૨૫મી નવેમ્બર વ્હાઇટ રીબીન ડે તરીકે ઉજવાય છે અને તેનો ઉદેશ્ય મહિલાઓ પર થતા અત્યાચાર અંગે જાગરૂકતા ફેલાવી તેમને અટકાવવાનો છે. આ દિવસે સફેદ રીબીન પહેરીને લોકો એવી ભાવના વ્યક્ત કરે છે કે તેઓ મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર નહિ કરે અને આવા અત્યાચાર સામે અવાજ ઉઠાવશે. આજના સમયમાં મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચાર અનેક પ્રકારના હોઈ શકે.

આપણા દેશમાં મહિલા અને પુરુષમાં સમાનતા હજુ પૂરતા પ્રમાણમાં આવી નથી. જો સંયુક્ત રાષ્ટ્રો વિકાસ કાર્યક્રમ ના જેન્ડર ઇક્વાલિટી ઈન્ડેક્સ ૨૦૧૭માં ભારતનું રેટિંગ ૦.૫૨૪ હતું અને તે ભારતને તળિયાના ૨૦% દેશોમાં શામેલ કરે છે. જો કે અલગ અલગ રાજ્યો અને પ્રદેશોમાં મહિલાઓનો દરજ્જો તફાવત રાખે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમા મહિલાઓનો દરજ્જો ખુબ ઉચ્ચ છે પરંતુ અમુક રાજ્યોમાં મહિલાઓનું સ્થાન પુરુષની સરખામણીમાં હજી ઘણું ઊતરતું મનાય છે.

મહિલાઓ વિરુદ્ધ સૌથી વધારે હિનતાભર્યું કૃત્ય બળાત્કાર ગણાવી શકાય અને ભારતમાં દરરોજ ૮૮ બળાત્કારના કિસ્સા ૨૦૧૯ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોએ આપ્યા છે. રાજસ્થાનમાં વર્ષ દરમિયાન લગભગ ૬,૦૦૦ અને ઉત્તર પ્રદેશમાં ૩૦૦૦ બળાત્કારના કેસો નોંધાયા હતા. કુલ બળાત્કારના કેસોના ૧૧% દલિત મહિલાઓના હતા. છેલ્લા ડૅશ વર્ષમાં બળાત્કારના કેસોમાં ૩૧% જેટલો વધારો નોંધાયો છે. વળી કેટલાક ધારાશાસ્ત્રીઓ અને કાયદા નિષ્ણાતોનું માનવું છે કે મોટા ભાગના બળાત્કારના કેસો તો રિપોર્ટ જ નથી થતા. મહિલાઓની છેડતી, સતામણી અને અત્યંત ક્રૂર કિસ્સાઓમાં એસિડ એટેક પણ ખુબ મોટા પ્રમાણમાં થઇ રહ્યા છે.

દેશમાં મહિલાઓની સુરક્ષા માટે વધારે સખત કાયદા અને પોલીસિંગ થઇ રહ્યું છે અને તેના અંગે સરકારી તંત્ર વધારે ને વધારે સક્રિય બની રહ્યું છે. પરંતુ સમાજમાં જ્યાં સુધી સામાજિક જાગૃકતા અને મહિલા સમ્માનની ભાવના નહિ કેળવાય ત્યાં સુધી આવા કિસ્સાઓ સામે આવશે તે ખરાબ લાગે તેવું સત્ય છે. મહિલાઓને સમાજમાં પોતાની ઈચ્છા પ્રમાણે રહેવાનો સમાન હક છે અને તેમાં કોઈએ પ્રશ્ન ઉઠાવવો જોઈએ નહિ. ન માત્ર કાનૂન અને સરકાર પરંતુ વિજ્ઞાન, સમાજ અને ધર્મ પણ મહિલાઓને સમ્માન આપવાની હિમાયત કરે છે અને આ સમ્માન તેમના પર દયા કરીને નહિ પરંતુ તેમના અધિકાર તરીકે મળવું જોઈએ તે વાત આપણને સમજવાની જરૂર છે.

