૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જાપાનમાં પહેલો કોવિડનો કેસ મળ્યો. ચીનના વુહાનથી પહેલા ત્રણ કેસ બહાર મળ્યા તે પૈકીનો એક આ હતો. તેના એક વર્ષ પછી ૧૫મી જાન્યુઆરી સુધીમાં લગભગ ૨૫ દેશોમાં કોવિદની વેક્સીનને મંજૂરી મળી ગઈ છે અને રસીકરણની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. ભારતમાં પણ ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ શરુ થઇ રહ્યું છે. લગભગ ૨૦૨૦નું આખું વર્ષ આર્થિક નુકશાન વાળું રહ્યું છે. મોટાભાગના દેશમાં અર્થતંત્રમાં ગાબડું પડ્યું છે અને આર્થિક વૃદ્ધિનો આંક નેગેટિવ કે નહિવત રહ્યો છે. આ સમયમાં અર્થશાસ્ત્રીઓએ અનેક આગાહીઓ કરી અને અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ ક્યારે અને કેવી રીતે શરુ થશે તેના અંગે પોતાના વિચારો આપ્યા. તેના સંદર્ભમાં કેટલાક નવા શબ્દો પ્રચલિત બન્યા, જેમ કે V શેપ રિકવરી, U શેપ રિકવરી વગેરે. રિકવરી એટલે અર્થવ્યવસ્થામાં ફરીથી વૃદ્ધિદર મજબૂત થાય તે. પરંતુ તેના અંગ્રેજી અક્ષરોના વળાંક સાથે સરખાવવાનો આ સિલસિલો અને અલગ અલગ રિકવરી શું છે જાણવું પણ રસપ્રદ છે

V શેપ રિકવરી એટલે અંગ્રેજીનાં મૂળાક્ષર V ના આકારની જેમ ઊંચાઇએથી તળિયે પટકાયેલી અર્થવ્યવસ્થા ઝાટકો મારીને ઉપર ઉછળે તેવી ધારણા. ટોંચથી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનો ગ્રાફ ટૂંકા સમયમાં નીચે ઉતારતો જાય ત્યારે તેનો આકાર V ના પહેલા લીટા જેવો બને. પછી જો એ તળિયાના દરે વધારે સમય રહ્યા વિના જ ઝડપથી, જેટલી જલ્દી પટકાયો હોય તેટલી જલ્દી ઊંચકાય તો તે V મૂળાક્ષરનો બીજો લીટો બનાવે તેવો ગ્રાફ દેખાય. આ પ્રકારની રિકવરીની આશા કેટલાય દેશોએ સેવેલી. જેમ ૧૯૧૭માં સ્પેનિશ ફલૂ આવ્યું ત્યારબાદ રોઅરીંગ ટ્વેન્ટીસ એટલે કે આર્થિક તેજીનો ૧૯૨૦નો દર્શક આવેલો તેવી આશા કોવિડ માટે રાખવામાં આવી હતી.

U શેપ રિકવરી એટલે જાણે કે ગ્રોથ રેટ ધડામ દઈને નીચે પટકાય અને પછી ત્યાં જ ઘણા સમય સુધી બેસી રહે. ઘણા પ્રયત્નો પછી રહીને ધીમેથી ઉપર આવે અને પછી તરત જ ઊંચકાય જાય તેવી રિકવરીને U શેપ રિકવરી કહેવાય છે.

L શેપ રિકવરી ખુબ નિરાશ કરે તેવી કલ્પના છે. તેમાં આર્થિક વૃદ્ધિ દર તૂટ્યા પછી ફરીથી ઊંચકાતો દેખાતો નથી. તેનો અર્થ એ થયો કે તેને ફરીથી રિકવર કરવામાં લાંબો સમય લાગશે અને તે ક્યારે થશે તેની આગાહી કરી શકતી નથી. આવું ત્યારે થાય ત્યારે કોઈ દેશ અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ પર આધાર રાખતો હોય અને તે પ્રવૃતિઓ પડી ભાંગતા હવે ફરીથી તે ક્યારે ઊંચકાશે તે કહી શકાય તેમ ન હોય.

K  શેપ રિકવરી એક નવો પ્રકાર છે અને અહીં સમાજશાસ્ત્રની સંલપના પણ શામેલ છે. તેના અનુસાર જે રીતે V  શેપ રિકવરીને કારણે સમાજનો એક વર્ગ ફરીથી વૃદ્ધિ તરફ આગળ વધે છે તેની સાથે સાથે બીજો એક વર્ગ ગરીબીમાં ધકેલાય જાય છે. સમાજમાં બે વર્ગો વચ્ચે આર્થિક તફાવત વધતો જાય અને ધનવાન લોકો વધારે ધનવાન બને જયારે ગરીબ લોકો વધારે ગરીબ થાય તેવી સ્થિતિ સર્જાય છે.

O શેપ રિકવરી ખરેખર તો રિકવરી જ નથી. તેમાં અર્થવ્યવસ્થા U શેપ રિકવરીની માફક પાછી પાટા પર ચકે કે કોવિડનો બીજો ઝાટકો લગતા ફરીથી નીચે પટકાય. એટલે ગોળ ગોળ ફર્યા કરે અને કોવિડના એક પછી એક વેવ આવ્યા કરે. આવી સ્થિતિ કેટલાય દેશોમાં થઇ ચુકી છે. એકાદ ત્રિમાહી દર નીચે ગયો હોય, કોવિડ ઓછો થતા લોકોના કામ ધંધા શરુ થાય અને ફરીથી બીજો વેવ આવતા તેઓ આર્થિક મંદીમાં ધકેલાય જાય તેવું બન્યું છે.

આવી અર્થશાસ્ત્રની સંકલ્પનાઓ પહેલા કોઈ કોઈ દેશ માટે અને તે પણ લાંબાગાળા માટે આવા અનુમાનો થતા. અત્યારે તો એક વર્ષના ટૂંકા સમયગાળામાં જ દરેક દેશોમાં કોઈને કોઈ પ્રકારના શેપની રિકવરીની અટકળો અને અનુમાનો લાગી રહ્યા છે. દરેક દેશનું અર્થતંત્ર ખોરવાયું છે અને તે કેવી રીતે ઉભું થશે તેના અંગે સરકારો ચિંતિત છે.

આપણી અંગત અર્થવ્યવસ્થા પણ ખોરવાઈ છે અને તે પણ કેવી રીતે રિકવર થશે તેનો વિચાર પણ કરવો જોઈએ. શું તમારી આવકમાં પણ ગાબડું પડ્યું છે? તો કેવી રીતે તે રિકવર થશે? તે ક્યાં શેપની રિકવરી હશે તેનો અંદાજ તમારે જ લગાવવાનો છે. 

Don’t miss new articles