વર્ષ ૧૯૯૪માં મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં ફાઇનલમાં સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય વચ્ચે કટોકટીની સ્પર્ધા ચાલી રહી હતી. મોડેલિંગમાં સફળ કારકિર્દી બનાવી ચુકેલી ઐશ્વર્યા લોકોની હોટ ફેવરિટ ગણાતી હતી જયારે ૧૮ વર્ષની સુષ્મિતા પ્રમાણમાં અજાણ્યો ચેહરો હતો. આ કટોકટીની સ્પર્ધમાં બહુ ઓછા તફાવત સાથે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર સુષ્મિતા સેન કેવી રીતે ઐશ્વર્યાથી આગળ નીકળી? ખરેખર તો આ વાત માત્ર સ્પર્ધાના નિર્ણાયકોને જ ખબર હોય પરંતુ કેટલાય લોકોએ એવું તારણ કાઢેલું કે એક પ્રશ્નનો જવાબ એવો હતો કે જે સુષ્મિતા સેનને ઐશ્વર્યા રાયથી આગળ લઇ ગયો. અને તે સવાલ હતો: જો તમને ઇતિહાસની કોઈ એક ઘટના બદલવાની તક મળે તો તમે શું બદલશો? ઐશ્વર્યાએ જવાબ આપેલો કે તે પોતાની જન્મ તારીખ બદલશે જયારે સુષ્મિતાનો જવાબ હતો કે તે ઇન્દિરા ગાંધીની હત્યાની ઘટના બદલશે. આ જવાબને કારણે કદાચ સુષ્મિતાને વધારે ગુણ મળેલા એવું લોકો માને છે.
જો તમને પણ ઇતિહાસની કોઈ એક ઘટના બદલવાની તક મળે તો તમે શું બદલો તેના વિષે ક્યારેય વિચાર્યું છે? આમ તો આ માત્ર અનુમાનિત સવાલ છે, કેમ કે આપણને કોઈને પણ આવી શક્તિ પ્રાપ્ત નથી કે આપણે ઇતિહાસ બદલી શકીએ. પરંતુ આ પ્રશ્ન આપણને પોતાની જિંદગીના જુના પાના પલટાવવાની તક આપે છે અને તે ખરેખર ખુબ મદદરૂપ થાય છે. વ્યક્તિએ સમયે સમયે અંતર્દર્શન કરતા રહેવું જોઈએ. અંતર્મુખી વ્યક્તિત્વ ન ધરાવતા લોકોએ તો ખાસ (કેમકે અંતર્મુખી વ્યક્તિઓ નિયમિત રીતે સ્વભાવગત કરતા રહે છે) સમય કાઢીને પોતાના જીવનને, પોતાના સ્વભાવને, પોતાના વર્તન તથા પોતાની યાત્રાને જરૂર ચકાસવી જોઈએ. આ ચકાસણી જ આપણને ભવિષ્યમાં સાચા નિર્ણયો લેતા શીખવે છે. જે રીતે કોઈ કાર્યક્રમ કરીએ તો તેના પત્યા પછી શું સારું થયું અને ક્યાં ખામી રહી તેનું વિશ્લેષણ કરવું આવશ્યક છે તેવી જ રીતે આપણા પોતાના જીવનના લખાઈ ગયેલા પન્ના ઉથલાવીને પણ તેનું વિશ્લેષણ કરવું મદદરૂપ થાય છે.
જીવન તો ઇન્દ્રધનુષ જેવું છે જેમાં સાતેય રંગના પટ્ટા હોય છે. ક્યારેક ઉજળો રંગ પણ આવે અને ક્યારેક ગાઢો રંગ પણ સહેવો પડે. પરંતુ આ દરેક રંગના પટ્ટાઓમાંથી આપણે કેવી રીતે પસાર થયા અને તેમાંથી શું શીખ્યા તે અગત્યનું છે. કહેવાય છે કે સફળતા મળે ત્યારે માણસ બેકાબુ થઇ જતો હોય છે અને નિષ્ફળતાના સમયે હતાશાના સમુદ્રમાં ગરકાવ થઇ જાય છે. આ બંને વૃત્તિ નુકશાનકારક છે તે સૌ સમજે છે પરંતુ શું તેના પર નિયંત્રણ રાખી શકાય તેમ છે? ખરેખર તો માનવ સ્વભાવ દરેક વ્યક્તિ માટે સમાન જ છે. તેમાં પરિવર્તન કરીને, તેને નિયંત્રિત કરીને જ આપણે તેને સુધારી શકીએ, તેને સાચી દિશામાં વાળી શકીએ. પરંતુ આવા આમોલ પરિવર્તન કરવા માટે આપણને માર્ગદર્શન અને દિશા મળવી આવશ્યક છે જેના માટેનો એક માર્ગ છે પોતાના ઇતિહાસનું અવલોકન.
વ્યક્તિના વિચારોમાં પણ કેટલો તફાવત હોય છે તે આપણને ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેનના જવાબ પરથી માલુમ પડે છે. જયારે ઇતિહાસની ઘટનાને બદલવાની તક મળે ત્યારે માત્ર પોતાની જન્મ તારીખ બદલવા જેવો સરળ, યુવાસહજ જવાબ આપનાર ઐશ્વર્યા એક રીતે જોઈએ તો સ્વયંસ્ફૂરિત લાગે ત્યારે એક જ ક્ષણમાં ઇન્દિરા ગાંધીની હત્યા બદલી નાખવા જેવી ગહન વાત કહેનાર સુષ્મિતા સેનને કેવી રીતે આટલી સમજ અને શાણપણ લાદ્યા હશે તેનું પણ આશ્ચર્ય થાય. અઢાર વર્ષની રૃપસુંદરીના મનમાં પોતાના સૌંદર્ય સિવાય બીજું કશું આવી પણ કેમ શકે તે પણ એક પ્રશ્ન છે. પરંતુ માણસના તાત્કાલિક પ્રતિભાવો અને જવાબો જ તેની વિચારસરણી, તેનું વાંચન, તેના સંસ્કાર અને તેના ભવિષ્યલક્ષી વર્તનનું પ્રતિબિંબ પૂરું પાડે. આ જ વાત સુષ્મિતા સેન માટે પણ સાચી છે.
તમને પણ પોતાના અથવા તો વિશ્વના ઇતિહાસમાં કોઈ એક ઘટનાને બદલવાની તક મળે તો તમે શું બદલો તે પ્રશ્નનો જે જવાબ તમારા મનમાં આવે તે તમારા માનસિક ખોરાકની કક્ષા બતાવે છે. જેવું અન્ન તેવો ઓડકાર એ ન્યાયે આપણા વિચારો પણ એવા જ હોય છે જેવું આપણું વાંચન, શિક્ષણ, મનન અને સંગાથ. તમે જીવનમાં ક્યા સ્તરે પહોંચવા માંગો છો તે તમને ખબર હોય તો ત્યાં પહોંચવા માટે જેવી વિચારસરણી કેળવવી જોઈએ તે તમારી પાસે છે? એ વાત પણ આ પ્રશ્નના જવાબમાં તમે જે પ્રથમ વિચાર કર્યો હશે તેનાથી નક્કી થશે.