દરેક વ્યક્તિ સમયે સમયે પોતાનામાં કંઈકને કંઈક ટ્રાન્સફોર્મેશન લાવવાની કોશિશ કરે છે. જે માણસ પોતાની પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન ન કરે તેનો વિકાસ રૂંધાય છે. જેમ બંધિયાર પાણીમાં સેવાળ થઈ જાય તેમ વ્યક્તિનું જીવન પણ કેટલીય આદતો અને બદીઓથી યુક્ત બને છે. ફરારી જેવી પાવરફુલ મનાતી ગાડી પણ જો ચલાવવામાં ન આવે તો અમુક સમયમાં કાટ ખાઈ જાય છે. જે કૂતરો દોડે નહીં તેના પગ વળી જાય છે અને આપણે તેને ચાપલો થઈ ગયો તેવું કહીએ છીએ. તેવી જ રીતે જીવનમાં પણ કંઈક નવું થતું રહે તે આવશ્યક છે નહીંતર આપણે પણ ફરારી જૈવિક ક્ષમતા હોવા છતાં કટાઈ જઈએ અને સમય આવે ત્યારે દોડી ન શકીએ એવું બને. 

તો હવે તમારો ટ્રાન્સફોર્મેશન એજન્ડા શું છે? તમે ક્યારેય વિચાર્યું છે કે જેમ વહેતા પાણી પર પાંદડું પડે અને જ્યાં પાણી લઈ જાય ત્યાં પહોંચી જાય તે રીતે સમય સાથે આપમેળે આવતા પરિવર્તનને કારણે બદલાતો માણસ કોઈ પોતાની નિર્ધારિત દિશામાં આગળ વધતો નથી. તેના માટે તો વ્યક્તિએ પોતે જ સચેત બનીને, વિચારપર્વક પોતાનો ટ્રાન્સફોર્મેશન એજન્ડા નિશ્ચિત કરવો પડે છે. જો કોઈ ટ્રાન્સફોર્મેશન એજન્ડા ન હોય તો આપણામાં અને પાણીના પ્રવાહ સાથે વહેતા પાંદડામાં કોઈ તફાવત નથી.

એક યુવાને પોતાનો ટ્રાન્સફોર્મેશન એજન્ડા નક્કી કરતા આવનારા ૧૦ વર્ષોમાં ૫ કરોડ કમાવાનો નિર્ધાર કર્યો. આઘુ પાછુ જોયા વિના તે લાગી પડ્યો મહેનત કરવામાં. ૧૦ વર્ષમાં એણે ૫ નહીં પરંતુ ૭ કરોડ બનાવી લીધા. પરંતુ ભૂલ એ કરી કે સમયે સમયે પોતાની પ્રગતિનો ક્યાસ કાઢવામાં અને આયોજનમાં સુધારા વધારા કરવામાં તેણે ૫ કરોડનાં ટાર્ગેટને ૨૫ કરોડમાં પરિવર્તિત કરી દીધો અને તેના માટે ૧૦ વર્ષનો સમયગાળો વધારીને ૧૫ વર્ષનો કરી દીધો. હવે જ્યારે ૧૫ વર્ષ પૂરા થયા ત્યારે તેની પાસે ૨૫ કરોડ તો હતા પરંતુ પોતાની રાતની ઊંઘ હરામ કરીને દિવસ રાત કરેલી મહેનતને કારણે તેનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયેલું. વળી તેને લગ્ન કરવાનો સમય ન મળેલો અને માતા-પિતા પણ તેની સેવા પામ્યા વિના જ સ્વર્ગે સિધાવી ગયેલા. 

