દરેક વ્યક્તિ માટે પ્રેમની પરિભાષા અલગ છે. વ્યક્તિ પ્રેમની પોતાની વ્યાખ્યા કરે છે. કોઈને માટે પ્રેમ એટલે માત્ર પોતાના જીવનસાથી માટેની લાગણી. કોઈને માટે શારીરિક સુખ. કોઈને માટે માતા-પિતા કે ભાઈ-બહેન સાથેની લાગણી. તો કોઈને માટે પ્રેમ એટલે ભ્રમ. આ રીતે અલગ અલગ પ્રકારે પ્રેમને જોનારા લોકો પોતાના મત અનુસાર જ પ્રેમ કરી શકે છે. જેના માટે પ્રેમ એટલે પરિવારજનો સાથેનો લાગણીભર્યો પરંતુ રોમાન્સ વિનાનો સંબંધ હોઈ શકે તે પોતાના જીવનસાથી સાથે પણ એવા પ્રકારનું વર્તન કરી શકે – સુગમ અને સહકારપૂર્ણ પરંતુ રોમાન્સ ખાસ ન હોય તેવું. જે વ્યક્તિ માટે પ્રેમ એટલે શારીરિક સુખ હોય તે વ્યક્તિ જ્યાં સુધી આવો સહવાસ ન પામે ત્યાં સુધી સામેવાળી વ્યક્તિના પ્રેમને ઓળખી શકતો નથી.

તમારા માટે પ્રેમ શું છે? ક્યાં પ્રકારના સંબંધને તમે પ્રેમ માનો છો? શું કોઈપણ વ્યક્તિ સાથેની સૌહાર્દપૂર્ણ લાગણી તમારા માટે પ્રેમ છે? કે પછી પ્રેમ એટલે જેમાં રોમાન્સ અને શારીરિક સુખ શામેલ હોય તેવો સંબંધ છે? શું તમે પ્રેમ અને શારીરિક સુખને અલગ કરીને જોઈ શકો છો? શું તમને પ્રેમમાં વિશ્વાસ જ નથી? આવા અનેક પ્રશ્નો હોઈ શકે જેનો ઉત્તર તમે શોધો ત્યારે તમને સમજાશે કે પ્રેમ તમારા માટે શું મહત્ત્વ ધરાવે છે. વ્યક્તિ પોતાના જીવનમાં પ્રેમને ઓળખે એ આવશ્યક છે. પ્રેમને કારણે જીવન મધુર બને છે, રોમાંચક બને છે, જીવવાલાયક બને છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાની પ્રેમની પરિભાષા નિશ્ચિત ન કરે ત્યાં સુધી લાગણીના વમળોમાં ભટક્યા કરે છે.

જો આપણે પ્રેમને પ્રેમી-પ્રેમિકા વચ્ચેના સંબંધ તરીકે કલ્પીએ તો તેના અલગ અલગ તબક્કા હોય છે. બે સહચારી વ્યક્તિ વચ્ચે પ્રેમ ઉદ્ભવ્યો છે કે નહિ તે નક્કી કરવું આસાન નથી. કેમ કે પ્રેમના પણ અનેક તબક્કા હોય છે. આકર્ષણ, સમજણ, મૈત્રી અને પ્રેમ જેવા તબક્કાઓમાંથી તે પસાર થાય છે. એકબીજાને ગમવા જેવું થાય એટલે આકર્ષણનો તબક્કો શરુ થાય છે. જેની સાથે કલાકો સુધી ચેટ કરવી ગમે, વાતો કરવી ગમે, જેને જોઈને પેટમાં પતંગિયા ઉડે, જેની સાથે ફિલ્મોમાં જવું ગમે – તેવી વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ ઘણીવાર પ્રેમમાં ખપી જાય છે. આવું આકર્ષણ પ્રેમનો મજબૂત પાયો બની શકે, પરંતુ તે પ્રેમ હોય તે જરૂરી નથી. બીજો તબક્કો સમજણનો આવે છે જયારે બે વ્યક્તિ વચ્ચે સારી સમજણ સ્થાપિત થાય છે. આકર્ષણ બાદ બંને વ્યક્તિના સ્વભાવ, લક્ષ્યો અને જીવન મૂલ્યો અલગ હોય તો મતભેદ ઉભા થાય છે, દલીલો થાય છે અને ઝગડા થાય છે. આ સ્ટેજને પાર કરીને બે વ્યક્તિ વચ્ચે એકબીજાને સ્વીકારવા જેવી સમજણ ઉભી થાય છે ત્યારે તે બીજું સ્ટેજ બને છે. આ તબક્કો આવશ્યક છે કે સંબંધ ટકાવી રાખવા માટે. જો બે વ્યક્તિ વચ્ચે પારસ્પરિક સમજ ન કેળવાય તો તેઓ અલગ થઇ જાય છે. માત્ર આકર્ષણ તેમને જોડી રાખવા માટે પૂરતું નથી.

આકર્ષણ અને સમજણ બંને મળીને થોડા સમયમાં મૈત્રી ઉભી થઇ શકે. જરૂરી નથી કે દરેક પ્રેમ સંબંધ મૈત્રી સંબંધ પણ હોય, પરંતુ આ એવો પડાવ છે જ્યાં પહોંચીએ તો સંબંધ મજબૂત રીતે સ્થાપિત થઇ ગયો કહેવાય. ત્યારબાદ તેના તૂતવવાની શક્યતા બહુજ નહિવત હોય છે. મૈત્રીમાં એકબીજા પ્રત્યે આદર અને સમ્માનની ભાવના પણ હોય છે. એકબીજાને મદદરૂપ થવાની તૈયારી પણ હોય છે. પરિણામે સંબંધને ટકાવી રાખવાના બધા જ પાસા અહીં ઉપલબ્ધ હોવાથી સંબંધ જળવાઈ રહે છે. આખરે ઉદ્ભવે છે પ્રેમ. જેમાં આકર્ષણ, સમજણ, મૈત્રી, સમ્માન, આદર અને સાથે મહેનત, ખંત કરવાની, એકબીજાના દુઃખમાં ભાગીદાર થવાની, એકબીજા લક્ષ્યો હાંસલ કરવામાં મદદદરૂપ બનવાની ભાવના શામેલ હોય છે. આ રીતે ચોથા તબક્કે ઉદ્ભવતો પ્રેમ બહુ મજબૂત હોય છે અને તે સમય સાથે ઓસરતો નથી.

શું તમે પોતાના સંબંધોને ચકાસ્યા છે? ક્યાં સંબંધની તમે પ્રેમનું નામ આપી શકો તેમ છો?