ભારતે હમણાં નવી શિક્ષણનીતિ જાહેર કરી અને તેને અમલી બનાવવાનો નિર્દેશ કર્યો છે. શિક્ષણ સૌના વિકાસમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તેનો અંદાજ આપણને જીવનભર આવતો નથી. બાળપણમાં જે લોકો ભારતમાં ભણ્યા તે સૌ જાણતા હશે કે પુસ્તકિયું જ્ઞાન આપણા માટે કેટલું અનિવાર્ય હતું. ઇંગ્લેન્ડની કે બીજા વિકસિત દેશોની શિક્ષણ પદ્ધતિ જુઓ તો તે થોડી અલગ પ્રકારની હોય છે તે સ્પષ્ટ જણાઈ આવશે. એ જ કારણ છે કે ભારતના ધનવાન અને પહોંચેલા લોકોના બાળકો કોલેજ કરવા વિદેશ જતા હોય છે.

પ્રશ્ન એ છે કે શું આપણે પોતાની શિક્ષણનીતિ કે પદ્ધતિ જ એવી ન બનાવી શકીએ કે વિશ્વના સારા પરિબળોનો તેમાં સમાવેશ થાય? આ પ્રશ્નના જવાબમાં એક બીજો પ્રશ્ન એ ઉઠે છે કે એવા ક્યાં પરિબળો છે જે સારા શિક્ષણમાં સમાવિષ્ટ હોવા જોઈએ? આપણે જયારે આદર્શ શિક્ષણની વાત કરીએ ત્યારે એ બાબત પણ સ્પષ્ટ કરી લેવી જોઈએ કે માત્ર વિદેશી કે પશ્ચિમી હોય એટલે સારું હોય તેવું નથી. ઘણી બાબતો ભારતમાં સારી હોઈ શકે અને કેટલીક ખૂબીઓ વિદેશથી પણ લઇ શકાય. આ રીતે સારાનો સમન્વય કરીને જો આપણે શિક્ષણ પદ્ધતિને બદલવા ઇચ્છીએ અને સૌને સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન કરીએ તો કેવું સારું?

આદર્શ શિક્ષણમાં શું શું હોવું જોઈએ? આ બાબતે સૌના અભિપ્રાયો અલગ હોઈ શકે પરંતુ તેમ છતાં તેના અંગે વિચાર કરવા જેવો છે. કેટલાક વિચારો મારા મનમાં આવે છે તે નીચે રજુ કરું છું. વધારે વિચારીને કે વાંચીને થોડી ભેજામારી કરવી હોય તો કરી શકાય!

શું શિક્ષણ માત્ર બાળક માટે જ હોય છે? આ બાબત સૌએ વિચારવા જેવી છે. શાળા અને કોલેજમાં જતા બાળકો જ શિક્ષણ મેળવે છે? ખરેખર તો શાળા કે કોલેજનું શિક્ષણ ભાગ્યે જ પ્રત્યક્ષ રીતે આપણા જીવન વ્યવહારમાં ઉપયોગી બને છે. ઘણું ખરું તો આપણે શાળા અને કોલેજની બહાર જ શીખીએ છીએ ને?

એકવાર નોકરી મળી ગઈ એટલે શિક્ષણ પૂરું થઇ ગયું? શિક્ષણનો ઉદેશ્ય આજીવિકા ઉપાર્જન છે કે વ્યક્તિત્વ વિકાસ? સામાન્યરીતે બધા જ દેશોમાં પ્રોફેશનલ કોર્સને મહત્વ મળે છે. ઈજનેર, ડોક્ટર કે વકીલનું મહત્ત્વ વધારે હોય છે. તેના શિવાય ખરેખર શિક્ષણ આપણા માટે કેટલું મહત્ત્વનું છે તેના અંગે પણ શું આપણી શાળાઓ અને કોલેજોમાં વિચારવામાં આવે છે? શું પ્રોફેશનલ સ્કિલની સાથે સાથે લાઈફ અને સોશ્યિલ સ્કિલ્સ પણ શીખવવામાં આવે છે?

સમાજ વ્યવસ્થા જાળવવા શિક્ષણ ઉપયોગી બની શકે?  સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શિક્ષણ સુધારવાથી સમાજ સુધરે કે કેમ? માત્ર વ્યક્તિને માહિતી આપવાનો ઉદેશ્ય જ જો શિક્ષણ વ્યવસ્થા પૂરો કરતી હોય તો તે તો આજના જમાનામાં ઇન્ટરનેટ દ્વારા ખુબ વધારે સારી રીતે અને ઝડપથી થઇ શકે. જ્ઞાન અને માહિતીનો તફાવત સમજવો જરૂરી છે અને તેના અંગે શિક્ષણનીતિ પૂરતું ધ્યાન રાખે તે પણ આવશ્યક છે.

આ ઉપરાંત પણ કેટલીક બાબતો વાંચકોના મનમાં આવી હશે, જેમ કે શિક્ષણ સરકારી હોવું જોઈએ કે ખાનગી? શું શિક્ષણનો ખર્ચ વ્યક્તિએ જાતે કરવાનો કે સરકારે આપવાનો? શિક્ષણને વ્યવસાય તરીકે ગણાવી શકાય કે સેવા તરીકે? શિક્ષણ અને તેની ડિગ્રી અંગે પણ લોકોમાં મતભેદ હોઈ શકે. જેમ કે સરકારે ડિગ્રીનું નિયંત્રણ કરવું જોઈએ કે નહિ? ફ્રી-એજ્યુકેશનને કેટલું સ્વીકારી શકાય? કેટલાય વૈજ્ઞાનિકો તો શાળાની બહાર રહીને જ ભણ્યા અને તેમ છતાંય તેમણે કેટલાય શંસોધનો કર્યા છે. તો શું આ પ્રકારના શિક્ષણને પણ માન્યતા આપવી કે કેમ?

આ સપ્તાહ દરમિયાન મગજના ખોરાક તરીકે શિક્ષણપ્રથા અંગે થોડું વિચારજો. 

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *