એવું તારણ છે કે આપણે એક દિવસમાં લગભગ ૬૦,૦૦૦ જેટલા વિચાર આવે છે. સામાન્ય માણસ જાણતો પણ નથી કે એટલા બધા વિચારો તેના મગજમાં ક્યાંથી આવતા હશે પરંતુ તેમ છતાંય આપણું અર્ધજાગૃત મન પોતાની આસપાસ બનતી ઘટનાઓને જોઈને વિચારો ઉત્પન્ન કરે છે. તમારા મગજમાં પણ રોજ હજારો વિચારો આવતા હશે. પરંતુ આ અસંખ્ય વિચારોની હારમાળા પૈકી ક્યાં વિચાર પર અમલ કરવો અને ક્યાં પર નહિ તેનો વિવેક ખુબ જરૂરી છે.
ઘણા વિચારો શેખચિલ્લી જેવા હોય છે. એટલે કે આભમાં હિંડોળા બાંધવા જેવા વિચારો. તેની પાછળ કોઈ તર્ક હોતો નથી. તેનો અમલ કરવા માટે તાર્કિક સંસાધનો ઉપલબ્ધ હોતા નથી. પરંતુ વિચારોનું શું? તે તો કોઈ પણ કલ્પના ઘડી શકે. આવા વિચારો પર અમલ કરવો એટલે નાહકનો સમય વેડફવો.
પરંતુ ઘણીવાર વિચારો અશક્ય લગતા હોવા છતાંય તેનો અમલ સંભવ હોય છે. જેમ કે વિમાન બનાવવાની કલ્પના શરૂઆતમાં કરવામાં આવી હશે ત્યારે લોકોને તે અશક્ય લાગ્યું હશે. તેને પણ કોઈએ મુંગેરીલાલ કે હસીન સપને જેવી ઉપમા આપી હશે. પરંન્તુ વૈજ્ઞાનિક ધોરણે તેના પર અમલ કરવાથી વિચારનું બીજ વિમાન બનીને સામે આવ્યું. આવા વિચારોને અઘરા કહી શકાય પરંતુ અશક્ય નહિ. જો તમારા મનમાં પણ કોઈ એવો અઘરો વિચાર આવતો હોય, અને તમે તેના પર મહેનત કરવા માટે કટિબદ્ધ હોય તો અમલી બની શકે છે. કેટલાય સ્ટાર્ટઅપ આ પ્રકારના હોય છે. એલોન મસ્કની રોકેટ બનાવવાની ઈચ્છા આખરે ફળીભૂત થઇ. તેનું દુનિયાભરમાં વાયરલેસ ઇન્ટરનેટ પહોંચાડવાનું સપનું ધીમે ધીમે રંગ લાવી રહ્યું છે અને સ્ટારલિંક વધારેને વધારે દેશોમાં ઉપલબ્ધ થઇ રહ્યું છે.કહેવાય છે કે તમે ક્યાં પ્રકારના વિચારો પણ ધ્યાન આપો છો અને ક્યાં વિચારોને ત્યજી દો છો તે નક્કી કરશે કે તમારું ભવિષ્ય શું હશે. જેમ કે તમારા મનમાં રમતગમતના જ વિચારો ચાલતા હોય, આજે સાંજે આઈપીએલનો મેચ આવશે તો જોઈને મજા કરશું તેવા આયોજનો તમારા મનમાં બની રહ્યા હોય તો વાસ્તવમાં તમે મેચ જોવામાં જ સમય વિતાવશો અને તેને કારણે તમે બીજું કઈ કરી શકશો નહિ. ગુનાહિત પ્રવૃત્તિના વિચારો કરનાર, વિકૃત માનસિકતા ધરાવનાર વ્યક્તિ આખરે સમાજ વિરોધી કાર્યો તરફ વળે છે.
માણસના વિચારો શબ્દો બને છે. શબ્દોમાંથી ક્રિયા ઉદ્ભવે છે. ક્રિયામાંથી આદત અને આદતમાંથી ચરિત્ર ઘડાય છે. ચરિત્ર માણસનું નસીબ નિર્ધારિત કરે છે. માટે આપણા વિચારો આપણા ભવિષ્યનો, આપણા નસીબનો આધારસ્તંભ છે. તેમના પર નિયંત્રણ રાખવું, સારા વિચારો કરવા, સારા શબ્દો બોલવા અને આખરે સારું ચરિત્ર નિર્માણ કરવું તે આપણા હાથમાં છે. ૬૦,૦૦૦ વિચારો પૈકી ક્યાં વિચારોને આપણે અપનાવવા છે, કોના પર અમલ કરવો છે, તે આપણા હાથમાં છે. વિચારો પણ આપણા મગજમાં શૂન્યમાંથી સર્જાતા નથી. તેના માટે આપણું પર્યાવરણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યાં સુધી આપણી પાસે સારું પર્યાવરણ ન હોય ત્યાં સુધી સારા વિચારો આવતા નથી. જુગારી લોકો સાથે રહેનાર વ્યક્તિ જુગાર રમવાના વિચારો કરે, હિંસક અને વિકૃત માણસની સોબત કરનારના વિચારો પણ તેવા જ થાય, મંદિરમાં જનાર વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિથી વાકેફ થાય અને ધીમે ધીમે તેવા વિચારો શરુ કરે. અપવાદને બાદ કરતા આવું સામાન્ય રીતે થતું હોય છે.
પોતાનું ભવિષ્ય ઘડવા માટે, પોતાનું પ્રારબ્ધ નિર્ધારિત કરવા માટે પોતાના વિચારોને સાચી દિશામાં વાળવા આવશ્યક છે. આળસુ લોકો સાથે રહીને, નકારાત્મક વિચારો કરનારા લોકોની સંગત કરીને પોતાની જાતને પણ નિષ્ફળતા તરફ ધકેલવા કરતા સકારાત્મકતા અને આશાવાદી વિચારો ધરાવતા મિત્રો બનાવીએ તો સફળતાનાં માર્ગ ખુલે.
પોતાના વિચારોનું અવલોકન કરો. કેવા પ્રકારના વિચારો મોટાભાગે તમારા મગજમાં આવે છે. તેનું કારણ શું છે? તેનું પરિણામ શું આવી શકે? આટલું સમજી જશો અને બીજું કઈ જ કર્યા વિના માત્ર સારા વિચારો કરવાનું શરુ કરશો તો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે. તમારી ઈચ્છાઓને ધીમે ધીમે તમે સાકાર થતી જોઈ શકશો. ચમત્કારની માફક બધા સંજોગો તમારા માટે સાનુકૂળ બનવા માંડશે. માત્ર એક ધ્યાન રાખજો – વિચારોને તેના માટે યોગ્ય બનાવજો.