અહીં ભૂલ માત્ર એટલી જ કે ટ્રાન્સફોર્મેશન એજન્ડા જીવનના બધા પાસાઓને આવરી લેનારો નહોતો. જ્યારે પરિવર્તન કરીએ ત્યારે સર્વમુખી પરિવર્તન થવું જોઈએ. જીવનના માત્ર એક પાસામાં થતી વૃદ્ધિ સમતોલ હોઈ શકે નહીં. માની લો કે એક બાળક જ્યારે મોટો થાય ત્યારે તેમના હાથ વધારે વૃદ્ધિ પામે પરંતુ પગની વૃદ્ધિ ઓછી થાય તો તેનું શરીર કેવું બેડોળ લાગે? તેવી સ્થિતિ જ્યારે આપણે પોતાના જીવનમાં સમતોલ વિકાસ આપનાર પરિવર્તન નિર્ધારિત ન કરીએ ત્યારે થાય છે. ૨૫ કરોડ કમાઈ લેનાર વ્યક્તિ જો પોતાનું આરોગ્ય ગુમાવી દે અને પરિવારને પણ ન પામે તો કદાચ તેના હાથ તો વૃદ્ધિ પામ્યા પરંતુ પગનો વિકાસ ન થયો હોવા જેવી સ્થિતિ ઊભી થઈ કહેવાય. 

તમે જ્યારે સપ્તાહમાં એક કે બે વાર સવારે કે સાંજે એકલા બેસીને પોતાના જીવનનું સરવૈયું કાઢતા હોય ત્યારે એક કોરા કાગળ પર ‘ટ્રાન્સફોર્મેશન એજન્ડા’નું મથાળું આપીને તેની નીચે પોતાના જીવનમાં કયા અને કેટલા પરિવર્તન લાવવા ઈચ્છો છો તે લખી લેજો. કાગળ પર લખેલી વાત મનમાં સકારાત્મકતાની સંજીવનીનું કામ કરે છે. કાગળ પર લખીને અને ડાયાગ્રામ બનાવીને કરેલા આયોજનો સફળ થવાની શક્યતાઓ વધારે છે. તમારા ટ્રાન્સફોર્મેશન એજન્ડામાં જીવનના મુખ્ય ચાર સ્તંભો એટલે કે આરોગ્ય, કારકિર્દી, પરિવાર અને આંતરિક સમૃદ્ધિને જરૂર આવરી લેજો. અમુક વાતો તો વ્યક્તિની અંગત પરિસ્થિતિ પર આધાર રાખે પરંતુ કેટલીક બાબતો દરેક મનુષ્યને લાગુ પડે છે. તેમનો સમાવેશ આપણે ટ્રાન્સફોર્મેશન એજન્ડામાં અવશ્ય કરવો જોઈએ. આ બાબતોમાં વ્યક્તિની શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્ય સામેલ છે. દરેક વ્યક્તિએ પોતાની અને પરિવારનાની સુખાકારી તથા સગવડ માટે સારી કારકિર્દી અને સામાજિક સ્થાન પ્રાપ્ત કરવા મહેનત કરવી જોઈએ. ઉપરાંત પરિવાર અને મિત્રો સાથે સમય અને નજીકના સંબંધો જાળવી રાખવાથી વ્યક્તિ સ્ટ્રેસથી બચે છે તથા પોતાની સગવડો અને સંસાધનોનો ખરો આનંદ માણી શકે છે. આ બધું થઈ જાય ત્યારે વ્યક્તિએ જીવનના કોઈપણ સ્તરે પોતાની આંતરિક સમૃદ્ધિ અને સુખાકારીને ભૂલવી જોઈએ નહીં. તેના માટે શોખ, વાંચન તેમજ અધ્યાત્મ ખૂબ મદદરૂપ બને છે. 

તો હવે જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત કોરા કાગળ કે ડાયરીમાં મથાળું આપજો ‘ટ્રાન્સફોર્મેશન એજન્ડા’ અને પછી ચાર સ્તંભ બનાવીને તેના હેઠળ ટૂંકાગાળાના, મધ્યમગાળાના અને લાંબાગાળાના લક્ષ્ય નિર્ધારિત કરી લેજો. જો આ એજન્ડાને વધારે સચોટ બનાવવો હોય તો તે દરેક લક્ષ્ય કેવી રીતે હાંસલ કરી શકાય અને તેના માટે શું પ્રયત્ન કરવા પડશે તેની વિગત પણ લખી શકો. ટ્રાન્સફોર્મેશન એજન્ડાનું જેટલું વિસ્તૃત વિવરણ તમે કાગળ અને કલમ દ્વારા કરશો તેટલી જ તેના પર અમલ કરવાની તમારી ઈચ્છાશક્તિ પ્રબળ બનશે.