જો તમારે આ ક્રિસ્મસ પર સાન્તા ક્લોઝ બનીને આખી દુનિયાને એક ગિફ્ટ આપવી હોય તો તમે શું આપો? આપણને સૌને ખ્યાલ છે કે ક્રિશ્ચિયન માન્યતા અનુસાર ક્રિસમસ પર સાન્તા ક્લોઝ સૌને ગિફ્ટ આપવા નીકળે છે. ૨૫ મી ડિસેમ્બરે ક્રિસમસ આવી રહી છે. ભારતમાં અને ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ લોકો નાતાલ ઉજવે છે અને ઉપહાર નું આદાન-પ્રદાન કરે છે. તો આ નાતાલ નિમિત્તે જો તમારે પણ મિત્રોને, પરિવારજનોને, અને તેનાથી પણ વિશેષ આખા વિશ્વને કોઈ ઉપહાર આપવો હોય તો તે શું હોઈ શકે?
એ તો શક્ય નથી કે તમે સૌને એક એક ઘડિયાળ લઈને આપો કે એક એક ટીશર્ટ લઈને આપો. વળી કદાચ સૌને ઘડિયાળ કે ટીશર્ટની આવશ્યકતા પણ ન હોય. તેમના માટે આવો ઉપહાર ઉપયોગી ન પણ હોય. તો તમારી પાસે એવું શું છે કે જે વિશ્વને અને તમને જાણતા અજાણતા સંપર્કમાં આવતા બધા જ લોકોને ઉપયોગી થઈ શકે? અને તે આપવાથી તમારા બજેટમાં પણ મોટો ખાડો ન પડે.
જીવનમાં લોકો તેમને મળેલ ઉપહાર અમુક સમયમાં ભૂલી જતા હોય છે. પરંતુ અમુક બાબતો તેમને હંમેશા યાદ રહે છે. જીવનના અનેક ચડાવ ઉતારમાંથી પસાર થઈને અનુભવ કરી ચૂકેલા લોકોના તારણો એવા છે કે સંપત્તિ અને સગવડ તો સુખ અને અહલાદકતામાં વધારો કરે જ છે પરંતુ તે એવું કશું નથી કે જે આપણને હંમેશા યાદ રહે અથવા તો તેની ગેરહાજરી હંમેશા ખલે.
જીવનમાં હંમેશા યાદ રહી જાય તેવું વ્યક્તિનું વર્તન હોય છે. તેનો સ્વભાવ હોય છે. આપણને કોઈના તરફથી ક્યારે શું ગિફ્ટ મળી એ તો ભુલાઈ જતું હોય છે. પરંતુ કોઈએ આપણી સાથે કેવી રીતે વ્યવહાર કર્યો, કોઈએ આપણી સાથે કેવું વર્તન કર્યું, તે હંમેશા યાદ રહે છે. માટે કદાચ વિશ્વભરને આપી શકાય તેવી આ ક્રિસ્મસની તમારી ગિફ્ટ તમારું સદવર્તન હોઈ શકે, તમારો સુવ્યવહાર હોઈ શકે. તેના માટે તમારે કંઈક એવું કરવું પડશે કે તે મારું વર્તન અને વ્યવહાર બધા જ લોકો માટે સારા બની રહે.
ક્રિસમસ પછી તરત જ નવું વર્ષ પણ આવે છે અને નવા વર્ષ નિમિત્તે આપણે ઘણા રિઝોલ્યુશન લેતા હોઈએ છીએ. નવા સંકલ્પ કરતા હોઈએ છીએ. તો આ વર્ષના નવા રિઝોલ્યુશન તરીકે પણ આવા સદવર્તન અને સુવ્યવહારને એક સંકલ્પ બનાવી શકાય. તેવું કરવાથી આવનારા વર્ષમાં તમે સૌની સાથે તમારું વર્તન સૌમ્ય અને સહકારપૂર્ણ બનાવી શકશો. તમારી સૌહાર્દતા સૌની સાથે વધશે. તમે લોકો સાથેના સંબંધો સુધારી શકશો અને ઘર્ષણ ઘટાડી શકશો.
ત્યારબાદ જ્યારે પણ તમે કોઈને મળશો અને આ પ્રકારનો ઉપહાર આપશો તો સૌ લોકો તમને યાદ કરશે અને તમારી સાથે રહેવાનું પસંદ કરશે. તમારી લોકો સાથેની વાત કરવાની અને મળવાની સ્કિલ સુધરશે. સંબંધો વધારે બહેતર બનશે અને તેમાં ગરીમા પણ જળવાઈ રહેશે.
તો આવનારા વર્ષ માટે આ ક્રિસ્મસથી શરૂ કરીને સૌને તમારા સદવ્યવહારનો ઉપહાર આપો. સુવ્યવહારનું ગિફ્ટ આપો. તેનાથી તમારા વિશ્વ સાથેના, લોકો સાથેના સંપર્કમાં અને સંસર્ગમાં ઘણું પરિવર્તન જોવા મળશે. તમને સમજાશે કે તેનાથી વધારે સારી બીજીકોઈ ગિફ્ટ તમે કોઈને ન આપી શકો.