થોડા દિવસ પહેલા કોઈએ પૂછ્યું, ‘એક વ્યક્તિ તરીકે હું તમને કેવો લાગુ છું?’ તેમની થોડી પ્રસંશા કરતા મેં જવાબ આપ્યો કે તમે ખુબ સારા છો, વગેરે વગેરે. પરંતુ ફરીથી એ જ પ્રશ્ન કે દેખાવ કે સ્વભાવ નહિ, પરંતુ એક વ્યક્તિ તરીકે મારા વિષે તમારો અભિપ્રાય શું છે? ત્યારે થોડું તેમના સામાજિક જીવન અને વ્યાવસાયિક જીવનની સિદ્ધિઓ અંગે કહ્યું. પરંતુ તેનાથી પણ સંતોષ ન માનીને ફરીથી તેઓએ પૂછ્યું કે તે પણ નહિ. હવે મારા માટે આ પ્રશ્નનો જવાબ આપવો અઘરો થઇ પડ્યો. કોઈ તમને પૂછે કે તેના વ્યક્તિત્વ અંગે તમે મૂલ્યાંકન કરો તો કેવી રીતે કરશો? દરેક માણસ વ્યક્તિત્વના અનેક પાસા ધરાવે છે જેમાં તેની આંતરિક અને બાહ્ય પર્સનાલિટીનો સમાવેશ થાય છે.

જો આપણે જવાબ આપીએ તો શું આપીએ? તેના પહેરવેશ અને દેખાવ વિષે કહીએ? તેના વ્યવસ્થિત કે અવ્યવસ્થિત પોશાક અંગે વર્ણન કરીએ કે તેના વાળ અને રંગ વિષે કઈ કહીએ? કે પછી તેના શિક્ષણ, વાંચન, વિચારશક્તિ અથવા તો ભલમનસાઈ વિષે કોઈ ટિપ્પણી કરીએ? શક્ય છે તેના વ્યાવસાયિક જીવન અંગે પણ કોઈ વિચાર મનમાં આવે. તેની સફળતા કે નિષ્ફળતા, તેની વચનબદ્ધતા કે પોતાની વાતનું જ પાલન ન કરવાની આદત અંગે કોઈ વિચાર આવે, પરંતુ શું આ બધું કોઈ વ્યક્તિની સંપૂર્ણતાને નિરૂપવા પૂરતું છે? શું વ્યક્તિ તેનું શરીર, તેનું શિક્ષણ, તેની લાગણી કે તેનો સામાજિક મોભો છે કે પછી આ બધાથી ઉપર, આ બધાથી પરે કૈંક બીજું જ અસ્તિત્વ ધરાવે છે?

વ્યક્તિનું સંપૂર્ણ નિરૂપણ શું હોઈ શકે? તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ શું હોઈ શકે? આ પ્રશ્નો આપણને ઉપરછલ્લા અર્થઘટનથી દૂર લઇ જાય છે અને દાર્શનિક દિશામાં દોરે છે. ‘તમે ખુબ સારા વ્યક્તિ છો. તમારું હૃદય કોમળ છે. તમે સૌને મદદરૂપ થાઓ છો. તમારી પર્સનાલિટી પ્રભાવશાળી છે.’ જેવા જવાબથી આગળ વધીને આપણને વ્યક્તિના સર્વાંગી અસ્તિત્વ અને બંધારણ અંગે વિચારવા તરફ પ્રેરતો આ પ્રશ્ન ઘણો સમય માંગી લે તેવો છે.

બીજું કોઈ કેવું પણ હોય, પરંતુ તમે તમારી જાતનું એક વ્યક્તિ તરીકે કેવું મૂલ્યાંકન કરો છો? કેવી રીતે તમે પોતાના વ્યક્તિત્વનું નિરૂપણ કરશો? શું તમારા માટે પોતાનો દેખાવ વધારે મહત્ત્વનો છે કે પછી તમારી સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ? કે પછી તમારી તેજ યાદશક્તિ કે ધારદાર વાકછટા? શું તમે પોતાની જાતને પોતાના માયાળુ સ્વભાવથી કે પછી તીક્ષ્ણ બુદ્ધિથી મૂલવો છો? આ બધું જ તમે છો તેમ છતાંય તમે આ બધાથી કૈંક વધારે છો એ વાત તો જાણો જ છો ને? એક ઈમ્પ્રેસીવ પર્સનાલિટી ધરાવનાર તમે તેનાથી વધારે છો. કોલેજમાંથી ડોક્ટર કે વકીલની ડિગ્રી મેળવીને તે વ્યવસાયમાં માહેર બનેલ તમે ભલે સમાજમાં એક ડોક્ટર કે વકીલ તરીકે ઓળખાતા હોય પરંતુ તેના વિના પણ તમે તો તમે જ છો અને તેનાથી ઘણું વધારે છો એ વાતની યાદ તમે પોતાની જાતને કેટલી વખત આપવો છો?

ક્યારેક એવું બને છે કે આપણે આવા સામાન્ય પ્રશ્નને કારણે જીવનના ગહન અર્થ અંગે વિચાર કરીએ? પોતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વને સર્વાંગીપણે ઓળખવાની કોશિશ કરીએ? ભાગ્યે જ આપણે આ પ્રકારની તકલીફ પોતાના મગજને આપતા હોઈશું, છે ને? પરંતુ આજે જયારે વાત નીકળી છે તો ઊર્ધ્વગમન કરવા ઇચ્છનારા આપણે સૌએ આ સપ્તાહાંતનો થોડો સમય આ વિચારને જરૂર વાગોળવો જોઈએ અને આપણી હાજરીમાં અને ગેરહાજરીમાં લોકો આપણને કેવી રીતે મુલવશે તેનું પરીક્ષણ કરવું જોઈએ. આપણે પોતે પણ પોતાની જાતને કેવી રીતે મૂલવવા ઇચ્છીએ છીએ અને તેવી રીતે મૂલવી શકીએ તેમ છીએ કે કેમ તે પણ નક્કી કરવું જોઈએ.

તો આ અઠવાડીએ એક વ્યક્તિ તરીકે તમે કેવા છો તે વાત વિષે જરૂર વિચારશો અને પોતાનું તારણ કાઢશો.

Don’t miss new articles