થોડા દિવસો પહેલા એક સેમિનારમાં વક્તાએ પૂછ્યું કે વિશ્વમાં માનવજાત માટે સારું કામ કરનારી ત્રણ વ્યક્તિઓમાં કોને શામેલ કરશો? લોકોનો જવાબ લગભગ સમાન હતો: મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ. એકાદ બે બીજા નામો કોઈ બોલેલું પરંતુ આ નામ અંગે કોઈને શંકા નહોતી. શા માટે આ ત્રણેય નામ આધુનિક ઇતિહાસમાં સૌથી વધારે યાદગાર બન્યા છે? સૌથી મોટું કારણ એ છે કે તેઓએ હિંસા અને નફરતને બદલે શાંતિ અને પ્રેમનો સ્વીકાર કર્યો અને લોકોને પણ તેના માટે પ્રોત્સાહિત કર્યા.

માર્ટિન લ્યુથર કિંગ દ્વારા અમેરિકામાં સ્લેવરી વિરુદ્ધ ચળવળ શરુ કરવામાં આવી અને તેને ઘણા વર્ષોના સંઘર્ષ બાદ સફળતા મળી તેના વિષે સૌ વાંચે છે અને સાંભળે છે. પરંતુ તેના પાયામાં પણ કેટલીય એવી વ્યક્તિઓ હતી જેને આ ચળવળના બીજ રોપ્યા હતા. તેવી જ એક અશ્વેત મહિલા હતી રોઝા પાર્ક. ૧લી ડિસેમ્બર ૧૯૫૫ના રોજ અમેરિકાના અલાબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં ૪૨ વર્ષીય રોઝા પાર્ક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પોતાની નોકરી પુરી કરીને સાંજે ઘરે પાછી આવી રહી હતી. તે બસમાં ચડી અને એક સીટ પર બેઠી. થોડીવારમાં વધારે મુસાફરો બસમાં ભરાયા એટલે ડરાઇવરે રોઝા અને બીજા ત્રણ અશ્વેત લોકોને આગળની સીટ શ્વેત લોકો માટે ખાલી કરીને પાછળ જવા કહ્યું. તે દિવસે રોઝા પાર્કે પોતાની સીટ છોડવાથી ઇન્કાર કર્યો અને તેની આ હિમ્મતનું પરિણામ એ આવ્યું કે તેને ગિરફ્તાર કરી લેવામાં આવી અને અયોગ્ય વર્તનના ગુનામાં તેને સજા પણ થઇ. તેની નોકરી તો ગઈ જ પરંતુ આ કિસ્સાને કારણે તેના પતિની નોકરી પણ ગઈ. રોઝા પાર્કની આ પ્રતિક્રિયાને કારણે તેને તો જેલમાં જવું પડ્યું પરંતુ તેનાથી અશ્વેત લોકોમાં એક ચળવળ ઉભી થઇ. તેઓએ સાથે મળીને ૩૮૧ દિવસ સુધી બસનો બહિષ્કાર કર્યો જે મોન્ટગોમેરી બસ બહિષ્કાર ચળવળ તરીકે આજે ઇતિહાસમાં સ્થાન પામ્યો છે. આ બસ બહિષ્કારની નેતાગીરી યુવાન માર્ટિન લ્યુથર કિંગ જુનીઅરે કરેલી. ત્યારબાદ પોતાનું શેષ જીવન રોઝા પાર્ક વંશીય ભેદભાવ અને રંગભેદ સામે અવાજ ઉઠાવતી રહી. વર્ષ ૨૦૦૫માં તેનું અવસાન થયું.

કેટલીય એવી વ્યક્તિઓ હશે જેમણે પોતાની રીતે કોઈને કોઈ પ્રકારના ભેદભાવ કે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હશે. આ રીતે પ્રસ્થાપિત રીતરિવાજ કે પરંપરા સામે વિદ્રોહ કરવો, અવાજ ઉઠાવવો સહેલું કામ નથી. જે વ્યક્તિ પોતાના માથે આ ફરજ લે છે તેને ઘણું ભોગવવાનો વારો આવે છે. તેના પોતાના લોકો પણ તેનાથી દૂર થઇ જાય છે. સમાજ તેનો અસ્વીકાર કરે છે અને ઘણીવાર તો તત્કાલીન કાયદાઓ પણ તેની વિરુદ્ધ હોય છે. પરંતુ સત્ય તો આખરે સત્ય છે. ન્યાય આજે નહિ તો કાલે થવાનો જ છે. જેનામાં હિમ્મત હોય તે લડે છે અને ઇતિહાસ રચે છે. માત્ર ઇતિહાસ માટે જ નહિ પરંતુ અન્ય લોકોને એવો અન્યાય સહન ન કરવો પડે તે માટે પણ તે માર્ગ સાફ કરી આપે છે. માનવજાતની સેવા કરવાના અનેક રસ્તા હોય છે અને તેમાં સૌથી સારો રસ્તો છે માનવજાતને અન્યાયમૂક્ત જીવન અપાવવું. લોકોને જાગરૂક કરવા અને તેમના અધિકારો તથા શક્તિ અંગે વાકેફ કરાવવા.

આ ત્રણેય મહાપુરુષોએ એક જ કાર્ય કર્યું: લોકોને તેમના અધિકારો અંગે જાગરૂક કર્યા અને તેમની અંદર અન્યાય સામે લડવાની અને જીતવાની ક્ષમતા છે તે જાતે આગેવાની લઈને બતાવ્યું. ઇતિહાસ માત્ર તેમની પોતાની ક્રિયાથી નથી બન્યો પરંતુ તેઓએ લોકોને જે રીતે જાતે કદમ ઉઠાવવા માટે પ્રેરિત કર્યા અને સાથે મળીને કર્યા કરીશું તો સૌથી શક્તિશાળી તાકાતનો પણ સામનો કરી શકીશું તેવો વિશ્વાસ અપાવ્યો તેનાથી ઇતિહાસ રચાયો છે. આ ત્રણેય મહામાનવીઓએ માનવશક્તિને જાગરૂક કરી. સંઘ શક્તિનો ઉપયોગ કરીને તે સમયના સૌથી તાકાતવર સામ્રાજ્યને માટે આપી. આ જીત કોઈ એક વ્યક્તિ કે દેશની નહિ પરંતુ સમગ્ર માનવજાતની હતી અને તેને કારણે જ સૌ આ મહામાનવીઓને આજે પણ પ્રેરણાદાયી માને છે અને તેમના જીવનમાંથી ઘણું શીખે છે.

Don’t miss new articles