તમારું સર્કલ કેવું હોવું જોઈએ? ક્યારેય વિચાર્યું છે કે તમારી આસપાસના લોકો તમારી સફળતા કે નિષ્ફળતામાં મોટો ભાગ ભજવે છે. માટે તમારા મિત્રવર્તુળમાં એવા લોકોનો સમાવેશ કરવો જોઈએ જે તમારી સફળતા માટે ઈંધણનું કાર્ય કરી શકે, નહિ કે સ્પીડ બ્રેકર બનીને તમારી ગતિ અવરોધે. તમારી સફળતા અને નિષ્ફળતાનો આધાર તમારી મહેનત અને તમારી આવડત પર જેટલો છે તેટલો જ, અને કદાચ તેના કરતા પણ વધારે તમારી કંપની, તમારા સર્કલ પર હોય છે. જે માણસ મિત્રો સારી રીતે પસંદ કરી જાણે તેને વધારે કૈંક કરવાની જરૂર રહેતી નથી.
આપણી આસપાસ જો નાસીપાસ થયેલા, હતાશ લોકો હોય, અને તેઓ દરેક વાતમાં ‘નહિ થાય’, ‘કેવી રીતે શક્ય બનશે?’ જેવા વિચારો કરતા હોય તો તેને કારણે તમારું કોઈ જ સાહસ સફળ ન થઇ શકે. તેમની વિચારસરણી અને ભાષા એવી હોય છે કે તે સાંભળીને લોકો ક્યારેય પ્રોત્સાહિત થઇ ન શકે. જેથી કરીને આવા વર્તુળમાં રહેનારા લોકોની માનસિકતા પણ એવી જ થઇ જાય છે. તમે તે સર્કલનો હિસ્સો હશો તો તમારી સફળતા પણ દૂર ધકેલાઈ જશે.
પરંતુ જો તમારા મિત્રવર્તુળમાં સકારાત્મક વિચારો કરનારા લોકો હશે, રિસ્ક લેનારા લોકો હશે તો તેમનાથી તમે પણ પ્રોત્સાહિત થશો. તમને હિમ્મત મળશે અને નવા સાહસ માટે તૈયાર થશો. સકારાત્મક વિચારોની અસર આપણા વર્તન પર પણ થાય છે. માટે, જે લોકો સકારાત્મક વિચારો કરે છે તેઓ બીજાને પણ સારા કામ કરવા માટે પ્રેરે છે. તેઓ હંમેશા સારું વિચારે છે. પરિણામ ગમે તે આવે પરંતુ તેનું સકારાત્મક અર્થઘટન કરી જાણે છે. એવું કરવાથી આપણે ભવિષ્યમાં પણ કોઈ કામ હાથમાં લેતા અચકાતા નથી.
જે લોકો સફળ થવા માંગતા હોય, સારું જીવન જીવવા માંગતા હોય તેઓએ હંમેશા પોતાનું સર્કલ સંભાળીને પસંદ કરવું જોઈએ. જે રીતે એક માછલી આખા તળાવને ગંદુ કરી શકે છે તેવી જ રીતે તમારા સર્કલમાં એકાદ વ્યક્તિ પણ જો પગ ખેંચનારી હશે, તમને નીચા દેખાડનારી હશે તો તમે ક્યારેય હિમ્મત નહિ કેળવી શકો, આત્મવિશ્વાસ નહિ કેળવી શકો, કારણ કે તમે જયારે પણ કૈંક સારું કરવાની કોશિશ કરશો ત્યારે તે વ્યક્તિ તમને ઉતારી પાડશે. તમને નીચા દેખાડશે. જો કોઈ વ્યક્તિ ડરપોક હશે તો તમે ક્યારેય સાહસ નહિ કરી શકો. રિસ્ક નહિ લઇ શકો. જો તમારા વર્તુળની વ્યક્તિઓ આળસુ હશે તો તમે પણ તેમના જેવા જ બની જશો. તમને પણ બધા કામ નકામા લાગશે. તમને મહેનત કરવાની ઈચ્છા થતી હશે તો પણ આળસુ લોકો તમને વાળશે. જો ઘમંડી લોકો સાથે રહેશો તો ઘમંડી બનશે અને જો તોછડા લોકો સાથે ઉઠસો બેસસો તો તમે પણ તોછડાપણું શીખી જશો.
વ્યક્તિ ક્યાં ટેબલ પર બેસે છે, કેટલો આગળ વધે છે, કેટલો સફળ થાય છે તે દરેક બાબત તેના સર્કલ પર નિર્ધારિત કરે છે. જે માણસ સારું સર્કલ બનાવી લે, સારા લોકો સાથે બેઠતા ઉઠતા શીખી જાય તેને આગળ વધતા કોઈ ન રોકી શકે. અને તેનાથી વિરુદ્ધ નકારાત્મકતા ધરાવતા, નાસીપાસ થયેલા લોકો સાથે રહેશો તો તમે પણ તેમના જેવા જ બનશો. માટે જ કહે છે કે ગોરાની સાથે કાળો રહે તો તેનો વાન તો ન આવે પરંતુ શાન જરૂર આવે. એટલે કે તમે જેની સાથે રહેતા હોય તેના જેવા દેખાવા તો ન લાગો પરંતુ તેના જેવી સમજણ જરૂર વિકસાવવા લાગો, એટલે કે તેની માફક વિચારવા જરૂર લાગો. માટે તમારે નક્કી કરવાનું છે કે તમે કેવી રીતે વિચારવા માંગો છો અને કેવું જીવન જીવવા માંગો છો. તેના આધારે તમારું મિત્ર વર્તુળ પસંદ કરો.