જયારે તમારું મન કોઈ વાત, વ્યક્તિ કે સ્થળથી ભરાઈ જાય ત્યારે? ક્યારેક તમારી સાથે એવું થતું હશે કે અમુક સમય કોઈ બાબતને અનુસર્યા પછી તમને લાગે કે આમાં કઈ માલ નથી. તમને તે કામમાં મજા આવતી બંધ થઇ જાય ને ધીમે ધીમે તમને તે કામ કરવામાં કંટાળો આવવા લાગે. ક્યારેક આવું જ કોઈ વ્યક્તિ અંગે કે સ્થળ માટે પણ થઇ શકે છે. કોઈ વ્યક્તિને પામવા માટે ઘણા હાથ-પગ માર્યા હોય, કોઈ સ્થળે પહોંચવા માટે, જવા માટે, રહેવા માટે ઘણી મહેનત કરી હોય પરંતુ અમુક સમય પછી જો આ રીતે મન ભરાઈ જાય, કંટાળાજનક સ્થિતિ ઉભી થાય તો તેનો ઈલાજ શું?
વાસ્તવમાં આ કોઈ નવી વાત નથી. માણસનો સ્વભાવ જ છે ક્યાંય સ્થિર ન થવાનો. હંમેશા નાવીન્ય શોધવાનો. આ સ્વભાવગત મર્યાદા – તમે તેને વિશેષતા પણ કહી શકો – તેને કારણે વ્યક્તિ હંમેશા પરિવર્તન શોધતો હોય છે, કૈંક નવું ઝંખતો હોય છે. પરંતુ જ્યાં સુધી કઈ નવું ન મળે, જ્યાં સુધી કોઈ પરિવર્તન ન થાય ત્યાં સુધી જે તે સ્થિતિ, વ્યક્તિ કે સ્થળ સાથે કેવી રીતે નાતો બનાવી રાખવો, તેમાંથી કેવી રીતે રોમાંચ, આનંદ મેળવવો તે મોટો પ્રશ્ન છે તેનો ઉત્તર ભાગ્યે જ કોઈ આપી શકે.
કદાચ એક તરકીબ એ હોઈ શકે કે તમે જ્યાં છો, જેની સાથે છો, જે બાબત પર કે કાર્ય સાથે સંકળાયેલા હોય તેને નવી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરી શકાય. જે સામે છે તેને એક વખત અલગ દ્રષ્ટિથી જોવાથી તેમાં જ કૈંક તો નાવીન્ય પ્રાપ્ત થઇ જ જાય છે. એવું નાવીન્ય થોડો સમય તો તમને સાંકળી શકે, તમારો કંટાળો દૂર કરી શકે. જો કે તેની પણ એક મર્યાદા છે અને તે પણ લાંબો સમય તો નહિ જ ટકે, પરંતુ આ નાવીન્ય શોધવાની પ્રક્રિયા અમુક વખત પુનરાવર્તિત કરવાંની તરકીબ પણ અજમાવી લેવી જોઈએ.
બીજી તરકીબ એ છે કે તમે અત્યાર સુધી જે ક્રમ, પ્રક્રિયા અપનાવી હોય, અનુસરી હોય તેને બદલી નાખો. કામ કરવાની પદ્ધતિ તદ્દન અલગ કરી જુઓ. વ્યક્તિ સાથેના સંબંધને અત્યાર સુધી જે રીતે સંભાળ્યા હોય તેને થોડા અલગ રીતે લેવાની કોશિશ કરો. સ્થળની વાત હોય તો તેને પણ ફરીથી જોવાની કોશિશ કરો. જે રસ્તે રોજ ચાલતા હોય તેનાથી અલગ રસ્તો અખત્યાર કરો. જે બાકી હોય તે જગ્યાઓની પણ મુલાકાત લો. નવા રેસ્ટોરન્ટ કે પ્રવાસના સ્થળે પણ જય શકાય. આ રીતે કૈંક નવું કરવાથી જ થોડા સમય સુધી કદાચ તમે તે સ્થળ કે વ્યક્તિ કે કાર્યને થોડો વધારે સમય માણી શકશો.
આ રીતે તમારા જીવનમાં ક્યારેક જો અણગમાનો સમય આવે, નીરસતા આવી જાય અને કંટાળાજનક સ્થિતિ ઉભી ત્યાં ત્યારે થોડા ઘણા પરિવર્તનથી, આમતેમ ફેરફાર કરવાથી કૈંક નવીનતા લાવી શકાય. શક્ય છે કે આવો અણગમો અને નીરસતા ક્ષણિક જ હોય. અમુક સમય પછી તે આપોઆપ દૂર થઇ જાય અને ફરીથી તમારું મન ત્યાં લાગવા માંડે. આવી ક્ષણિક મૂડ ચેન્જની સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે શીખવું આવશ્યક છે. થોડા થોડા સમયે બદલાતા મૂડને કારણે જીવનમાં કોઈ મોટા ફેરફાર તો ન જ કરી શકાય? એટલા માટે મનને કોઈ રીતે બહેલાવ્યા કરવું આવશ્યક છે.