પર્યાવરણની સુરક્ષા માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ૨૬ ગ્લાસગોમાં યોજાઈ રહ્યું છે. વિશ્વના ઘણા દેશના નેતાઓ આ કોન્ફરન્સમાં પર્યાવરણની સુરક્ષા માટે વાટાઘાટો કરશે. ચિંતાનો વિષય છે કે પૃથ્વીનું પર્યાવરણ જો આ રીતે જ પ્રદુષિત થતું રહેશે અને તાપમાન વધતું રહેશે તો આ ધરતી આપણા વસવાટને લાયક નહિ રહે. પ્રશ્ન એ છે કે શા માટે આપણે આ સ્થિતિએ પહોંચી ગયા કે ચિતવાણીના ડંકા વાગી રહ્યા છે? તેમ છતાં પણ શું આપણે આ વાતને ગંભીરતાથી લેતા શીખ્યા છીએ?
ખરેખર તો આ મનુષ્યના સ્વભાવની વાત છે. જો માનવી વિવેક વર્તતા શીખે તો કામ આસાન બની જાય પરંતુ આપણી લાલચ એવી તીવ્ર છે કે જ્યાં સુધી તળિયા સાફ ન થઇ જાય ત્યાં સુધી આપણે ખોદ્યા કરીયે છીએ. જમીનમાં પાણીના તળ ઊંડા ઊતરી ગયા તેટલું પાણી ખેંચ્યું, તળાવ સુકાઈ ગયા અને જંગલોનો નાશ થઇ ગયો તેટલું કુદરતી સંપત્તિનું શોષણ કર્યું. દરિયામાં અબજ હાથીના વજન જેટલું પ્લાસ્ટિક ભરી દીધું. જંગલ અને સમુદ્રની જૈવ સંપત્તિને ખતમ થવાના આરે પહોંચાડી દીધી. જમીનમાં રસાયણો નાખીને એટલું સત્વ ખેંચ્યું કે હવે પાકમાં થઈને તે શરીરમાં જઈને કેન્સર કરી રહ્યું છે. એટલો ધુમાડો છોડ્યો કે વાતાવરણનું સુરક્ષા કવચ એવું ઓઝોનસ્તર વીંધાઈ ગયું અને હવે સીધા સૂર્યના નુકશાનકારક તરંગો આપણને પીડાવી રહ્યા છે. આવા તો કેટલાય કુકર્મો આપણે કરી બેઠા છીએ જેનો હિસાબ લગાવીએ તો ખબર પડે કે આપણી વિકાસયાત્રા ખરેખર લાલચથી ભરેલી શર્મનાક સફર છે.
માનવીનો સ્વભાવ એ લાલચુ શેઠ જેવો છે જેની મુરઘી રોજ એક સોનાનું ઈંડુ આપતી હોય તો તેને સંતોષ ન થાય. તે એકસાથે બધા ઈંડા કાઢી લેવાની લાલચે મુરઘીને મારી નાખે અને પછી રોજ મળતાં ઈંડાથી હાથ ધોઈ બેસે. આવું જ આપણે કુદરતી સ્ત્રોતો સાથે કર્યું છે. ધીમે ધીમે કરીને આ ફળદ્રુપ ધરતી અને પર્યાવરણમાંથી મળતી સંપત્તિને માણીને સમૃદ્ધિની ધીમી પરંતુ મક્કમ ચાલ ચાલવાને બદલે આપણે એવી લોભની એવી આંધળી ડોટ લગાવી છે કે હવે શ્વાસ ભરાયો છે, પગ લથડી રહ્યા છે. અહીંથી આગળ કેટલું દોડી શકાશે, કેટલો સમય આ લૂંટ અને શોષણ ચાલુ રાખી શકાશે તે ગંભીર પ્રશ્ન સામે ઉભો થયો છે.
બીજી એક સ્વભાવગત સમસ્યા એ છે કે જયારે આપણે ઓછાથી ચલાવતા હોઈએ ત્યારે મન તેમાં સંતોષ પરંતુ હોય પરંતુ ધીમે ધીમે વધારે સંશાધનોની આદત પડે તે પછી તેના વિના કેવી રીતે જીવવું તે પણ ચિંતાનો વિષય બની જાય. આજે આપણે એવી ઘણી વધારાની સવલતો છોડવા તૈયાર નથી જેના વિના જીવન ચાલી શકે છે. તે આવશ્યક નથી પરંતુ આપણને તેમની આદત પડી ગઈ છે. તે આપણા સામાજિક દરજ્જાનો એક ભાગ બની ગઈ છે. તેમાં આપણે સમાધાન કરવા તૈયાર નથી. જીવનધોરણ નીચું આવી જશે તેવા ડરથી આપણે હજીયે તે બધી સુવિધાના વિકલ્પો શોધીએ છીએ પરંતુ તેના વિના ચલાવવાની કોશિશ કરતા નથી.
આપણા લાલચુ અને બેદરકારીભર્યા સ્વભાવની જ ખામી છે કે પર્યાવરણ અને સૃષ્ટિ આવી ગંભીર સ્થિતિમાં આવી ઉભી છે. બધી જ સરકારના પ્રતિનિધિઓ મળીને કંઈક નક્કી કરે અને એવી નીતિઓ ઘડે કે જેથી આ સ્થિતિ નિયંત્રણમાં આવે, જે નુકશાન થઇ ચૂક્યું છે તેમાં સુધારો થાય, પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય અને આવનારી પેઢીને આપણે સારું પર્યાવરણ આપીને જઈએ તેવી આશા રાખીએ. પરંતુ તેની સાથે સાથે આપણે સ્વભાવગત મર્યાદા પર વિજય પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ, વ્યક્તિગતસ્તરે આપણે કેટલું સરળ અને નૈસર્ગીક જીવન જીવી શકીએ તે જોવાની આપણી ફરજ છે.