મોટિવેશન – પ્રેરણા માટે લોકો શું શું  નથી કરતા? પ્રેરણાના ઝરણાં વહેતા રહે એટલા માટે કેટલાય લેખકો અને વક્તાઓ રાતદિવસ મહેનત કરે છે. તેમને વાંચીને, સાંભળીને લોકો પણ ઘણા ઉત્સાહમાં આવે છે અને પોરસાઈ પોરસાઈને કામ કરવા લાગે છે. કોઈને અંબાણી બનવાની પ્રેરણા મળે છે તો કોઈને કોહલી બનવાની. કોઈ શાહરુખ ખાન બનીને ફિલ્મી દુનિયામાં પોતાનો સિતારો ચમકાવવા તત્પર હોય છે તો કોઈ ભણીગણીને આગળ વધવા માંગતા હોય છે. આ બધા જ કામ માટે લોકોને મહેનત કરવી પડે છે, ઊંચા લક્ષ્યાંક સેટ કરવા પડે છે. તેના માટે આવશ્યક છે મોટીવેશનની – પ્રેરણાની.

પ્રેરણા મેળવવી આવશ્યક છે. તે માનસિક ઇંધણ છે જે તમારી ગાડીને લક્ષ્ય તરફ ગતિ કરતી રાખવા માટે આવશ્યક છે. મોટીવેશનનો અભાવ માણસને નિષ્ક્રિય કરી દે છે. પ્રેરણા મળતી રહે તો વ્યક્તિ ગમે તેવી કાપસી સ્થિતિમાં પણ નિરાશ થતો નથી, હિમ્મત હારતો નથી. પરંતુ આ પ્રેરણા મળે ક્યાંથી? પરંતુ શું માત્ર પુસ્તકો વાંચવાથી, વિડિઓ જોવાથી કે કોઈના જીવન પરથી જ પ્રેરણા મળી શકે? ના, એવું નથી. અને વાસ્તવમાં તો બહારથી મળતી આ પ્રેરણા લમ્બો સમય અસરકારક બનતી પણ નથી. કોઈના શબ્દો કે ઉદાહરણો આપણને એક ધક્કો મારવાનું કામ કરી શકે, ખુરશીમાં બેઠા હોઈએ તો ઉઠાડીને ચાલવાનું કામ કરી શકે પરંતુ એકવાર ચાલવાનું શરુ કરીએ ત્યારબાદ કેટલો સમય ચાલતા રહીશું તેનો નીર્ધાર કોઈએ આપેલી પ્રેરણા નહિ પરંતુ આપણે અંદરથી પ્રાપ્ત કરેલી પ્રેરકબળ પણ આધાર રાખે છે.

વ્યક્તિને સતત કાર્યરત રાખવા માટે જે પ્રેરણા આવશ્યક છે તેના ઉદ્ભવના સ્ત્રોતોને ‘હાઈ પરફોર્મન્સ હેબિટ’ નામના પુસ્તકમાં લેખક બ્રેનડોન બુરચાર્ડ બે પ્રકારના હોવાનું ગણાવે છે: આંતરિક અને બાહ્ય. આંતરિક પ્રેરકબળ વ્યક્તિની અંદરની ઉદ્ભવે છે જયારે બાહ્ય પ્રેરણા તેને બીજા પાસેથી મળે છે.

આંતરિક પ્રેરણામાં બે પરિબળો કારણભૂત હોઈ શકે: ઓળખ અને ઘેલછા.

બાહ્ય પ્રેરણામાં કારણભૂત બે પરિબળો છે: કર્તવ્ય અને તાકીદ.

માણસને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની ઈચ્છા હોય, સમાજમાં લોકો તેને ઓળખે, તેને આદર આપે, તેનું નામ પ્રખ્યાત બને તેવી પ્રેરણા વ્યક્તિને કાર્ય કરવા મોટીવેટ કરે છે. તેવી જ રીતે જયારે માણસમાં કોઈ લક્ષ્ય હાંસલ કરવાની ઘેલછા જન્મે, ઝનૂન જાગે ત્યારે તે શું નથી કરતો? આવી જ ઘેલછાને કારણે વ્યક્તિઓ માઉન્ટ એવરેસ્ટને સર કરવા નીકળી પડે છે, મહાસાગરને પાર કરવા હામ ભરે છે. આ ઓળખ પ્રાપ્ત કરવાની કે કોઈ ઘેલછા પુરી કરવાની પ્રેરણા માણસની અંદરથી ઉદ્ભવે છે માટે તેમને આંતરિક પ્રેરણાના સ્ત્રોત કહેવાય છે.

તેની સામે બહારના પરિબળોને કારણે મળતી પ્રેરણામાં કર્તવ્ય ભાવના તથા વ્યક્તિ પર આવી પડતી તાકીદ – અરજન્સીની ક્ષણોનો સમાવેશ થાય છે. જયારે સમાજ દ્વારા, પરિવાર દ્વારા કે દેશ દ્વારા વ્યક્તિ પર કોઈ કર્તવ્ય પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે તેને પૂરું કરવા તે પોતાનું બધું જોર લગાડીને મહેનત કરે છે. આ કર્તવ્યભાવના જ હોય છે જે એક સૈનિકને ટાઢ, તાપ કે વરસાદમાં પણ સરહદ પર મક્કમ બનાવી રાખે છે. બીજું આવું બાહ્ય પરિબળ છે તાકીદની ક્ષણો. કોઈ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોય અને અકસ્માતનો બનાવ બને તો દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા કરતા વધારે પ્રયત્ન કરીને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની અને બીજાને પણ બહાર કાઢવાની કોશિશ કરે છે. સામાન્ય સંજોગોમાં તે ન દર્શાવી શકે તેવી કાર્યક્ષમતા આવી તાકીદની ક્ષણોમાં બતાવે જ છે. અરજન્સી હોય ત્યારે વ્યક્તિ ભૂખ, તરસ અને થાક ભૂલીને પણ કામે લાગી જાય છે અને પરિણામ હાંસલ કરીને જ રહે છે.

આ ચાર પૈકી ક્યુ પ્રેરણાનું પરિબળ તમને કાર્યરત રાખે છે? શું તમે કોઈ કર્તવ્ય કે સેવાભાવને કારણે મહેનત કરો છો કે પછી તમારી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે? શું સામે આવી ચડેલી તાકીદની સ્થિતિ તમને દોડતા રાખે છે કે પછી તમારી અંદર પણ કોઈ ઘેલછા રહેલી છે? આ ચાર પૈકી જે કોઈપણ પ્રેરણાનો સ્ત્રોત તમને કાર્યરત રાખતો હોય તેને સતત વહેતો રહેવા દેજો. તેને સુકાવા દેશો નહિ. જો તે સુકાઈ જશે તો બીજું કોઈપણ તમને લાંબો સમય પ્રભાવિત કરી શકશે નહિ, તમને મોટીવેટ કરી શકશે નહિ.