આપણને જાતે જ મુશ્કેલીઓ ઉભી કરીને પછી તેને ઉકેલવામાં મજા આવે છે. જેમ કે સીધું સાદું જીવન ચાલતું હોય ત્યારે આપણે કહીએ છીએ કે ‘બોરિંગ લાઈફ છે.’ આપણને નવી નવી ઉત્સુકતા જોઈતી હોય છે. આવી ઉત્સુકતાઓ અને ગૂંચવણોને સુલઝાવતા સુલઝાવતા આપણે જીવતા જઈએ ત્યારે આપણને એક પ્રકારનું સેટિસ્ફેક્શન મળતું હોય તેવું લાગે છે. માનવીના સ્વભાવમાં જ સરળ પસંદ કરવાનું વલણ નથી. તે હંમેશા કઈંક અલગ, નવું અને રોમાન્સ વાળું શોધતો હોય છે. સરળ ઉપદેશ આપણને માફક આવતા નથી. આપણને હાઈ લેવલની વાતો ગમે છે.

કોઈ આપણને કહે કે સાદું ભોજન જમવું, થોડોઘણો વ્યાયામ કરવો અને સારી ઊંઘ લેવી એટલે કોઈ જ રોગ નહિ થાય તો આપણે તેની વાતમાં વધારે રસ નહિ લઈએ. આપણને ખબર છે કે આ વાત સાચી છે પરંતુ તેમ છતાંય આપણને તે વાત સરળ હોવાને કારણે તેમાં રસ પડતો નથી. પરંતુ જો કોઈ આપણને રોજ ૧૧ પ્રકારના નુસ્ખાઓ અજમાવવાનું કહે તો આપણને લાગે છે કે આ જરૂર અસર કરશે. થોડું અલગ, થોડું હટકે, હોય તો આપણને તે કરવું ગમે છે કારણકે આપણને રસ પરિણામમાં નહિ પરંતુ પ્રોસેસમાં છે. માનવીને તંદુરસ્તીમાં રસ નથી, પરંતુ બીમારીના ઈલાજમાં ખુબ જિજ્ઞાસા છે. કેન્સર ન થાય તેની જાગૃકતા અંગે ભાગ્યે જ કોઈ માણસને સંશોધન કે કાર્ય કરવામાં રસ હોય છે પરંતુ કેન્સરનો ઈલાજ કરવાના ઉપાયો શોધવામાં કેટલાય વૈજ્ઞાનિકો લાગ્યા રહે છે. કેન્સર અટકાવવા માટે શું ન કરવું જોઈએ તેના અંગે આપણે ભાગ્યે જ સભાનતા કેળવીએ છીએ. આ વાત અન્ય રોગ માટે પણ સાચી છે.

કેવી રીતે પૈસાદર થવું તેના ૧૦૦ તરીકાઓ વર્ણવતો સેમિનાર કે પુસ્તક લોકો ઉત્સુકતાથી વાંચશે પરંતુ સીધીસાદી વાત કોઈ કહે કે જે કમાઓ તેમાંથી થોડું બચાવો અને તેને નિયમિત રીતે નિવેશ કરતા રહો તો આ સરળ વાત કોઈ સંભાળશે પણ નહિ અને અનુસરશે પણ નહિ. કોને એ વાત ખબર નહિ હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ મૂડીને અનેકગણી કરી આપવા સક્ષમ છે પરંતુ તેમ છતાંય કેટલા લોકો નિયમિત રીતે યુવાન વયથી બચત કરવાનું શિસ્ત કેળવી શકે છે? આપણને તો કોઈ જાદુ જેવી તરકીબ મળી જાય તો તેમાં રસ હોય છે, કેમ કે તે સરળ નથી, પેચીદી છે અને તે પરિણામ નહિ પ્રોસેસ રસપ્રદ છે.

જીવનમાં કેટલીય સમસ્યાઓ તો આપણે જાતે જ ઉભી કરતા હોઈએ છીએ. જાણતા હોવા છતાં પણ આપણે તેવા ખાડામાં પગ નાખીએ છીએ કે જ્યાંથી પાછો પગ કાઢવો મુશ્કેલ હોય. રિસ્ક લેવાના નામે આપણે જાતે જ સમસ્યાઓ વહોરી લેતા હોઈએ છીએ. જીવનમાં એડવેન્ચર તો હોવું જ જોઈએ કહેનારા લોકો જયારે સકંજામાં સપડાય છે ત્યારે તેમને લાગે છે કે આના કરતા તો સખણા બેસી રહ્યા હોત તો સારું થાય. પરંતુ તેમને જોઈને પણ બીજા લોકો એ વાત શીખતાં નથી. જે લોકો કહે છે કે શાંતિથી જીવવું હિતાવહ છે તેમને આપણે નિરસ અને કાયર ગણાવીએ છીએ. આપણને ન જોયેલી ગલીઓ ખૂંદવામાં વધારે મજા આવે છે અને જયારે ભૂલ પડીએ ત્યારે તેમાંથી કેવી રીતે બહાર આવ્યા તેની સ્ટોરીઝ ફ્રેન્ડ્સને સંભળાવવાનો જો આનંદ હોય છે તેના ખાતર જ આપણે જાણીતા રસ્તાઓ કરતા અજાણી ગલીઓમાં ભટકવાનું વધારે પસંદ કરીએ છીએ.

માનવીનો આવો સ્વભાવ જ તેનું જીવન રસપ્રદ બનાવે છે પરંતુ એ વાત તો નકારી શકાય તેમ નથી કે જીવન જેટલું સરળ અને આસાન છે તેના કરતા ઘણું વધારે ગૂંચવણવાળું આપણે જાતે જ બનાવીએ છીએ. જો જીવનમાં કોઈ સમસ્યા ન જોઈતી હોય તો કેવી રીતે જીવી શકાય તે આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ તે તરીકાઓ એટલા તો સરળ છે કે તે આપણને ગમતા નથી. વજન ન વધે એટલા માટે ભાતભાતની ડાયટ કરવાની જરૂર જ નથી. માત્ર જમવામાં નિયંત્રણ હોય તે પૂરતું છે, એ વાત કોણ નથી જણાતું? તેમ છતાંય ચરબી ઘટાડવાની દવાઓ, અલગ અલગ પ્રકારના પીણાં, ગોળીઓ કે પાવડર ખાનારા લોકોનો વર્ગ ખુબ મોટો છે અને તેમને કારણે જ કરોડો રૂપિયાની એ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. નહીંતર ઓછું અને પૌષ્ટિક ખાવાનો તરીકો તેમને પણ કામ લાગે તેવો જ છે ને?

Don’t miss new articles