માનવ જીવનની સમૃદ્ધિ કેવી રીતે નક્કી થાય? તેને કમાયેલા પૈસાથી? ખરીદેલી જમીનથી? એકઠી કરેલી સંપત્તિથી? તેણે જીવન દરમિયાન બાંધેલા સંબંધોથી? કે પછી સમાજ માટે કરેલા કાર્યોથી? અલગ અલગ વ્યક્તિઓના મંતવ્યો અલગ હોઈ શકે અને સૌ પોતપોતાની સમજણ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ આપી શકે. કોઈ કદાચ વ્યક્તિએ મેળવેલા જ્ઞાન અથવા તો તેની આધ્યાત્મિક સિદ્ધિને પણ તેની સમૃદ્ધિ ગણાવી શકે. આ પૈકી એકેય જવાબ તદ્દન ખોટો પણ નથી અને સંપૂર્ણ અર્થમાં સાચો પણ નથી. કેમ કે આખરે આજે આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છીએ, કોરોનાની અસર અને હોસ્પિટલ બહાર લાગેલી એમ્બ્યુલન્સની લાઈન આપણને આ પ્રશ્ન પૂછવા મજબુર કરે છે કે શું ખરેખર આપણે સમૃદ્ધ છીએ ખરા?

આપણી સમૃદ્ધિ આપણા ઘરમાં રાખેલા મોંઘા ફર્નિચરને કહેવી કે બહાર પાર્ક કરેલી લક્ષરી કારને? જો આપણું ઘર સુંદર અને મોટું હોય પરંતુ જે મહોલ્લામાં રહેતા હોઈએ તેની શેરીની સડક ખાડાવાળી હોય અને તેમાં પાણી ભરાયેલા રહેતા હોય, ગંદકી ફેલાયેલી રહેતી હોય તો એ ઘરની કિંમત ઘટે છે ને? આપણે જે ઘરમાં રહેતા હોઈએ તે જ નહિ પરંતુ પુરી સોસાયટી સારી હોય તો જ સમૃદ્ધિ દેખાય છે. તેવી જ રીતે આપણે પોતે, વ્યક્તિગત રીતે કેટલાય લાગવગ ધરાવતા હોઈએ, કેટલીય પહોંચ કે ઓળખાણ રાખતા હોઈએ પરંતુ એક સમાજ તરીકે આપણા સંસાધનો માર્યાદિત હોય, આપણા રીસોર્સીસ લિમિટેડ હોય તો કેવી રીતે આપણે જરૂર વખતે તેમનો ઉપયોગ કરી શકીએ? આજે આપણી સામે જે સ્થિતિ આવી ઉભી છે તે કૈંક આવું જ સૂચવે છે. પુરા વિશ્વમાં હથિયારોની માત્ર એટલી છે કે આપણે પુરી જીવસૃષ્ટિનો એકવાર નહિ પરંતુ અનેકવાર ખાતમો બોલાવી શકીએ. પરંતુ આપણા આરોગ્યને લગતા, માનવીને બચાવવાના સંસાધનો અને સગવડો માર્યાદિત નીવડી છે. ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં આરોગ્યનું બજેટ તેના સુરક્ષા બજેટ કરતા વધારે હશે.

ભારતનું વર્ષ ૨૦૨૦-૨૧નું કેન્દ્ર સરકારનું આરોગ્ય બજેટ ૯૪,૪૫૨ કરોડ હતું જયારે આ સમયે સુરક્ષા બજેટ ૪.૭૧ લાખ કરોડ હતું. એટલે કે આપણે આરોગ્ય માટે જેટલા પૈસા ફાળવીએ છીએ તેના કરતા પાંચ ગણા વધારે પૈસા સુરક્ષા બજેટમાં વાપરીએ છીએ. જો કે આ કોરોનાને કારને આ વર્ષે સરકારે આરોગ્ય બજેટને બમણા કરતા પણ વધારે કરી દીધું છે. ૧૩૭%ના વધારા સાથે સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૨.૨૩ લાખ કરોડની ફાળવણી આરોગ્ય માટે કરી છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ફાળવવામાં આવતા બજેટ આ રકમમાં વધારો કરે છે. જે તે રાજ્યસરકાર કેટલા પૈસા આરોગ્ય ક્ષેત્રે ફાળવે છે તે પણ ખુબ મહત્ત્વની વાત છે અને કેટલીય રાજ્યસરકારમાં આરોગ્ય ક્ષેત્રની ફાળવણી ઓછી હોય છે.

સરકારને પોતાની પ્રાથમિકતા નક્કી કરવા માટે કેટલીય બાબતોનો ખ્યાલ રાખવો પડતો હોય છે પરંતુ વ્યક્તિ તરીકે આપણે પોતાના આરોગ્ય માટે અને સ્વાસ્થ્ય માટે કેટલા પૈસા અને નાણા ફાળવીએ છીએ તે પણ અગત્યનો પ્રશ્ન છે. સીધો પ્રશ્ન એ કરીએ કે શું આપણે પાણીપુરી કે પિઝા ખાવામાં જેટલો ખર્ચ કરીએ છીએ તેટલો ખર્ચ લીલા શાકભાજી અને ફળ જેવા પૌષ્ટિક આહારમાં કરીએ છીએ? જેટલા પૈસા મહિને ટીવી અને નેટફ્લિક્સના ખર્ચીએ છીએ તેટલા જિમમાં ખર્ચીએ છીએ? જેટલો સમય ટીવી જોવામાં અને વોટ્સએપમાં વાપરીએ છીએ તેટલો સમય આરોગ્ય માટે આપીએ છીએ? શરીર અને મનના સ્વાસ્થ્ય માટે, વ્યાયામ કરવામાં પૂરતો સમય ફાળવીએ છીએ?

આવા પ્રશ્નો આજે નહિ પૂછીએ તો ક્યારેય તેનો જવાબ નહિ મળે. જો આજે આપણા વ્યક્તિગત સ્તરે આવી બાબતોનો સંતોષકારક નિકાલ કરીને આગળના જીવન માટે નિર્ણય નહિ કરીએ તો ફરીથી ક્યારેય આવી તક નહિ મળે. આજે સોશ્યિલ મીડિયા પર ફરતા એમ્બ્યુલન્સની લાઈન લાગી હોય તેવા વિડિઓ, કેટલાક પ્રકારની દવાની અછતને કારણે સોશ્યિલ મીડિયામાં ફરતી અપીલ અને રીકવેસ્ટ્સ – આ બધું આપણા માટે ચેતવણીનો આખરી ઘંટ છે. એક વર્ષથી વધારે સમયથી આખું વિશ્વ આ મહામારીથી ઝઝૂમી રહ્યું છે પરંતુ આપણી લાઇફસ્ટાઇલ, આપણી પ્રાથમિકતા અને આપણા એટિટ્યૂડમાં કેટલું પરિવર્તન આવ્યું છે તે પણ એકવાર ચકાસવા જેવી બાબત છે.