ઘણા વર્ષ પહેલાની વાત છે. એક યુવાન દૂરના કોઈ સ્થળે મુસાફરી કરવા નીકળી પડ્યો. અમુક દિવસો જતા તે અકસ્માતે સમાજ અને માનવ વસાહતોથી ઘણો દૂર થઈ ગયો. તે પરિવાર કે મિત્રો સાથે ફરીથી સંપર્ક સાધી શક્યો નહીં. ઘરના લોકો તેની રાહ જોઈ રહ્યા હતા. નિર્ધારિત સમયે પરત ન આવવાથી અને તેના વિશે કોઈ જ માહિતી ન હોવાથી તેમના મનમાં ચિંતા થવા લાગી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેના પરિવારજનો અને મિત્રો અન્ય કાર્યોમાં વ્યસ્ત થતા ગયા અને દૂર ચાલી ગયેલ વ્યક્તિની યાદ અને વિચારો ઓછા થતા ગયા.

બીજી તરફ એ સંપર્ક વિહોણા યુવાન દ્વારા પણ ઘણા પ્રયત્નો છતાંય કોઈ જ રીતે ન પરત ફરાયું કે ન સંપર્ક સાધી શકાયો એટલે તે પણ જેવી સ્થિતિમાં હતો તેને અનુકૂળ થઈને રહેવા લાગ્યો. જંગલોમાં અને પહાડોમાં કે જ્યાં દૂર દૂર સુધી કોઈ માનવી જોવા ન મળે તેવા કોઈ સ્થળે તેનો સમય વ્યતીત થઈ રહ્યો હતો. તેવામાં અચાનક જ કોઈ ચમત્કાર થયો અને તે ફરીથી પોતાના પરિવાર અને મિત્રોને મળવા સક્ષમ બન્યો. ઘણા વર્ષો બાદ તેના પરિવારજનો અને મિત્રો યુવાનને મળી રહ્યા હતા. સૌને ઉત્સુકતા હતી કે એ યુવાન સાથે શું થયું? શા માટે તે આટલા વર્ષો સુધી પરત ન આવી શક્યો તેના વિશે જાણવા સૌ આતુર હતા. પરંતુ સૌના આશ્ચર્યની વચ્ચે તે યુવાનની બોલવાની અને સાંભળવાની ક્ષમતા જતી રહી હતી. પોતે ક્યાં રહ્યો, કેવી રીતે રહ્યો, કેવા દુઃખ સહ્યા અને શું શું અનુભવો થયા તે બધું જ તે કહેવા માંગતો હતો પરંતુ પોતાની વાચ્ય અને શ્રાવ્ય શક્તિ ગુમાવવાને કારણે તે યુવાન પોતાની કહાની બયાન કરી શકે તેમ નહોતો. તેવી જ રીતે પરિવારજનો પણ આ બધું જાણવા ઈચ્છતા હોવા છતાં તેમની પાસે કોઈ તરીકો નહતો કે આ બધી વાતો જાણી શકે.

કેવી અજીબ સ્થિતિ ઊભી થઈ કહેવાય! આ તો એક કાલ્પનિક વાત છે પરંતુ તમે વિચારો કે રોજબરોજના જીવનમાં આપણે કેટલી વાતો કહેવા ઇચ્છતા હોઈએ છીએ કે સાંભળવા માંગતા હોઈએ છીએ. પોતાની કહાની અને પરિસ્થિતિ વિશે કોઈને અવગત કરાવવા ઇચ્છતા હોઈએ છીએ. તેમના સંજોગો વિશે જાણવા ઈચ્છતા હોઈએ છીએ. પરંતુ કોઈ કારણસર આપણે આ વાતચીત કરી શકતા નથી. આપણી વચ્ચે સંવાદ પ્રસ્થાપિત થઈ શકતો નથી. તેના માટે કેટલાય કારણ હોઈ શકે, જેમ કે સમયનો અભાવ હોય, સામેવાળી વ્યક્તિ આપણી વાત સાંભળવામાં રસ ન લેતી હોય અથવા આપણને એ તક ન મળતી હોય કે જ્યારે મનની વાતો કરી શકાય. આવી પરિસ્થિતિઓ પણ એક રીતે તો આપણી બોલવાની અને સાંભળવાની ક્ષમતા છીનવી લેવા જેવું જ કામ કરે છે. જેમ કે એક યુવાન કોઈ યુવતીને કહેવા માંગતો હોય કે તે તેને કેટલી ચાહે છે પરંતુ ક્યારેય તેને એકાંત જ પ્રાપ્ત ન થાય અથવા તો તે યુવતી તેને સાંભળવાનો સમય ન આપે તો તે યુવાનની પરિસ્થિતિ આપણા બોલવા અને સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા વ્યક્તિ જેવી જ કહેવાય ને? ઝઘડો થયો હોય પરંતુ પતિ-પત્ની સાથે બેસીને સંવાદ ન કરે, મનમાં ઊઠી રહેલા પ્રશ્નોનું નિરાકરણ ન લાવે, તો તે બંનેમાંથી એકની તો બોલવા કે સાંભળવાની ક્ષમતા જતી રહી છે તેવું કહી શકાય.

વાત સ્પષ્ટ અને અસરકારક સંવાદની – કોમ્યુનિકેશનની છે. જો સંવાદ – કોમ્યુનિકેશન અસરકારક ન બને તો આપણામાં અને તે યુવાનમાં કોઈ જ ફરક નથી. તો આપણી અને સામેવાળી વ્યક્તિની સ્થિતિ હૂબહૂ તે યુવાન અને તેના પરિવાર જેવી જ કહેવાય કે જેઓ ઘણું બોલવા અને સાંભળવા ઈચ્છતા હોવા છતાંય તે અશક્ય બની ગયું. તમારા જીવનમાં પણ ક્યારેય એવી પરિસ્થિતિ ઊભી થતી હોય કે તમે પોતાની વાતને સારી રીતે રજુ કરી શકવા અસમર્થ હોય તો તે યુવાન જેવી સ્થિતિમાં ન બદલાય તેનું જરૂર ધ્યાન રાખજો. પૂરો પ્રયત્ન કરજો કે જ્યારે તક મળે ત્યારે માહિતીની આપ લે થાય, એકબીજા સાથે સંવાદ થાય, લાગણીનું આદાન-પ્રદાન થાય, અનુભવોની વહેંચણી થાય. કેમકે કોને ખબર ક્યારે આપણે પણ વિખૂટા પડી જઈએ અને પોતાની વાત કહેવા ઇચ્છતા હોયએ તો પણ ન કહી શકીએ. આવી અણકહી વાતો મનમાં દબાઈને રહી જાય તેના કરતા તો જ્યારે પણ શક્ય હોય ત્યારે તેમને વ્યક્ત કરી દેવી સારી.