જે લોકો મહિલાઓનું સમ્માન કરતા હોય અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપતા હોય તેઓએ આ બાબત અંગે વધારે સક્રિય થવાની જરૂર છે. મહિલાઓનું પણ કાઉન્સેલિંગ કરવું અને તેમને સ્વબચાવ માટે તૈયાર કરવી જરૂરી છે. ઘણીવાર મહિલાઓ વિરુદ્ધના અપરાધ પરિચિતિ વ્યક્તિઓ દ્વારા જ થતા હોય છે. જો મહિલાઓ આવા અપરાધીઓનો સાચો ચેહરો પહેલાથી જ ઓળખી જાય તો આવા અપરાધોનો શિકાર બનતા બચી શકે.

ફરીથી વ્હાઇટ રીબીન ડેની વાત કરીએ તો આ એક ઝુંબેશ તરીકે લંડનમાં ૧૯૯૧માં શરુ હતું અને આજે તે ૬૦ જેટલા દેશોમાં સક્રિય છે. તેની શરૂઆત કેનેડાની એક પોલિટેક્નિક કોલેજમાં ૧૯૮૯માં માર્ક લિપીન નામના વ્યક્તિએ 14 મહિલા વિદ્યાર્થીનીઓની હત્યા કરી અને ૧૦ને ઘાયલ કરી તેના વિરુદ્ધમાં શરુ થયેલું. મહિલાઓ વિરુદ્ધનો આ સંહારનો કિસ્સો વ્હાઇટ આજે પણ કંપારી જન્માવે તેવો છે. વ્હાઇટ રીબીન ડે આપણા માટે એક સંકલ્પ સૂચક છે કે આપણી આસપાસ કોઈ પણ પ્રકારનો મહિલાઓ વિરુદ્ધનો અત્યાચાર થતો હોય તો તેનો આપણે વિરોધ કરવો જોઈએ અને સરકારી તંત્રને જાણ કરીને તેને અટકાવવો જોઈએ.

આ બધી બાબતોમાં ભણેલા-ગણેલા લોકોએ પણ મહિલાઓ વિરુદ્ધના સૂક્ષ્મ અત્યાચાર કે સતામણીના કિસ્સાઓ સમજવાની જરૂર છે. જે લોકો મહિલા પર હાથ ન ઊઠાવતા હોય કે તેમને અપમાનિત ન કરતા હોય તેઓ પણ ક્યારેક અજાણતા મહિલાના સમ્માનને લાગણી પહોંચાડતા હોય છે. જેમ કે ‘અમે કઈ હાથમાં બંગડી નથી પહેરી રાખી’ જેવા વાક્યો ઉછરીને મર્દાનગી ભર્યા દવા કરતા પુરુષો બંગડી પહેરેલી મહિલાઓ કમજોર હોવા તરફ નિર્દેશ કરે છે અને તે મહિલાઓની લાગણીને ઠેંસ પહોંચાડી શકે છે. આવા પ્રકારના વાક્યો અને શબ્દો વાપરવાનું બંધ કરવું જોઈએ જેથી કરીને આપણે જાણ્યે-અજાણ્યે મહિલાઓને દુઃખી ન કરીએ.

લાસ્ટ જમ્પ:

મહિલાઓ અને છોકરીઓને તેમના જાણતા પુરુષોથી હિંસાનું જોખમ વધારે છે, ખાસ કરીને પરિવારમાં.

બળાત્કાર અને જાતીય ત્રાસનો ઉપયોગ યુદ્ધના શસ્ત્રો તરીકે થાય છે.

સ્ત્રીઓ સામેની હિંસાના માનસિક, શારીરિક અને જાતીય સ્વાસ્થ્યનાં ગંભીર પરિણામો આવે છે.

– વિશ્વ આરોગ્ય સંસ્થા

મહિલાઓ સામે હિંસા સાંસ્કૃતિક નથી, તે ગુનાહિત છે. સમાનતા ધીમે ધીમે ન આવી શકે, આપણે તેના માટે લડવું પડશે.

– સમન્તા જેન પાવર, આઇરિશ-અમેરિકન શિક્ષણવિદ અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા લેખક