થોડા દિવસ પહેલા ચીનના એક વિશ્વવિદ્યાલય – યુનિવર્સીટીમાં ચોંકાવનારી ઘટના સામે આવે. ત્યાંના એક વૈજ્ઞાનિકે કેટલાય ફરજી સંશોધનપત્રો બહાર પહેલા અને ખોટી રિસર્ચ રજુ કરેલી. તેમના હાથ નીચે પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું કે ન માત્ર એ પ્રોફેસર સાહેબે પોતાના રિસર્ચ પેપરમાં બીજા વૈજ્ઞાનિકોના સંશોધનોની ઉઠાંતરી કરી છે પરંતુ સાથે સાથે તેમને સૌને, એટલે કે વિધાર્થીઓને પણ તેમના સંશોધનના તારણો બદલવા માટે દબાણ કરેલું. વિગતની ચકાસણી કરીને યુનિવર્સીટીએ તે પ્રોફેસરને તો રવાના કરી દીધા પરંતુ આ ઘટના આપણા માટે કેટલાય પ્રશ્નો ઉભા કરે છે.

પ્રથમ પ્રશ્ન એ છે કે આપણા દેશમાં કેટલી રિસર્ચ થાય છે. દેશ નહિ, ગુજરાતની વાત કરીએ અને અહીં જ આપણી વાતને કેન્દ્રિત કરીએ તો આપણા ગુજરાતમાં કેટલા વિશ્વવિદ્યાલયોમાં સંશોધનને યોગ્ય સવલતો ઉપલબ્ધ છે? કેટલા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક કે અન્ય કોઈ પ્રકારના સંશોધનો હાથ ધરવા રાજી હોય છે? શું આ સંશોધનો માત્ર ડિગ્રી મેળવવા પૂરતા જ ઉપયોગી છે કે પછી તેમને આગળ વધારવા માટે, તેમનો સમાજમાં ઉપયોગ કેવી રીતે થઇ શકે તે માટે વિશ્વવિદ્યાલયો સાથે આપણા ઉદ્યોગો પણ કાર્યરત છે? આ એકેડમી-ઇન્ડસ્ટ્રી કોલોંબોરેશન પ્રસ્થાપિત કરવું બહુ મહત્ત્વનું છે. અને આખરે આપણે ત્યાં થતા સંશોધનોનું સ્તર કેવા પ્રકારનું છે?

આપણા ગુજરાતમાં બહુ ઓછા લોકો સંશોધન કરે છે, પ્રયોગો કરે છે અને કોઈ પ્રકારના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરે છે તે વાતથી આપણે અજાણ નથી અને તેના માટે ક્યાં કારણો જવાબદાર છે તેની પણ આપણને થોડીઘણી માહિતી તો છે જ. તેમ છતાંય આપણે આશા રાખતા હોઈએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો પણ કોઈ પ્રકારે આ ક્ષેત્રમાં પોતાનું નામ કરે અને યોગદાન આપે. પરંતુ તેવું કરવા માટે કેટલાય પ્રકારના સંશાધનોની આવશ્યકતા હોય છે અને જો તે પણ વૈજ્ઞાનિક, ઇજનેરી પ્રકારનું સંશોધન હોય તો ખર્ચ પણ ઘણો વધારે થતો હોય છે. ભાષા, સાહિત્ય, અર્થશાસ્ત્ર જેવા આર્ટ્સ કે સોશ્યિલ સાયન્સને લગતા વિષયોમાં સંશોધનનો ખર્ચ થોડો ઓછો હોય છે પરંતુ તેના માટે પણ માનવશ્રમ તો જોઈએ જ, કોઈનો પ્રયાસ અને સમર્પણ જોઈએ. તેના વિના તો આવા સંશોધનો પણ ન થઇ શકે.

