ આવનારી પેઢી પણ આ નુકશાનનો શિકાર બનશે.