સંશોધન કરવું એ ખાસ પ્રકારનો અને સતત શ્રમ માંગી લે તેવું કામ છે અને તે દરેક વ્યક્તિના હાથની વાત નથી. જ્યાં સુધી એક સંશોધક કે વૈજ્ઞાનિક માટે જરૂરી હોય તેવા ગુનો વ્યક્તિમાં ન હોય ત્યાં સુધી તેને કેટલીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, કેટલાય સંશાધનો આપવામાં આવે, અસરકારક રિસર્ચ થઇ શકતી નથી. આપણે ત્યાં રિસર્ચ કરનારા લોકોને માટે વિશેષ માન કે આદર પણ સમાજમાં પ્રવર્તતો નથી. જેટલી ઝંખના આજના બાળકોમાં ક્રિકેટર કે ફિલ્મસ્ટાર બનવાની છે તેના દશમાં ભાગની પણ ઈચ્છા તેઓ સંશોધન કે અભ્યાસ કરવા માટે ધરાવતા નથી તે પણ દુઃખની વાત છે. લોકોને ચમક-દમકની દુનિયામાં પ્રવેશીને તરત જ છવાઈ જવું છે, પોતાનું નામ કરી લેવું છે, સૌ તેના વખાણ કરે તેવું કૈંક હાંસલ કરી લેવું છે પરંતુ આ બધામાં ક્યાંય અભ્યાસ અને સંશોધનનો સમાવેશ થતો નથી. ઉપરાંત આજના આપણા સમજમાં દરેક વ્યક્તિનું એકમાત્ર લક્ષ્ય પૈસાદાર, અમીર બનવાનું છે, અઢળક ધન કમાવાનું છે. અને તે બાબતમાં ક્યાંય પણ સંશોધન, રિસર્ચ બંધ બેસતી નથી.

આપણે ત્યાં વિશ્વવિદ્યાલયો ભાગ્યે જ ઉદ્યોગો સાથે સંબંધ કે સંપર્ક ધરાવે છે. જેમ કે કોઈ ઉદ્યોગપતિને પોતાના કારખાનામાં બનતી કોઈ મશીનરીની ડિઝાઇન બદલીને એવી બનાવવી હોય કે તેમાં કાચો માલ ઓછો વપરાય અને મશીનનું વજન પણ ઘટી હોય તો તેના માટે તે યુનિવર્સીટીને રિસર્ચ કરવાનું કહે, તેના માટે ભંડોળ ઉપલબ્ધ કરાવે, તેવું બનતું નથી. યુકે, યુએસએમાં ઉદ્યોગપતિઓ ઘણીવાર પોતાને જે સંશોધન કરાવવાની જરૂર હોય તે વિશ્વવિદ્યાલયોને સોંપતા હોય છે જેથી કરીને આ સંશોધનનો ખર્ચ પણ ઓછો થાય અને વિશ્વવિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓને પણ પ્રોજેક્ટ મળે. જેમ કે યુકેમાં જેગુઆર લેન્ડ રોવર કંપનીએ પોતાના વાહનોમાં ક્લચને વધારે સ્મૂથ હળવો કેવી રીતે બનાવી શકાય તેના અંગે રિસર્ચ કરવાનું કામ કોવેન્ટ્રી યુનિવર્સીટીને આપેલું. આવો અભિગમ, એપ્રોચ આપણે ભારતમાં પણ લાવવાની જરૂર છે. સારી વાત એ છે કે ઘણીવાર આપણી આઈઆઈટી વગેરેમાં આ પ્રકારના કેટલાક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા હોય છે પરંતુ તે પૂરતા નથી. બીજી કોલેજોને પણ આવી તક મેળવી જોઈએ, વિદ્યાર્થીઓને એવું એક્સપોઝર મળવું જોઈએ જેથી કરીને તેમને ખબર પડે કે વાસ્તવમાં ઉદ્યોગોમાં કેવા પ્રકારની સમસ્યાઓ હોય છે જેને સુલઝાવતા શીખવું આવશ્યક છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન કાફી નથી તે વાત આપણે સૌ સમજીએ તો છીએ પરંતુ તેનો ઉપાય શું છે તે કદાચ જાણતા નથી અથવા તો જાણવા છતાંય તેનો અમલ કરી શકતા નથી.

કેટલાય લોકો જે આપણે ત્યાં પણ સંશોધન કરી રહ્યા હશે, તેમને તો આદર અને સમ્માન મળવું જ જોઈએ પરંતુ તેમની ક્ષમતા અનુસાર સંસાધનો પણ ઉપલબ્ધ કરાવવા જોઈએ. તેઓને સાચા હીરોનો દરજ્જો આપવો જોઈએ. તેમને સમારંભોમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવવા જોઈએ અને તેમના અનુભવો સાંભળવા જોઈએ અને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. તેમના કાર્યને જાહેરમાં બિરદાવું જોઈએ. જો એવું થશે તો જ આપણે ત્યાં પણ ભવિષયાત્મક દ્રષ્ટિ વિકસશે અને લોકોને તે ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા મળશે.